Columns

સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે

ગુજરાતની અદાણી પાવર કંપનીને મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં ધીરૌલી બ્લોકમાં ખાણકામ માટે કોલસા મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપનીએ આ મંજૂરીને ઇંધણ સુરક્ષા અને કાર્યકારી ટકાઉપણું તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે, પણ તેને કારણે લાખો વૃક્ષો કપાઈ રહ્યાં છે. આદિવાસીઓને તેમનાં બાળકો માટે શાળા અને બે ટંકનું ભોજન જોઈએ છે, પરંતુ તેમના મૂળભૂત અધિકારો છીનવાઈ રહ્યા છે. તેમના ઘરનું ગુજરાન ચલાવતાં તેંદુના પાંદડાં છીનવાઈ ગયાં છે. એટલું જ નહીં, 10,000 એકર જમીન પર પાણી, જંગલો અને જમીનનો નાશ કરીને એક નવો વેરાનપ્રદેશ બનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રદેશમાં પોલીસ દળોની ભારે તૈનાતી દર્શાવે છે કે વહીવટીતંત્ર જનતા કરતાં ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરી રહ્યું છે. કોઈપણ પર્યાવરણીય કે સામાજિક પરવાનગી વિના જંગલ નાશ પામી રહ્યું છે. વૃક્ષોના આડેધડ નાશ અને આદિવાસી વિસ્થાપનનો મુદ્દો સતત ગરમાઈ રહ્યો છે. આદિવાસીઓ અને સ્થાનિક લોકોને ન તો વળતર મળ્યું છે કે ન તો પુનર્વસન. કોલસાની ધૂળ બાળકો અને વૃદ્ધોનાં ફેફસાંને નુકસાન પહોંચાડી રહી છે. આ યોજનાને કારણે ગામડાંઓમાં ફક્ત થોડા લોકો જ બાકી છે; બાકીના બધા સ્થળાંતર કરી ચૂક્યા છે.
નરેન્દ્ર મોદી સરકારે મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં કોમર્શિયલ ખાણકામ માટે આ ક્ષેત્ર ખોલ્યું ત્યારથી અદાણી ગ્રુપે ઓછામાં ઓછા ત્રણ કોલ બ્લોક ધીરૌલી, ગોંડબહેરા ઉઝેની પૂર્વ અને ગોંડબહેરા ઉઝેની હસ્તગત કર્યા છે. સરકારી માલિકીની કોલસા ખાણ સુલિયારી માટે અદાણી કંપનીને કોન્ટ્રાક્ટર (ટેકનિકલી ખાણ વિકાસકર્તા) અને સંચાલક (MDO) તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તે બીજા કોલસા બ્લોક મારા II મહાન, હસ્તગત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનો મોદી સરકારે ગાઢ જંગલ આવરણ હોવા છતાં હરાજી કરવાનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રુપે નજીકનો બંધૌરા કોલસા આધારિત પાવર પ્લાન્ટ પણ હસ્તગત કર્યો છે અને તેની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહી છે. ઓગસ્ટ 2022માં અદાણી ગ્રુપે મધ્ય ભારતમાં ગોંડબહેરા ઉઝેની પૂર્વ કોલસા બ્લોકની માલિકી મેળવી હતી. જોકે આ કહેવાતી હરાજીમાં અન્ય કોઈ બોલી લગાવનાર નહોતા. ભારતીય કોલસા મંત્રાલયે આ પ્રક્રિયાને જબરદસ્ત સફળતા ગણાવી હતી. તેમણે કંપનીને 11 બ્લોક ફાળવ્યા હતા, જેમાં ફક્ત એક જ બોલી લગાવનાર હતા. કોલસાના આ ભંડારો જંગલોના વિસ્તારો નીચે આવેલા છે.
હકીકતમાં બુધવાર, 10 ડિસેમ્બરના રોજ કોંગ્રેસની 12 સભ્યોની ટીમ સિંગરૌલી પહોંચી હતી. પોલીસે બેરિકેડ ઉભા કરીને તેમને રોક્યા હતા. એક કલાકની ઉગ્ર ચર્ચા પછી વહીવટીતંત્રે પાંચ કોંગ્રેસી નેતાઓને આદિવાસી પરિવારોને મળવાની પરવાનગી આપી હતી. જોકે, વિક્રાંત ભૂરિયા અને વિપક્ષના નેતા ઉમંગ સિંઘર પહેલાથી જ તેમની બાઇક પર વૈકલ્પિક માર્ગ અપનાવીને આદિવાસી સમુદાયો સુધી પહોંચી ગયા હતા. નેતાઓએ ગામમાં ખાલી ઘરો અને ખંડેર વિસ્તારો જોયા હતા.
મધ્યપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ સિંગરૌલીમાં ગેરકાયદેસર લાકડા કાપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે તેના તરફ ધ્યાન દોર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રાંત ભૂરિયાએ કહ્યું કે હું એક ગંભીર સામાજિક મુદ્દાને સંબોધવા માટે સિંગરૌલી ગયો હતો. મારે ત્યાં ગુપ્ત રીતે જવું પડ્યું હતું. ત્યાં લાકડાં કાપવાનું કામ ચાલી રહ્યું છે. ગ્રામજનોને બહાર આવવાની મંજૂરી નથી પણ બહારના લોકોને અંદર આવવાની મંજૂરી છે. આઠ ગામોને અનામત વિસ્તારોમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યા છે? સિંગરૌલીમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે, પરંતુ તે સેંકડો કિલોમીટર દૂર આવેલા સાગર અને રાયસેનમાં વાવવામાં આવી રહ્યા છે. તેનાથી સિંગરૌલીના લોકોને શું લાભ થવાનો છે? સિંગરૌલીમાં રાજ્યમાં સૌથી વધુ AQI છે તો પણ જંગલો કાપવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં અદાણી ગ્રુપના ધીરૌલી કોલસા પ્રોજેક્ટમાં વન અધિકાર અધિનિયમ, 2006 (FRA) અને પંચાયતો (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 (PESA)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એવો દાવો કર્યો હતો કે પ્રોજેક્ટને બીજા તબક્કાની વન મંજૂરી મળ્યા વિના વૃક્ષો કાપવાનું શરૂ થઈ ગયું હતું. ગ્રામજનો, મોટાભાગે અનુસૂચિત જનજાતિ સમુદાયો અને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (PVTGs) ના લોકો પણ યોગ્ય રીતે વિરોધ કરી રહ્યા છે. કોલસા ક્ષેત્ર પાંચમા અનુસૂચિત વિસ્તારમાં આવે છે, જ્યાં આદિવાસી અધિકારો અને સ્વ-શાસનની જોગવાઈઓ બંધારણીય રીતે સુરક્ષિત છે. પંચાયત (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 ની જોગવાઈઓ અને ગ્રામ સભાની સંમતિ ફરજિયાત બનાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છતાં ગ્રામ સભા સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો.
વન અધિકાર અધિનિયમ, 2006 મુજબ ગ્રામ સભાએ બિનજંગલ હેતુઓ માટે જંગલની જમીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો જ જોઇએ.
જોકે, આ કિસ્સામાં ગ્રામ સભાની સંમતિને અવગણવામાં આવી હોય તેવું લાગે છે. આશરે 3,500 એકર મુખ્ય વન જમીનના ઉપયોગ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી બીજા તબક્કાની મંજૂરી હજુ સુધી મળી નથી, જ્યારે કંપનીના માણસો જંગલો સાફ કરવાનું શરૂ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા અગાઉ વિસ્થાપિત થયેલા પરિવારો હવે ફરીથી વિસ્થાપનનો સામનો કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટના અમલીકરણથી મહુઆના વૃક્ષો, દવાઓ અને બળતણનાં લાકડાં ગાયબ થઈ જશે, જેની સીધી અસર આદિવાસીઓની આજીવિકા પર પડશે. જંગલો માત્ર આજીવિકાનો સ્રોત નથી પણ આદિવાસી જૂથો માટે પવિત્ર છે. વળતરરૂપ વનીકરણ ખૂબ જ ખરાબ ઇકોલોજીકલ વિકલ્પ છે. કોંગ્રેસના આરોપોનો અદાણી જૂથ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અદાણી પાવરે જાહેરાત કરી હતી કે તેને ખાણકામ શરૂ કરવા માટે કોલસા મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે.

Most Popular

To Top