Columns

જગતમાં એક નવી નસ્લના શાસકો આવ્યા છે

અતીતમાં જીવનારાઓ સામે વર્તમાનમાં લડાઈ શરુ થઈ છે, પોતાનું ભવિષ્ય બનાવવા માટે અથવા પોતાનાં વર્તમાન ટકાવી રાખવા માટે અને એ પણ વૈશ્વિક સ્તરે! બિચારાઓએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ આવું પણ બનશે. કેવી લ્હેર હતી; અકબર, ઔરંગઝેબ, શિવાજી, ટીપુ, ગાંધી અને નેહરુના યુગમાં. કોઈને વિલન ચીતરો તો કોઈને હીરો. આગળનું કામ કઢીચટ્ટાઓ સંભાળી લે. વચ્ચે વચ્ચે મુસલમાનોને હેરાન કરો, તેમના અધિકારો છીનવી લો. ચૂંટણી ઢુકડી હોય ત્યારે કોમીટેન્શન પેદા કરો. વિરોધી અવાજોને દબાવો અને સ્વતંત્ર અવાજોની રખેવાળી કરવાનું જેનું કામ છે એ લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરો. શાસનની ફોર્મ્યુલા અકસીર હતી. પણ જ્યારે અભિનેતાઓ અનેક હોય અને કથાની અંદર ઉપકથાઓ પણ પુષ્કળ હોય ત્યારે બધું પટકથામાં પ્લોટ રચ્યો હોય એમ ચાલતું નથી.
જગતમાં એક નવી નસ્લના શાસકો આવ્યા છે, જે માન-મર્યાદામાં માનતા નથી. એવા શાસકો જે બિનધાસ્ત જુઠું બોલે છે. જે સંકોચ વિના ગમે તે દાવાઓ કરે છે. એવા લોકો જેમને નૈતિકતા અને ગરીબોનો પક્ષ લેનારાઓ પસંદ નથી. તેમના માટે અણગમો છે. એવા શાસકો જે કાયદાના રાજને નિર્બળતા તરીકે ખપાવે છે અને બુલડોઝર રાજને કૃતનિશ્ચયી રાજ તરીકે ખપાવે છે. એવા લોકો જેમને વચનભંગ કરવામાં કે અંચઈ કરવામાં શરમ નથી આવતી. એવા શાસકો જેઓ તેમણે લીધેલા ખોટા નિર્ણયોનો ભોગ બનેલા લોકોની યાતના જોઇને દુઃખ અનુભવતા નથી. મોઢું સીવી લે, મોઢું ફેરવી લે અને આંખ બંધ કરી દે. પશ્ચાતાપ કે અફસોસ કશું જ નહીં. આ જગતને મળેલા નવી નસ્લના શાસકોનાં આ કેટલાંક સ્વભાવલક્ષણો છે. જગતનો નકશો લઈને બેસી જાવ, જ્યાં જ્યાં નવી નસ્લના શાસકો આવ્યા છે ત્યાં આ પેટર્ન જોવા મળશે. એક ફરક છે અને એ ફરક પાયાનો છે. આ નવી નસ્લના શાસકો બે પ્રકારના છે. એક એ જે વર્તમાનમાં જીવે છે અને પ્રજાને કહે છે કે કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરો અને આ સ્વાર્થી સંસારમાં પોતાની જગ્યા બનાવવા માટે અને જે છે એ જગ્યા ટકાવી રાખવા માટે કૃતનિશ્ચયી બનો. માન-મર્યાદા, વૈશ્વિક ધારાધોરણ, વચનબદ્ધતા ગઈ ભાડમાં. આપણો સ્વાર્થ જુઓ અને સ્વાર્થની પૂરતી વર્તમાનમાં જ થઈ શકે. ચીન, રશિયા, ઈરાન, ઇઝરાયેલ જેવા કેટલાક દેશોના શાસકો આ પ્રકારના છે જે પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્ય બનાવવા માટે સ્વાર્થી અને નાગા થયા છે. આમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પના આવવા પછી અમેરિકા ઉમેરાયું છે અને નવો વટલાયેલો મુલ્લો જેમ બમણા જોરથી બાંગ પોકારે એમ સ્વાર્થની બાંગ પોકારી છે. તુમ નંગા તો હમ તુમસે ભી જ્યાદા નંગા. ડોનાલ્ડ ટ્રમ્પ ઈતિહાસનું શરણ લેતા નથી.
ડેમોક્રેટિક પક્ષના શાસકોને અમેરિકાની બેહાલી (જો હોય તો) માટે જવાબદાર ઠેરવતા નથી. જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, અબ્રાહમ લિન્કન કે જ્હોન એફ. કેનેડીને વિલન કે હોરો ચીતરતા નથી. શી ઝિંગપીંગે ચીની સામ્યવાદી પક્ષના દુશ્મન ચિયાંગ કાઈ-શેકનું કે સુન યાત-સેનનું નામ પણ લીધું હોય એવો પ્રસંગ જોવા નહીં મળે. જરૂર શું છે, જ્યારે વર્તમાનમાં બાવડામાં બળ હોય. કોઈ પણ માર્ગે, પોતાની તાકાત વાપરીને અને વધારીને હીરો બનો, કોઈને વિલન ચીતરીને કે ઈતિહાસને નામે પ્રજાને દુશ્મન પકડાવીને ખોટી તાકાતનો અહેસાસ કરાવવાની કે કરવાની જરૂર નથી.
