કથામાં કોને રસ ન હોય? બધાંને કથામાં રસ પડવાનો જ. મોટા થયે નવલકથા વાંચે કે કોઇ આપણે જેને કથા કહીએ છીએ તે સાંભળે. બાળપણમાં તો એ વારતા રૂપે જ આવે. એક આખો જમાનો હતો કે જે એ વારતા સાંભળીને તેમાંથી કશોક બોધ લઇને મોટો થયો. હું પણ એ જમાનાનો. વેકેશનમાં દાદા પાસે ગામડે જઇએ ત્યારે દાદાના અને દાદીના પગ દાબતાં દાબતાં ફળિયામાં ઢાળેલા ખાટલાની પાંગતે બેસી તેમની પાસેથી વારતાઓ સાંભળવાની – મોટેભાગે રામાયણ મહાભારતની. મોસાળ જઇએ ત્યારે નાનાાજીના પગ દાબતાં દાબતાં વારતાઓ સાંભળવાની. સિત્તેર વરસે પણ એમની પીંડીઓ એવી મજબુત કઠણ હતી કે દાબી દબાય પણ નહીં. ‘હવે બસ’ એમ પણ ન કહે તેથી થાકીને અમારે જ નાનાજીને પૂછવું પડે ‘હવે બસને બાપુજી’. ત્યારે તેમને અમારા થાકની ખબર પડે અને કહે ‘હા હો દિકરાંવ હવે હાંવ.’ પણ પગ દાબવા એટલે ગમતાં કે બાપુજી જાતજાતની વારતા કિસ્સાઓ પ્રસંગો કહેતાં. પિતાજી પાસેથી પણ ખૂબ વારતા સાંભળી.
આ બધી વારતાઓ કંઠ પરંપરાની કંઠોકંઠ કહેવાતી સંભળાતી કહેવાતી જાય. લિખિત સ્વરૂપમાં ઝાઝી ન મળે. અને મળે તો પણ કહેણીની જે મજા છે તે કયાંથી કાઢવી. એ મજા તો કહેનાર પાસેથી જ મળે. લોકકથાઓની મજા પણ તેની કહેણીમાં. એક ને એક કથા એ જ કલાકાર કે કથક પાસેથી સાંભળો તો દરેક વખતે કશુંક જુદું જુદું નીપજી આવેલું દેખાય. અને કોઇ કોઇ કથા તો એક રાત નહીં રાતોની રાતો ચાલે. શહેરમાં જ રહેલો એટલે એવી કથા સાંભળવાનું સૌભાગ્ય નથી મળ્યું પણ પિતાજી પાસે અનેક વારતાઓ સાંભળી. હાસ્ય, કૌતુક, બોધ બધું રસાઇને આવે. પિતાજી પાસેથી સાંભળેલી એક બે વારતા કહું?
ગામના ગોંદરે ચાર્તુમાસ માટે એક સાધુએ રાવટી તાણી. ગામ લોકે તેમનો મહિમા બહુ સાંભળેલો. અલખના ધૂણે તપ કર્યા કરે. ગામલોક ધીમે ધીમે આવતુ થયું. ગામલોક કથે સાધુ મારા જ આંયાં જ રઇ જાવ તમને વંડો વાળી દઇ મંદિર સણી દઇ. માંરા જ કયે ‘સાધુ તો ચલતા ભલા’. સાધુ તો એક લોટી લંગોટી અને રામરોટીના જ હકદાર.’ આવો બાવો ગામ લોકે પે’લો ભાઇળો. કોઇ જો કેળા ચીકુ ધરી જાય તો ઇને અડે ય નંઇ છોકરાંવને ખવરાવી દયે.
પછી તો મા’તમાની વાત આખા પંથકમાં ફેલાણી. સવાર હાંજ મા’ણા માથુ ટેકવવા આવવા મંઇડા. પણ લોકને નવાઇ તો ઇ હતી કે આ મા’તમા નથી કાંઇ કથા કેતાં, નથી કાંઇ સતસંગ કરતા બસ જે કોઇ પગે લાગે તેને એક જ વાકય બોલે ‘માણસ બનો’, ‘માણસ બનો’. સંધાયને નવાઇ તો લાગતી કે આપણે માણા તો છીએ તોય મા’રાજ બધાને ‘માણસ બનો’ આર્શિવાદ કેમ આપતા હઇશે? કોઇની હિંમતનો હાલે મા’રાજને પૂછવાની. એક દિ એક અદકપાંહળાએ તો પૂસી જ લીધું કે મા’રાજ બધાય માંણા તો સે જ. તો ય તમે બધાને ‘માંણા બનો માંણા બનો’ એવા આર્શિવાદ કેમ આપો સો. મા’રાજ કયે ‘ગોકળુ આઠમનો મેળો આવસે ને તંયે જવાબ દઇશ હાંવ!’
આઠમના ગામના પાદરમાં મેળો ભરાયો’તો ભરચક. જયાં નજર જાય ત્યાં બગણ માણા જ માણા હૈયે હૈયુ દબાય એવી ગીરદી. જાત જાતના ચગડોળ ફજેતફાળકા ખાણીપીણી ને રમકડાંના સ્ટોલ. મા’રાજ તો ઓલાને લઇ ગ્યા પાંહેની ટેકરી ઉપર જયાંથી આખો મેળો દેખાય. મા’રાજે ઓલાને એક દૂરબીન આઇપું ને કયે કે ‘આમાંથી હવે જો.’ ઓલાએ તો દૂરબીનમાંથી જોયું તો આભો બની ગ્યો મગજ ચકરાઇ ગ્યું.
‘હુ આ સું ભાળું સું?’ ચકડોળના એક પારણામાં બિલાડી ઉંદરને ગળે વળગીને બેઠી’તી, બીજામાં બકરીને વાઘ બેઠો’તો, ત્રીજામાં ગાય હારે શિયાળ અડપલાં કરતું’તું. મેળામાં ય જયાં જુઓ ત્યાં પાડો સેઢાડી, ગધેડા અને સિંહણ. વાંદરો અને અજગરના કજોડાં જ કજોડાં, આખા મેળામાં સમ ખાવા બે ચાર માણા હતાં બાકી તો લાગે કે પશુમેળામાં આવી ગ્યા છંય. દૂરબીન ખસેડીને જુવે તો પાછું ઇમનું ઇમ – બધા મા’ણા જ માંણાં. મા’રાજ કયે ગગા હવે સમજાણું ને કે ‘મનખા દેહે જનમ તો મળે પણ માણા થાવું પડે એટલે હું કે’તો તો કે ‘માણસ બનો.’
બીજી એક વારતામાં આવો જ એક અઘરો બાવો. જે કોઇ પગે લાગે એને ‘ઘણું જીવો’ સુખી ર’યો’ એવા આર્શિવાદ દેવાને બદલે મરવાના શાપ જ દયે.
‘તારો દાદો મરે, તારો બાપ મરે, તું મરે! વળી કોઇ હિંમતવાળાએ મા’રાજને પૂછયું ‘બાપજી આમ મરવાના શાપ કાં દયો?’ મા’રાજ કયે જરા વિચાર કર્ય. તારો બાપ બેઠો હોય ને તું મરી જાય તો? તારો દાદો બેઠો હોય ને તારો બાપ કે તું મરી જાય તો? તો ઇમનું જીવતર ખારું થઇ જાય. ઉંમર પ્રમાણે મરે તો જીવતે જીવત નાનાંવનું મોત ન જોવું પડે. હંમજયો?’ ઓલો માણા તો બાપજીને પગે પડી ગ્યો.