Columns

પવિત્ર શ્રી સમેતશિખરજી તીર્થમાં જૈનો અને વનવાસીઓ વચ્ચે નવો વિવાદ

જૈનોના પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી બાબતમાં છેક ૧૯૫૩થી સરકાર સાથે વિવાદ ચાલતો હતો. આ વિવાદનો કેસ અત્યારે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે સમેતશિખરજીમાં જૈનો અને સ્થાનિક સાંથલ વનવાસીઓ વચ્ચે નવો વિવાદ પણ કોર્ટમાં પહોંચ્યો છે. ઝારખંડના વનવાસીઓ સમેતશિખરજીને મારંગ બુરુ તરીકે ઓળખે છે અને તેની પૂજા કરે છે. આ વનવાસીઓ મારંગ બુરુ પહાડ પર શિકાર કરવો તેને પણ પોતાનો ધાર્મિક અધિકાર સમજે છે. હકીકતમાં દર વર્ષે એક વાર તેઓ પહાડ પર શિકારનો ઉત્સવ ઉજવે છે, જેને કારણે જૈનોની ધાર્મિક લાગણી દુભાય છે, કારણ કે તેઓ સમેતખિખરજી પહાડ પર કોઈ પણ પ્રાણીની હિંસા થાય તેવું ઇચ્છતાં નથી.

તાજેતરમાં શ્વેતાંબર જૈનોની જ્યોત નામની સંસ્થાએ સમેતશિખરજી પહાડની પવિત્રતાની રક્ષા માટે ઝારખંડ હાઈ કોર્ટમાં રિટ પિટીશન દાખલ કરી છે. તેના જવાબમાં માનનીય હાઈ કોર્ટે તાત્કાલિક સમેતશિખરજી પર તમામ જાતની હિંસા, શિકાર, શરાબ, માંસાહાર વગેરે રોકવાનો આદેશ કર્યો છે. આ વર્ષે પણ ૧૨મેના રોજ વનવાસીઓ દ્વારા પ્રતીકાત્મક રીતે તેમના શિકાર તહેવારની ઉજવણી કરવામાં આવી તેને ઝારખંડ સરકાર રોકી શકી નહોતી.

શ્રી સમેતશિખરજી પર કાનૂની દાવાઓ અને તેના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસોનો ઇતિહાસ લાંબો અને જટિલ છે. ઉદાહરણ તરીકે ૧૮૯૩માં કલકત્તા હાઈકોર્ટે ટેકરી પર ડુક્કરની ચરબીની ફેક્ટરી ચલાવવા અંગેના વિવાદની સુનાવણી કરી હતી. આ ફેક્ટરી એક અંગ્રેજ દ્વારા નાખવામાં આવી હતી, જેનાથી જૈનોની લાગણીઓ દુભાતાં તેઓ કોર્ટમાં ગયાં હતાં. જૈનોની તરફેણમાં આપેલા ચુકાદામાં કોર્ટે જિલ્લા ન્યાયાધીશના અગાઉના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જૈનોના મતે પારસનાથ ટેકરીનો દરેક પથ્થર પવિત્ર અને પૂજાનો વિષય છે. પહાડ પર ચોક્કસ સ્થળોને પવિત્ર તરીકે ચિહ્નિત કરી શકતું નથી, કારણ કે તીર્થંકરો ટેકરી પર ક્યાંય પણ નિર્વાણ પામ્યા હોઈ શકે છે. આ કારણે સમેતશિખર ઉપર ક્યાંય પ્રાણીઓની કતલ કરી શકાય નહીં, તેવા આદેશને પગલે ડુક્કરની ફેક્ટરી બંધ કરવાની ફરજ પડી હતી. ૧૯૫૩માં બિહાર સરકારે આ પહાડની માલિકી લઈ લીધી તેની સામે પણ કોર્ટમાં કેસો ચાલી રહ્યા છે.