નવી નસ્લના શાસકોનો બીજો વર્ગ એવો છે જે વર્તમાનથી ભાગે છે અને અતીતમાં જીવે છે અને પ્રજાને જીવાડે છે. તેઓ અતીતમાં ખાસ પ્રજાનું ઐશ્વર્ય શોધે છે. તેઓ અતીતમાં ખાસ પ્રજા સાથે ચોક્કસ પ્રજાએ કરેલા કહેવાતા ‘કુકર્મો’ની યાદ અપાવીને ખાસ પ્રજાને પીડાનો અનુભવ કરાવે છે અને વેર વાળવા ઉશ્કેરે છે. તેઓ અતીતમાં ભલે ખાસ પ્રજાના, પણ ચોક્કસ વિચારધારાના લોકોએ લીધેલા ખોટા નિર્ણયો દ્વારા અને બતાવેલી ‘નિર્બળતા’ દ્વારા ખાસ પ્રજાનો વર્તમાન બગાડવા માટે તેમને જવાબદાર ઠેરવે છે. તેમની દિવસરાત નિંદા કરે છે અને કરાવે છે. તેઓ અતીતમાંની ખાસ પ્રજાની કહેવાતી મહાનતાનો હવાલો આપીને બારોબાર પોતાને વર્તમાનમાં પોતાને મહાન જાહેર કરીને ભવિષ્યમાં આભાસી જગ્યા બનાવવી. વર્તમાન સાથે સીધુ કામ પાડવાની જરૂર જ શું છે! તુર્કી અને એવા બીજા કેટલાક મુસ્લિમ દેશો આવા બીજા પ્રકારના શાસકો ધરાવે છે. તેઓ વર્તમાનથી દૂર ભાગે છે.
અહીં એક સવાલ પેદા થવો જોઈએ. શા માટે નવી નસ્લના શાસકોમાંથી કેટલાક દેશોના શાસકો વર્તમાનની કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સ્વાર્થની લડાઈ લડતા થયા છે અને શા માટે નવી નસ્લના શાસકોમાંથી કેટલાક દેશોના શાસકો વર્તમાનથી દૂર ભાગે છે અને પ્રજાને દૂર ભગાડે છે? શાસકોના સ્વભાવલક્ષણો એક સરખાં છે, પણ માર્ગ અલગ અલગ છે. શા માટે?
આ પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટ છે. તાકાત. તાકાત ત્રણ પ્રકારની હોય છે. એક સાત્વિક તાકાત જે સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વૉન્ગે બતાવી છે. તેમણે શબ્દ ચોર્યા વિના ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે. તેમણે સિંગાપોરની પ્રજાને જગત પર અને સિંગાપોર જેવા બચૂકલા દેશો પર ઝળુંબી રહેલી યાતના માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. જ્યારે શક્તિશાળી લોકો સ્વાર્થી અને આતતાયી બને ત્યારે નિર્બળે પોતાની તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે વૉન્ગના કથન વિષે પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે તેઓ ચૂપ થઈ ગયા હતા. જગતના નકશામાં દૂરબીનથી ગોતવો પડે એ દેશનો નેતા ખોંખારો ખાઈને બોલી શકે છે.
બીજા પ્રકારની તાકાત છે; આર્થિક અને લશ્કરી તાકાત. રોકડા રૂપિયા જેવી નક્કર તાકાત. જેમનામાં આવી તાકાત છે એ દેશો પોતાનાં વર્તમાનને ટકાવી રાખવા માટે અને ભવિષ્યને હજુ સુધારવા માટે યુદ્ધે ચડ્યા છે. અહીં આપણે સાચા-ખોટાની વાત કરતા જ નથી. નૈતિકતાનો કોઈ માપદંડ લાગુ કરતા નથી. બળિયાના બે ભાગવાળી તાકાત. આ તાકાતને આપને રાજસિક તાકાત કહી શકીએ. અને ત્રીજા પ્રકારની તાકાત છે તામસિક તાકાત. નબળા પર શૂરા થઈને સબળાને તાકાતનું વિકૃત સુખ આપનારી તાકાત. લઘુમતી કોમને દબાવો. તેમના અધિકારો છીનવી લો. ટીકા કરનારાઓને સતાવો જેલમાં પૂરો વગેરે વગેરે. ખોટા ઈતિહાસની, માફી માગનારાઓ પર વીરતાના વરખ ચડાવવાની અને સાચા હીરોને નાના ચિતરવાની આ લોકોને જરૂર પડે. હકીકતમાં આ તાકાત નથી, પણ લઘુતાગ્રંથી છે.
હવે પરિણામ જુઓ: બળિયાઓ તો લડી લેશે. પરિણામ જે આવે તે. સાત્વિક તાકાત ધરાવનારાઓને ભલે બળિયાઓ સાંભળે નહીં, પણ તેમનો અનદાર કરવો શક્ય નથી. આભાસી અને તામસિક તાકાત ધરાવનારાઓ નથી બોલી શકતા કે નથી કોઈ શરત રાખી શકતા. પણ સવાલ એ છે કે આવું તેઓ શા માટે કરે છે? શું તેઓ સાચી તાકાત નથી ઓળખતા? નૈતિકતા એ નિર્બળતા છે એમ તેઓ માને છે એટલે ભલે સાત્વિક તાકાતની તેઓ ઉપાસના ન કરે, પણ નક્કર રાજસિક તાકાત પ્રાપ્ત કરવા માટે તેઓ શા માટે પ્રયત્ન નથી કરતા? એ તો ખણખણતા રોકડા રુપિયા જેવી છે. એ તેમને વહાલી નથી? આની ચર્ચા હવે પછી.

Most Popular

To Top