ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન ડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી એ સમાચારે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. કોઈને આશા ન હતી કે 31 વર્ષીય સ્ટોક્સ, જેને સર્વકાલીન શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણવામાં આવે છે, તે આટલું વહેલું કોઈ એક ફોર્મેટને અલવિદા કહી દેશે. કેટલાક ક્રિકેટરોએ તેને નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું. તો ઘણાએ તેના નિર્ણયની ટીકા કરી હતી. પરંતુ સ્ટોક્સે નિવૃત્તિ લેવા માટે જે કારણ આપ્યું હતું તેણે ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું. હાલમાં જ ભારતીય ટીમના માજી કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે હાર્દિક 2023ના વનડે વર્લ્ડ કપ પછી વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. સ્ટોક્સે વન ડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેતી વખતે કહ્યું હતું કે હાલમાં જેટલી આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ રહી છે તે સ્થિતિમાં તેના માટે ત્રણેય ફોર્મેટ રમવું મુશ્કેલ છે. તેથી જ તેણે વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો તરફથી નિવેદન આવ્યું હતું કે વન-ડે ક્રિકેટને ખતમ કરી દેવી જોઈએ અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ કેટલાક ફેરફારો લાવવા જોઈએ જેથી કરીને આ ફોર્મેટને પુનર્જીવિત કરી શકાય. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે ટી-20ના રોમાંચ અને ટેસ્ટ ક્રિકેટમાં (બેજબોલ ઈફેક્ટ) બદલાવની સામે વન-ડે ફિકુ પડી રહ્યું છે અને તેનો રોમાંચ ધીરે ધીરે ઘટી રહ્યો છે., પરંતુ સવાલ એ છે કે શું ખરેખર આવું છે? શું ખરેખર વન ડે ક્રિકેટ ખતમ થઇ જશે? વન ડે ક્રિકેટ વચ્ચે ચાલેલી આ ચર્ચા વચ્ચે કેટલાક માજી ક્રિકેટરોએ કરેલા નિવેદન જાણવા જરૂરી છે. તો પહેલા જાણી લઇએ કે કોણે શું કહ્યું.
આ વિવાદ ઊભો થવા પાછળનું કારણ શું છે?
વાસ્તવમાં બેન સ્ટોક્સે તાજેતરમાં જ વન ડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિની જાહેરાત કરતા સ્ટોક્સે કહ્યું હતું કે, હવે મારા માટે ત્રણેય ફોર્મેટ રમવું શક્ય નથી. ખાસ કરીને શેડ્યૂલ અને જે પ્રકારનું પ્રદર્શન અમારી પાસેથી અપેક્ષિત છે તે જોતાં તે ખૂબ જ થકવી નાખનારું છે. મારું શરીર મને નિરાશ કરી રહ્યું છે, મને એવું પણ લાગે છે કે હું બીજા ખેલાડીને બદલી રહ્યો છું. તેના નિવેદને વન ડે ક્રિકેટ પર સવાલો ઉભા કર્યા છે. સાથે જ ખેલાડીઓ ટી-20 વધુ રમવાનું પસંદ કરી રહ્યા છે. વ્યસ્ત કાર્યક્રમના કારણે ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી આરામ લેવા માંગે છે. આ સિવાય ખેલાડીઓ વિશ્વભરમાં ચાલી રહેલી T-20 લીગમાં પૈસા કમાવવા માટે પણ રમે છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં કોઈ સિનિયર ખેલાડી હાજર નથી. એ દરેક ટી-20 સીરિઝમાં વાપસી કરશે. વિશ્વભરની ટીમો સાથે પણ એવું જ છે.
સચિને વન ડેને બચાવવા 25-25 ઓવરની ચાર ઇનિંગમાં ફેરવવાનું સૂચન કર્યું હતું
સત્ય એ છે કે વ ડે ક્રિકેટ લગભગ બે દાયકાથી દબાણ હેઠળ છે. 2009માં, સચિન તેંદુલકરને સમજાયું કે વન-ડે ફોર્મેટ, જે વર્ષોથી ક્રિકેટની આવક અને ચાહકોના આધારમાં વધારો તરફ દોરી ગયું, તે તેનું મહત્વ ગુમાવી રહ્યું છે. ત્યારે સચિને દલીલ કરી હતી કે વન ડે પ્રેડિક્ટેબલ બની ગઈ છે. પાવર-પ્લેની પ્રથમ 10 ઓવરો અને છેલ્લી 10 ઓવરોમાં થતી ફટકાબાજીએ આ ફોર્મેટ ચાલુ રાખ્યું છે, પરંતુ ચાહકો કે ખેલાડીઓ વચ્ચેની ઓવરોમાં વધુ રસ દાખવતા નથી. તે એક રસપ્રદ દલીલ હતી, કારણ કે આ નિવેદન ક્રિકેટની દુનિયામાંથી જ આવ્યું છે, તે પણ એક એવા ક્રિકેટર તરફથી જેણે આ ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે અને વિશ્વભરમાં પોતાની મહાનતા સાબિત કરી છે. ત્યાર બાદ સચિને વન ડે ફોર્મેટને જીવંત રાખવા અથવા તેને જીવંત રાખવાનું સૂચન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે બંને ટીમો માટે 50 ઓવરની ગેમને 25 ઓવરની ચાર ઇનિંગ્સમાં વહેંચવી જોઈએ. આ સાથે તેણે ફિલ્ડ સેટિંગ, બોલ ચેન્જ અંગે પણ ઘણા સૂચનો આપ્યા હતા. ટોની ગ્રેગે પણ 2012માં સચિન તેંડુલકરની જેમ વનડેને ચાર ઇનિંગ્સમાં વહેંચવાની હિમાયત કરી હતી. ગ્રેગે કહ્યું હતું કે વન ડે ફોર્મેટ લુપ્ત થઈ રહ્યું છે. 2011નો વર્લ્ડકપ ભારતમાં રમાયો હતો અને તે ચોક્કસપણે ક્રિકેટની સૌથી સફળ ટુર્નામેન્ટોમાંની એક હતી, પરંતુ તેમ છતાં, ટોનીએ વિચાર્યું ન હતું કે આ ફોર્મેટ લાંબા સમય સુધી ટકી રહેશે. જો કે, આ મામલામાં ટોની ગ્રેગ ખોટા સાબિત થયા કારણ કે 2011 પછી 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં રમાયેલ વન ડે વર્લ્ડકપ પણ સફળતાના શિખરોને સ્પર્શી ગયો હતો. આ પછી 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલો વન ડે વર્લ્ડકપ પણ સુપરહિટ રહ્યો હતો. 2019ના વર્લ્ડકપની ફાઈનલને કોણ ભૂલી શકે. આમ છતાં પણ, આ ફોર્મેટ પર દબાણ વધતું રહ્યું, પરંતુ કોઈએ કોઈ ઉકેલ વિશે વિચાર્યું નહીં. તેમજ ICC આ ફોર્મેટમાં કોઈ ફેરફાર સાથે બહાર આવ્યું નથી.
વસીમ અકરમ (માજી પાકિસ્તાની કેપ્ટન)
વસીમ અકરમે કહ્યું હતું કે હવે આ ફોર્મેટ ભારણરૂપ જેવું લાગે છે. ખેલાડીઓ માટે 50 ઓવરની મેચ રમવી ખૂબ જ થકવી નાખનારી હોય છે. કોમેન્ટેટર તરીકે પણ મને આ ફોર્મેટ મજાનું નથી લાગતું. એવું લાગે છે કે તેને હવે બળજબરીથી ખેંચવામાં આવી રહ્યું છે. T-20 ક્રિકેટ આના કરતા ઘણું સારું છે. વન-ડે ક્રિકેટ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે.
ઉસ્માન ખ્વાજા (ઓસ્ટ્રેલિયન ઓપનર)
ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ પણ વ ડેને ખતમ કરવાની માગ કરી હતી. તેણે કહ્યું હતું કે આ ફોર્મેટ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે. વર્લ્ડ કપ હવે થવાનો છે, જે રસપ્રદ બની રહેશે, પરંતુ મને વનડે રમવું બહુ ગમતું નથી. કેટલીકવાર ટી-20 વર્લ્ડ કપની સરખામણીમાં મને વન ડે વર્લ્ડ કપ કંઈ ખાસ નથી લાગતો. હાલમાં, તમે ત્રણેય ફોર્મેટ એકસાથે રમી શકતા નથી. તમારે એક ફોર્મેટ છોડવું જ પડશે.
ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકન વિકેટ-કીપર બેટ્સમેન)
દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે હાલમાં જ કહ્યું છે કે ખેલાડીઓ માટે ત્રણ ફોર્મેટમાં રમવું મુશ્કેલ બની રહ્યું છે. ક્રિકેટ કેલેન્ડરમાં ઘણી બધી મેચો થઈ રહી છે. ખેલાડીઓએ વ્યક્તિગત રીતે નિર્ણય લેવાની જરૂર છે અને તેઓએ વિચારવું પડશે કે શું તેઓ ખરેખર ત્રણેય ફોર્મેટ રમી શકશે કે કેમ. હું જ્યાં છું ત્યાં ખુશ છું.
સલમાન બટ (માજી પાકિસ્તાની કેપ્ટન)
પાકિસ્તાનના માજી કેપ્ટન સલમાન બટે તાજેતરમા વન ડે ફોર્મેટનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું હતું કે વનડે ક્રિકેટના સ્તંભોમાંથી એક છે. હું ક્યારેય ઇચ્છતો નથી કે તેનો અંત આવે. આ ફોર્મેટમાં ઘણા ખેલાડીઓના નામે મોટા રેકોર્ડ છે. એક સમય હતો જ્યારે વર્લ્ડ ચેમ્પિયનની ઓળખ માત્ર વન-ડે મેચોથી જ થતી હતી. વન-ડે ક્રિકેટ એ સૌથી લાંબા ફોર્મેટ અને સૌથી ટૂંકા ફોર્મેટનું મિશ્રણ છે. જેમાં કૌશલ્યની ખરી કસોટી થાય છે. એટલા માટે હું માનું છું કે વનડે ફોર્મેટ જ રહેવું જોઈએ. હું અન્ય તમામ મંતવ્યોનો આદર કરું છું. વસીમ અકરમ પર કટાક્ષ કરતાં બટે કહ્યું હતું કે હું તેના અભિપ્રાયનું સન્માન કરું છું, પરંતુ તેની પાસે વનડેમાં પણ 500થી વધુ વિકેટ છે. વર્લ્ડ કપમાં તેણે ફેંકેલા શાનદાર બોલ બધાને યાદ છે.