સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ વખતની ભારતયાત્રા અનેક અર્થમાં ખરેખર ઐતિહાસિક છે. પુતિનની આ યાત્રા અમેરિકા દ્વારા અનેક દેશો સામે સીમા શુલ્કના ઝીંકાયેલા શસ્ત્ર અને રશિયા સાથે મિત્રતા રાખશો તો જોવા જેવી થશેની બાંય ચડાવી અપાયેલી ધમકી વચ્ચે આવી છે. અને પુતિને અવારનવાર કહ્યું છે, જે તેમણે અહીં ફરી કહ્યું કે આ વખતનું ભારત ૭૭ વર્ષ પહેલાંના ભારત જેવું ન સમજશો. આ વાત આત્મસમર્પણ કરનાર માઓવાદી એમ. વેણુગોપાલરાવે પણ જુદી રીતે કહી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે અમે રાજ્ય (સ્ટેટ)ની શક્તિ ઓછી આંકી. એટલે વિફળ રહ્યા. પુતિન અને રાવની સાથે અમેરિકા સહિતના વિદેશી મીડિયાએ પણ અમેરિકાની ધમકી સામે બાવડા ફૂલાવી ‘જાવ, થાય તે કરી લો’ની સંવાદપટ્ટાબાજી વગર જ પુતિનની ભવ્ય આવભગતને વખાણતા કહ્યું કે હવે ભારત કોઈના દબાણમાં આવે તેમ નથી.
ટ્રમ્પની ધમકીને તાબે ન થઈ “અમે દેશહિતમાં ઝૂકતા નથી” તેવું અગાઉ બોલેલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાળી બતાવ્યું છે. તો બીજી તરફ, અમેરિકાની દાદાગીરીથી એકલા અટૂલા પડી ગયેલ રશિયાનેય આ પ્રકારના ઉષ્માસભર સ્વાગતની તીવ્ર ઝંખના હતી. વડા પ્રધાન મોદીએ પુતિનના સ્વાગતમાં લાલ જાજમ તો બિછાવડાવી જ પણ સાથે પ્રૉટૉકોલને નેવે મૂકી પોતે સ્વાગત કરવા વિમાન મથક દોડી ગયા અને એક જ કારમાં ત્યાંથી રવાના થયા.
અગાઉ, ચીનમાં શાંઘાઈ સહકાર સંસ્થા (SCO) વખતે મોદીને પુતિને પોતાની કારમાં બેસાડ્યા હતા અને ૪૫ મિનિટ, જેને ખરેખર સામસામે મંત્રણા કહેવાય, તે કોઈ દુભાષિયા વગર કરી હતી. આવું રાજદ્વારી ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતું હોય છે. ભારતમાં વડા પ્રધાન મોદીએ પુતિનને પોતાની કારમાં બેસાડી, પુતિને કરેલી પહલનો ઉષ્માસભર ઉત્તર આપી મિત્રતા મજબૂત કરી છે.
પરંતુ આ મિત્રતા માત્ર વિશ્વને (અમેરિકા વાંચો) દેખાડી દેવા પૂરતી સીમિત નથી. વિશ્વમાં એકલા અટૂલા પડી ગયેલા રશિયાનો હાથ ઝાલી રાખી તેની ગરજનો લાભ ભારતને ન મળે તો આ હાથ ઝાલી રાખવાનો કોઈ અર્થ નથી કારણકે દેશ-દેશના સંબંધમાં મિત્રતા-શત્રુતા આવી લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. સહકાર બંને બાજુએથી હોય તો જ એ દેશને લાભનો સોદો છે. કેવળ વ્યક્તિગત ઇમેજ બિલ્ડિંગ કે ઇમેજને પૂશ કરવાથી દેશને કોઈ લાભ નથી થતો હોતો.
અને રશિયાની ગરજનો ભારતે ફાયદો ઉઠાવ્યો જ છે. ભારત અને રશિયાની આ મંત્રણા માત્ર ‘ખાધું, પીધું, એકબીજાની પીઠ થાબડી ને છૂટા પડ્યા’ જેવી સીમિત નથી. આ મંત્રણામાં સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા એમ અનેક ક્ષેત્રે સમજૂતીઓ થઈ છે. ક્રિટિકલ મિનરલ, પરમાણુ ઊર્જા, જહાજ નિર્માણ ક્ષેત્રે પણ રશિયા ભારતને સહયોગ કરશે. ભારતીય કંપનીઓએ રશિયાની URLCHEM સાથે રશિયામાં એક યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય પણ કર્યી. બંને દેશોએ આર્થિક સહયોગ આગળ વધારવા વિઝન ૨૦૩૦ પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો સહ ઉત્પાદન અને સહ નવાચાર બાબતે આગળ વધશે.