ભૂતકાળમાં અદાલતો અને વહીવટી સંસ્થાઓએ પણ પારસનાથ પહાડ પર વનવાસીઓના કેટલાક અધિકારોને સમર્થન આપ્યું છે. દાખલા તરીકે વનવાસી સમુદાયની શિકાર પરંપરા ૧૯૧૧ના કેડસ્ટ્રલ સર્વેમાં નોંધાઈ હતી, જેમાં ચોક્કસ જમીનના ભાગો પર સમુદાયોના અધિકારો નક્કી કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે શ્વેતાંબર જૈન સમુદાય વતી કામ કરતા મહારાજ બહાદુર સિંહે પટના હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને માંગણી કરી હતી કે કેડસ્ટ્રલ સર્વેક્ષણમાં શિકાર વિશેની એન્ટ્રી કાઢી નાખવામાં આવે. ન્યાયાધીશે મૂળ વતનીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે તેમનો ટેકરી પર નિર્ધારિત અથવા પરંપરાગત અધિકાર છે.

જૈનોએ આ નિર્ણય સામે તે સમયે બ્રિટિશ સામ્રાજ્યની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. આ કેસ પ્રિવી કાઉન્સિલ સુધી ગયો હતો અને એવું ઠરાવવામાં આવ્યું કે સંથાલોને પારસનાથ ટેકરી પર શિકાર કરવાનો પરંપરાગત અધિકાર છે. ૧૯૮૪માં સરકારે પારસનાથ અને ટોપચાંચી વન્ય જીવન અભયારણ્યની રચના કરીને આ વનમાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ૨૦૧૯ માં ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક નવી સૂચના બહાર પાડીને અભયારણ્યોની આસપાસ ૨૦૮.૮૨ ચોરસ કિ.મી. જેટલી ૨૫ કિ.મી. પહોળી જંગલની પટ્ટીને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર તરીકે જાહેર કરી હતી.

૨૦૧૯ માં પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સરકારને આ વિસ્તારમાં ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને ટૂરિઝમ માસ્ટર પ્લાન વિકસાવવાની સૂચના આપી હતી. તે મુજબ ફેબ્રુઆરી ૨૦૨૨ માં ઝારખંડ સરકારે એક પ્રવાસન નીતિ શરૂ કરી, જેમાં તેણે જણાવ્યું હતું કે અન્ય સ્થળોની સાથે પારસનાથને પણ ધાર્મિક યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવશે. આ પગલાથી જૈન સમુદાયમાં વ્યાપક આક્રોશ ફેલાયો હતો, જેનો વિરોધ કરવા માટે જૈનો દેશભરમાં મોટી સંખ્યામાં બહાર આવ્યાં હતાં. જાન્યુઆરી ૨૦૨૩ માં જૈનોનાં વિરોધ પ્રદર્શનોના દબાણ હેઠળ પર્યાવરણ મંત્રાલયે એક ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું, જેમાં પારસનાથ પહાડ પરની પર્યટન સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી હતી.

આ મેમોરેન્ડમમાં બીજો એક નિર્દેશ હતો જે વનવાસીઓના મતે ટેકરી પરના તેમના અધિકારો પર અસર કરે છે. તેમાં રાજ્ય સરકારને પારસનાથ અભયારણ્યની વ્યવસ્થાપન યોજનાની એક કલમની જોગવાઈઓનો કડક અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જે સમગ્ર પારસનાથ ટેકરીનું રક્ષણ કરે છે. આ જોગવાઈઓમાં દારૂ, માદક દ્રવ્યોના વેચાણ અને સેવન ઉપર અને પ્રાણીઓની હિંસા પર સ્પષ્ટ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધો તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે અહિંસાના જૈન સિદ્ધાંતો સાથે સુસંગત છે, પણ તેનાથી વનવાસીઓ નારાજ થયાં હતાં. તેમને લાગ્યું હતું કે જૈનો તેમની સંપત્તિનો અને સત્તાનો ઉપયોગ કરીને પરંપરાગત અધિકારો પર તરાપ મારી રહ્યાં છે.

