Dakshin Gujarat

‘આ હિંચકો બાળકો માટે છે, તું બેસશે તો તૂટી જશે’ કહેતાં ગાર્ડનની સંભાળ રાખનાર આધેડને માર મરાયો

ભરૂચ: ભરૂચ (Bharuch) પાલિકાના ગાર્ડનની (Garden) સંભાળ રાખતા એક આધેડે બાળકના હિંચકા પર મોટો ઇસમ બેસવાનો ઇન્કાર કરતાં અન્ય આઠ-દસ ઈસમોએ ઢોરમાર માર્યો હતો. આધેડને આંખ પર ઈજા થઇ હતી.

  • ભરૂચમાં ગાર્ડનની સંભાળ રાખતા આધેડને હિંચકા પર બેસવા બાબતે ટોકતાં ટોળાએ ઢોરમાર મારી ધમકી આપી

ભરૂચના મહાદેવનગરમાં રહેતા ૫૯ વર્ષીય ગણેશ રમણ રાણા ભરૂચ કલેક્ટરમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમના ઘરની નજીક ભરૂચ નગરપાલિકાનો ગાર્ડન હોવાથી તેની સારસંભાળ રાખે છે. તા.૧૭/૪/૨૦૨૨ના રોજ મધરાત્રે ૧૧ વાગ્યાના આસપાસ તેઓ ગાર્ડનમાં જઈને જોતાં બાળકોના હિંચકા પર ધ્રુવિલ કાયસ્થ તેમજ અન્ય બે માણસો હિંચકતા હતા. જેથી ગણેશભાઈએ ધ્રુવિલ કાયસ્થને સલાહ આપીને કહ્યું કે, આ હીંચકો નાના છોકરાઓનો છે. તું હિંચકા પર બેસે તો તે તૂટી જશે એમ કહેતાં ગાર્ડનમાં આજુબાજુ બેઠેલા પ્રશાંત કાયસ્થ,પ્રથમ કાયસ્થ, પ્રકાશ ઉર્ફે મુન્નો કાયસ્થ તેમજ રાજ કાયસ્થ એકદમ ઉશ્કેરાઈને કહ્યું કે, તું અમને કહેવાવાળો કોણ, તારા બાપની મિલકત છે એમ કહી ગણેશભાઈને તમાચો મારી ઝપાઝપી કરી હતી. આખરે ગણેશભાઈ સાથે આવેલા મુકેશભાઈ મુનિયાએ સમજાવીને તેઓ ઘર તરફ જતા હતા.

આ ઘટનાની રીસ રાખીને પાંચ ઈસમ સાથે અન્ય આઠ-દસ ઈસમોને લઇ આવી ગણેશભાઈને ઢીકાપાટુનો માર કર્યો હતો, જેમાં ગણેશભાઈની આંખની ભમર પર મુક્કો મારતાં ઈજા થઇ હતી. તેઓ જતાં જતાં આ ઈસમોએ કહ્યું હતું કે, હવે જો આ ગાર્ડનમાં દેખાયો તો તને જીવતો નહીં છોડીએ એવી ધમકી આપી હતી. જે બાબતમાં ભરૂચ A ડિવિઝનમાં મારામારી અને જાનથી મારી નાંખવા બાબતે પાંચ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અટાલી-રહિયાદ રોડ પર અકસ્માતમાં મહેગામના આધેડનું મોત
ભરૂચ: અટાલી અને રહિયાદ ગામની વચ્ચે મોટરસાઈકલ પર સવાર મહેગામના એક આધેડ શખ્સ જતી વખતે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તા.૧૮/૪/૨૦૨૨ના રોજ બપોરે બાર વાગ્યે મહેગામના લક્ષ્મણ કાભય ગોહિલ (ઉં.વ.૭૫) પોતાની મોટરસાઈકલ નં.(GJ-૧૬,CL-૫૩૦૭) લઈ અટાલી ગામથી રહિયાદ તરફ જતા હતા. એ વેળા કોઈક વાહને ટક્કર મારતાં રોડ પર લક્ષ્મણભાઈને ઈજા થતાં તરફડતા હતા. એ ઇકો કારે જોતાં તાબડતોબ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતે દહેજ પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top