વડોદરા : વડોદરાના જેતલપુર બ્રિજ નીચે ગંદકીનું સામ્રાજ્ય ન થાય અને દબાણો ઉભા ન કરાય તે હેતુથી વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નવતર અભિગમ શહેરના અન્ય બ્રિજ માટે પણ દિશા સૂચન કરી રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ ફ્લાય ઓવર બનાવવામાં આવે તો બ્રિજની નીચે ક્યાં તો દબાણો ઉભા થઇ જાય છે અથવા તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ક્યારેક કેટલાક કિસ્સાઓમાં નીચે આડેધડ પાર્કિંગ બની જાય છે ત્યારે જેતલપુર બ્રિજ નીચે આ તમામ ન થાય તે માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.
જેતલપુર બ્રિજ નીચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે. વૃક્ષારોપણના કારણે વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને ગંદકી થતી અટકે છે. વડોદરા શહેરમાં અનેક એવા બ્રિજ છે જેની નીચે પારાવાર ગંદકી જોવા મળે છે. અને અનેક બ્રિજની નીચે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે અન્ય બ્રિજ કે જ્યાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં પણ વૃક્ષારોપણ કરવામાં આવે તો બ્રીજનું બ્યુટીફીકેશન પણ થશે અને દબાણો કે ગંદકી થતી અટકશે. જેતલપુર બ્રિજ નીચેનું મોડલ અન્ય બ્રિજ ઉપર પણ અપનાવવામાં આવે તો શહેરની સુંદરતામાં ચોક્કસ વધારો થશે.