આ સંદર્ભમાં અમદાવાદ સ્થિત જૈન ટ્રસ્ટ જ્યોતે ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં નિર્દેશોનો અમલ કરવાની માંગણી કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કર્યા પછી હાઈકોર્ટે રાજ્ય સરકારને મેમોરેન્ડમમાં સૂચિબદ્ધ કલમોનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.  આ આદેશ બાદ ગિરિડીહના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે કોર્ટના આદેશોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે વિસ્તારમાં હોમગાર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. વનવાસી કાર્યકરોના એક જૂથે ૫ મેના રોજ હાઈકોર્ટમાં પ્રતિ-અરજી દાખલ કરી હતી. અરજીમાં મારંગ બુરુ પર આદિવાસીઓના દાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ટેકરી પર તેમની પરંપરાગત પ્રથાઓ અને ધાર્મિક વિધિઓ કરવાના તેમના અધિકારના રક્ષણની માંગણી કરવામાં આવી છે.

આ પ્રદેશમાં જૈનો કરતાં ઘણાં વધુ વનવાસીઓ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ મધુબન સ્થિત પીરતાંડ બ્લોકમાં કુલ વસ્તીના ૪૪% અનુસૂચિત જનજાતિઓ અને ૦.૬% જૈનો છે. ઇકો-સેન્સિટિવ ઝોનમાં આદિવાસી વસ્તી પણ મોટી છે. ગિરિડીહના જિલ્લા કલેક્ટર નમન પ્રિયેશ લાકરાએ જણાવ્યું હતું કે આ પ્રદેશમાં આવેલાં ૯૯ ગામોમાંથી ઘણાં વનવાસી છે. પારસનાથ પહાડ પર માંસ અને દારૂના સેવનનો પ્રશ્ન આ મુદ્દાઓમાં સૌથી વિવાદાસ્પદ છે. શ્રી સમેતશિખરજી પર પહોંચવાના માર્ગમાં પ્રવેશતાં જ મધુબન પંચાયત દ્વારા લગાવવામાં આવેલાં મોટાં હોર્ડિંગ્સ દ્વારા મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવે છે, જેમાં લખેલું છે કે જિલ્લા વહીવટીતંત્રના આદેશ મુજબ માંસાહારી ખોરાક અને દારૂનું સેવન સજાપાત્ર ગુનો છે. ગયા વર્ષે જુલાઈમાં પશુ હત્યાનો પ્રશ્ન સામે આવ્યો હતો.

તે મહિને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જેલમાંથી મુક્ત થયા પછી તરત જ તેમની પત્ની કલ્પના સોરેન સાથે મારંગ બુરુમાં માંઝી થાનની મુલાકાત લીધી હતી. બંનેએ ત્યાં પરંપરાગત સંથાલ વિધિઓ કરી, જેમાં બકરીઓને ભાત ખવડાવવાનો સમાવેશ થતો હતો. જ્યારે તેઓ સ્થળ પર હતાં, ત્યારે એક પૂજારીએ ધાર્મિક વિધિના ભાગ રૂપે એક બકરીનું બલિદાન પણ આપ્યું હતું. ત્યાર બાદ જીવંત બકરા સાથે સોરેન યુગલના ફોટા સોશ્યલ મિડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યા હતા અને માહિતી પણ આપવામાં આવી કે તે સ્થળે એક બકરીની બલિ આપવામાં આવી હતી. મધુબનમાં સ્થાનિક જૈન સમુદાય ગુસ્સે ભરાયો અને તેમણે આ મામલો સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ ઉઠાવ્યો હતો.

હકીકતમાં આ વિસ્તારનું અર્થતંત્ર સંપૂર્ણપણે જૈન યાત્રાળુઓ પર આધારિત છે. અહીંનાં વનવાસીઓને આજીવિકા સમેતશિખરજીની મુલાકાત લેતાં જૈન યાત્રાળુઓ પૂરી પાડે છે. મારંગ બુરુની ટોચ પર થતી પરંપરાગત પૂજા ૧૯૭૦ ના દાયકામાં કોઈક સમયે બંધ થઈ ગઈ હતી. લગભગ ૩૦ વર્ષ પછી કેટલાંક લોકોએ આ પૂજાને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય રાજકારણથી પ્રેરિત હતો, જેનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જનજાતિના મતો મેળવવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top