World

બેંકના નવા નોટ લઈ જતું સૈન્ય વિમાન વ્યસ્ત રોડ પર તૂટી પડ્યું, 15નાં મોતથી બોલિવિયામાં હાહાકાર

દક્ષિણ અમેરિકાના દેશ Bolivia માં શુક્રવારે સાંજે ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો. બોલિવિયન એર ફોર્સનું હર્ક્યુલિસ વિમાન, જે દેશની સેન્ટ્રલ બેંક માટે નવા છપાયેલા કરન્સી નોટ લઈ જઈ રહ્યું હતું, તે રાજધાની નજીકના વ્યસ્ત માર્ગ પર તૂટી પડતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા અને 30 જેટલા લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આ અકસ્માત El Alto વિસ્તારમાં થયો હતો, જે La Paz નજીક આવેલું ઘનવસ્તીવાળું શહેર છે. અહેવાલો મુજબ વિમાન El Alto International Airport પરથી ઉડાન ભર્યા પછી થોડા જ સમયગાળામાં નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું વ્યસ્ત રોડ પર તૂટી પડ્યું. તે સમયે રસ્તા પર અનેક વાહનો અને લોકો હાજર હતા, જેના કારણે નુકસાન વધુ ગંભીર બન્યું.

દુર્ઘટના પછી તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇમર્જન્સી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુ પામનારાઓમાં જમીન પર રહેલા નાગરિકો તેમજ વિમાનમાં સવાર લોકો બંનેનો સમાવેશ થાય છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, દુર્ઘટના સમયે હવામાન ખરાબ હતું અને ભારે વાદળછાયા તથા પવનને કારણે વિમાનને મુશ્કેલી પડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વિમાન શા માટે તૂટી પડ્યું તેની સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ અકસ્માતના ચોક્કસ કારણો શોધી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘટના સ્થળે ભીડ એકઠી થતી અને રસ્તા પર ફેલાયેલી કરન્સી નોટો ઉઠાવવાની ઘટનાઓ પણ જોવા મળી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સ્થાનિક સત્તાધિકારીઓએ પાણીના હોઝનો ઉપયોગ કરીને લોકોને સ્થળ પરથી દૂર હટાવ્યા.

અકસ્મતમાં બાદ એરપોર્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. બોલિવિયાની રાષ્ટ્રીય એરલાઈન Boliviana de Aviación એ સ્પષ્ટ કર્યું કે અકસ્માતમાં સામેલ વિમાન તેની ફ્લીટનું નહોતું. હાલમાં તપાસ ચાલુ છે અને સમગ્ર દેશ દુઃખની લાગણીમાં ગરકાવ છે.

Most Popular

To Top