રશિયાની શિક્ષણ સંસ્થાનું કાર્યાલય એ સિનર્જી કૉર્પોરેશન અને ઇન્નોપ્રાક્ટિકાનો સંયુક્ત પ્રૉજેક્ટ છે. તેનાથી ભારતના વિદ્યાર્થીઓને રશિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં લાભ થશે. અમેરિકા ભારતીયો માટેનાં દ્વાર ધીમેધીમે બંધ કરી રહ્યું છે ત્યારે વિદેશ ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે. રશિયા ભારતની સૈન્ય શક્તિ મજબૂત કરવા શસ્ત્રો પણ પૂરા પાડતું રહેશે. એટલે કે રશિયા ભારતનો મુખ્ય આધાર તરીકે ચાલુ રહેશે.
રશિયાએ કહ્યું છે કે તે ભારતમાંથી આયાત વધારવા તૈયાર છે. અમેરિકાના સીમા શુલ્કના નિર્ણયના શસ્ત્રથી ભારતની નિકાસના ફટકો પડ્યો હતો. એટલે તેનું સંતુલન કરવા આ તોડ ભારતને તો કામે લાગશે જ, પણ એકલા અટૂલા પડી ગયેલા રશિયાને યુક્રેઇન યુદ્ધથી આર્થિક રીતે ફટકો પડ્યો છે. તેથી તેને પણ ભારતની એટલી જ આવશ્યકતા છે. સામા પક્ષે, રશિયા માટે ભારતે પણ કેટલાંક દ્વાર ખોલી દીધાં. રશિયાના પર્યટકૉ માટે ત્રીસ દિવસના વિઝા આપવા ભારતે જાહેરાત કરી છે. ભારત રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું પણ ચાલુ રાખશે. નવા રૂટ પણ શોધવામાં આવી રહ્યા છે.
હવે બેલારુસથી સામાન સીધો હિન્દ મહાસાગર થઈ ભારત પહોંચશે. ભારતમાં રુસ ટૂડે ચેનલ શરૂ કરાશે. પુતિને જે બીજી વાત કરી તે અમેરિકાના પેટમાં તેલ રેડનારી છે. તેમણે કહ્યું કે બંને દેશો ધીરેધીરે પોતપોતાની મુદ્રા (કરન્સી)માં વેપાર તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ૯૬ ટકા લેવડદેવડ આ રીતે જ થાય છે. આનો અર્થ એ થયો કે બંને દેશો મળીને અમેરિકી મુદ્રા ડૉલરને હાંસિયામાં ધકેલી રહ્યા છે. અમેરિકાની દાદાગીરી જે જોર પર છે તેમાંથી એક આ ડૉલર પણ છે.
દરેક દેશના વડા સાથેની મંત્રણામાં અચૂક ઉઠાવાતો (પાકિસ્તાન પ્રેરિત) ત્રાસવાદનો મુદ્દો ભારતે રશિયા પ્રમુખની ભારતયાત્રામાં પણ ઉઠાવ્યો. વડા પ્રધાન મોદીએ પહલગામ આતંકવાદી આક્રમણની સાથે રશિયામાં ૨૨ માર્ચ ૨૦૨૪ના દિને ક્રૉકસ સભા ગૃહમાં એક સંગીત કાર્યક્રમમાં થયેલા આતંકવાદી આક્રમણને જોડી ભારતના એ દૃષ્ટિકોણનો પુનઃ ઉચ્ચાર કર્યો કે સારા ત્રાસવાદ અને ખરાબ ત્રાસવાદ જેવું કંઈ નથી હોતું, ત્રાસવાદ ત્રાસવાદ જ હોય છે. પુતિને પણ ત્રાસવાદ સામેની લડાઈમાં રશિયા ભારત સાથે છે તેમ કહ્યું છે. આમ, પુતિનની આ યાત્રાથી એક પંથ અનેક કાજ જેવો ઘાટ ભારત માટે સર્જાયો છે.
– જયવંત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.