નવસારી : અમેરિકાથી પરત નવસારી આવતા આધેડને પ્લેનમાં જ હાર્ટએટેક આવતા પાઈલોટે બહેરીનમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડીંગ કરી આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બહેરીનની ગુજરાતી મહિલાએ 3 દિવસમાં કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી આધેડના મૃતદેહને નવસારી લાવ્યા હતા.
- બહેરીનમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવી આધેડને હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા
- બહેરીનની ગુજરાતી મહિલાએ 3 દિવસમાં કાનૂની કાર્યવાહી પૂરી કરી આધેડના મૃતદેહને નવસારી લાવ્યા
મળતી માહિતી મુજબ, નવસારી જુનાથાણા પાસે આવેલી કોર્ટની સામે પરિસી એપાર્ટમેન્ટમાં વિજયભાઈ બાબુભાઈ ગાંધી (ઉ.વ. 58) તેમના પરિવાર સાથે રહેતા હતા અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. ગત મે મહિનામાં વિજયભાઈ અમેરિકા ગયા હતા. જ્યાં વિજયભાઈ 3 મહિના રહ્યા બાદ અમેરિકાથી પરત નવસારી આવવા નીકળ્યા હતા. વિજયભાઈ ગત ૨૫મીએ અમેરિકાથી પ્લેનમાં બેઠા હતા. દરમિયાન ગત 26મીએ અધવચ્ચે જ પ્લેનમાં વિજયભાઈને હૃદયરોગનો હુમલો આવતા તેમની તબિયત લથડી હતી. જેથી પ્લેનના પાયલોટે બહેરીન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું. જ્યાં વિજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોચે તે પહેલા જ વિજયભાઈનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાબતે બહેરીનમાં આવેલી ઇન્ડીયન એમ્બેસીમાં જાણ કરી હતી. જોકે બહેરીનમાં રહેતા અને હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ નયનાબેન ગાંધીએ વિજયભાઈનો મૃતદેહ નવસારી લાવવા માટે જરૂરી પુરાવાઓ ઝડપી મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. જોકે નયનાબેને 8 દિવસના બદલે 3 દિવસમાં જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી વિજયભાઈના મૃતદેહને મુંબઈ લાવવામાં આવ્યો હતો. અને ત્યાંથી નવસારી તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. મૃતક વિજયભાઈના પરિવારજનોએ વિકટ પરિસ્થિતિમાં મદદ કરતા નયનાબેન ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો.