Comments

ભારતની બુદ્ધિમત્તાનો નવો પરિચય

પ્રથમ કેનેડા સાથે તકરાર થઇ. બાદમાં અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ની પોલીસી લઇને આવ્યા. સમાંતરે યુકેમાં ઇમિગ્રન્ટસ અર્થાત્ આ પ્રવાસી નાગરિકોની સમસ્યા અત્યંત વણસી છે. લાગે છે કે આખું યુ.કે. આ ક્રાઈસિસમાં ડૂબી ગયું છે. કદાચ આજે ડૂબ્યું નહીં હોય તો કાલે જરૂર ડૂબી જશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાનાં ગોરાં વસાહતીઓને પણ હવે બ્રાઉન કે બ્લેક રંગનાં વસાહતીઓ ઓસ્ટ્રેલિયામાં આવીને વસે તે પસંદ નથી.ત્યાં અવારનવાર વિદેશી નાગરિકો અને વિદેશથી ભણવા આવેલાં વિદ્યાર્થીઓ સાથે મારપીટ થતી રહે છે. આ સ્થિતિની કુલ વિપરીત અસર દુનિયામાં સૌથી વધુ પડી હોય તો ભારતીય મૂળનાં વિદ્યાર્થીઓ અને ભવિષ્યમાં ગોરાઓના દેશમાં ભણવા જવાની ઝંખના સેવતાં ભારતીય વિદ્યાર્થીઓ પર પડી છે અને પડશે.

સામે પક્ષે ભારતનાં ઘણાં લોકો ઇચ્છી રહ્યાં છે કે આ સ્થિતિ બરકરાર રહે, જેથી છેલ્લાં સાઠ સિત્તેર વરસથી દેશનું બુદ્ધિધન પશ્ચિમમાં પગ કરી રહ્યું છે તે અટકે. દુનિયાના અનેક દેશો એમની માઈગ્રેશન પોલીસીને સખત બનાવી રહ્યા છે. અમેરિકામાં વિદેશોમાંથી જે વિદ્યાર્થીઓ પહોંચે છે તેમાંનાં લગભગ ત્રીસ ટકા ભારતીય હોય છે. બીજા કોઇ દેશ – પ્રદેશમાંથી આટલાં વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતાં નથી. કેનેડામાં પહોંચના દુનિયાના કુલ વિદ્યાર્થીઓના ચાલીસ ટકા ભારતીય હોય છે. બ્રિટનમાં 25 ટકા હોય છે. આમાંનાં મોટા ભાગનાં ત્યાં જ વસે અને ઠરીઠામ થઇ જાય છે. આ બતાવે છે કે ભારતનું અમૂલ્ય વિદ્યાધન અને અર્થતંત્રમાં કરોડરજ્જુ બની શકે એવો વિશાળ વર્ગ વિદેશોમાં ખેંચાઈ જાય છે.

આપણા અભણ અને નપાવટ શાસકો, રાજનેતાઓ વિદેશોમાંથી ભારતી પ્રોફેશનલ્સ જે રકમ મોકલે તેના કુલ ડોલર ગણીને રાજી રાજી થઇ જાય છે. ભગવાને એવી વિચારશક્તિ તો આપી હશે કે જો સમૃદ્ધ દેશોને ભારતીય બુદ્ધિમત્તાની જરૂર પડે છે. તેઓને વધુ અને વધુ સમૃદ્ધ બનાવે છે તો ભારત જેવા પ્રમાણમાં ગરીબી ભોગવી રહેલા દેશોમાં તેઓ કેવી કમાલ કરી શકે? ગોરાઓ આપણને ચાહતા નથી કે વહાલ કરવા માટે લાખો કરોડોની સંખ્યાને આવકારે. તેઓને ફાયદો થાય છે, ખૂબ થાય છે. બીજા પક્ષે ભારતની લગભગ તમામ સરકારી કે ખાનગી વ્યવસ્થાઓમાં અંધેર ચાલે છે. લોકોને અહીં વસવાનું મન થતું નથી.

એક તકલીફ દૂર કરે તો (જો નસીબ સારા હોય તો તે થાય) બીજી બે મોં ફાડીને ઊભી હોય છે. દેશ કમાણી ઘણી કરે છે પણ અરાજકતા અને ભ્રષ્ટાચારનો તોતિંગ અજગર બધું ગળી જાય છે. આ અજગર પણ પોતાનાં સંતાનોને વિદેશોમાં વસાવવાની નિયત અને ગણતરી સાથે મોટો ભ્રષ્ટાચાર કરે છે. તક મળે તો ભારતમાં કોઇને રહેવું નથી અને તેથી સમાજ અને વ્યવસ્થા બદલવામાં રસ નથી. વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની અપેક્ષાને બદલે વિદેશમાં વસવાની તમન્ના સાથે જ ભણવા જાય છે. એ પણ યાદ રાખવું પડશે કે વિદેશીઓ પણ કાયમ માટે આવકાર આપવાનાં નથી. ત્યાં પણ અનેક પ્રકારની ચણભણ ભારતીય વિદ્યાર્થીઓ વિરુદ્ધ શરૂ થઇ ગઇ છે અને 2024ના આંકડાઓમાં તે અસર સ્પષ્ટપણે જોઇ શકાય છે. દુનિયાની નવી ચાલ, નવા વલણની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી છે. આજની તારીખમાં અઢાર લાખ ભારતીય વિદ્યાર્થીઓ ગોરાઓના દેશમાં કોલેજનું અને ડોકટરેટનું શિક્ષણ લઇ રહ્યાં છે.

અમેરિકા દ્વારા સોફટવેર ક્ષેત્રમાં કામ કરવા માટે એચ-વનબી, વિઝા અપાય છે. તેમાંની લગભગ પોણા ભાગની કેક (સિત્તેર ટકા) ભારતીયોને મળે છે.  હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ વિઝા માટેની ફી વધારીને એક લાખ ડોલર ( આજની કિંમતે 89 લાખથી વધુ રૂપિયા) કરી નાખી છે. અર્થાત્ ભારતીયોને કે કંપનીઓને ખૂબ ખૂબ ગરજ હોય તો આટલી ફી ભરીને વિઝા ખરીદશે. અન્યથા અમેરિકાની આ એક ના સમજવી રહી. બ્રિટને પણ અભ્યાસ પૂરો કર્યા બાદ બે વરસ વિઝા લંબાવવાની સવલત આપી હતી તે હવે દોઢ વરસની કરી નાંખી છે.

 યુનિવર્સિટીની ફી ઉપર છ ટકા લેવી પણ દાખલ કરી છે. કેનેડાએ વિદેશોમાંથી આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા પર કાપ મૂક્યો છે. પશ્ચિમના સમૃધ્ધ દેશોના સંગઠન ‘ઓરગેનિઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ’ (આઈસીડી) એ જાહેર કરેલા આંકડાઓ મુજબ વિદેશોમાંથી લાંબા સમય માટે સ્થિર થવા ગોરા દેશોમાં પહોંચતાં લોકોની સંખ્યામાં 2024માં વીસ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અગાઉના વરસની સરખામણીમાં 2024માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારતની રિઝર્વ બેન્કના આંકડા મુજબ વિદેશોમાં વસતાં ભારતીયો સ્વદેશમાં જે રકમ મોકલે છે તેનો ભારતની જીડીપીમાં ત્રણ ટકાનો મહત્ત્વનો હિસ્સો રહે છે. વિદેશ વેપારમાં ભારત જે ખાધ ભોગવે છે તેની ચાલીસ ટકા જેટલી આપૂર્તિ આ વિદેશી ચલણની આવક વડે થાય છે. 2024 અગાઉ ખાડીના દેશોમાં વસેલાં, કામ કરતાં, ભારતીયો દ્વારા વધુ રકમ ભારતમાં મોકલવામાં આવતી હતી. હવે તે જગ્યા પશ્ચિમમાં વસેલાં ભારતીયોએ લીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એચ-વનબીની પ્રાપ્તિ દુષ્કર બનાવી દીધી. પરંતુ હમણાં ફોક્સ ટી.વી. પર એ બોલી ગયા કે અમેરિકામાં હાઈલી સ્કીલ્ડ સોફ્ટવેર એન્જીનીઅરોની અછત છે અને તેથી ભારતીય એન્જીનીઅરોની જરૂર રહેશે. ભારતીયો અમેરિકન નાગરિકોની રોજીરોટી ખાઈ જાય છે. તેથી તેઓના આગમન પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાનાં વચન સાથે ચૂંટણી જીતેલા ટ્રમ્પના આ કથનથી એમના પક્ષના જૂના સાથીદારો છંછેડાઈ પડ્યા છે. રિપબ્લિકન સાંસદ માર્જરી ટેઈલર ગ્રીનને પક્ષમાંથી રૂખસદ આપવી પડી છે. પણ ભારતીય કુશળ એન્જીનીઅરોની દુનિયાને કેટલી જરૂર છે તેનું આ તાજું ઉદાહરણ છે.

બીજું પરિણામ એ આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે અન્ય ગોરાઓના દેશો, ખાસ કરીને યુરોપના દેશો જેવા કે ફ્રાન્સ, જર્મની, રશિયા, ડેનમાર્ક વગેરે તરફ વળ્યાં છે. છેલ્લાં બે વરસમાં જર્મનીએ નીતિનિયમો હળવા કર્યા બાદ ત્યાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 68 ટકાનો વધારો થયો છે. રશિયા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા 59 ટકા વધી છે. ફ્રાન્સમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનું સરળ કરાયું  ત્યાર બાદ ત્યાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 ટકા જેટલો વધારો થયો છે.

આ સ્થિતિની વધુ એક અસર એ પડી છે કે વિદેશી કંપનીઓ હવે ભારતમાં જ કામકાજનાં વિશાળ કેમ્પસો અને કાર્યાલયો ખોલવા માંડી છે. ભારતમાં આવવાથી તેઓને પણ પરવડે છે અને કુશળ શિક્ષિતોને પણ ફાયદો થાય છે. અમુક નામી યુનિવર્સિટીઓએ પણ ભારતમાં કેમ્પસ ખોલવાનો પ્રારંભ કર્યો છે. દેશના અર્થતંત્ર માટે પણ આ વધુ લાભદાયક છે. જો ભારતમાં ભારતની આ બુદ્ધિમત્તા ટકી રહે તો આટલો ફાયદો થતો હોય તો અમુક અપવાદો બાદ કરીને તેઓ ભારતમાં કાયમ વસે તેવી તજવીજ થવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top