ભારતની ફિલ્મો અંગે આઝાદી પહેલાં અને પછી શરૂઆતનાં કેટલાંક વર્ષો દરમિયાન ભારતની તસ્વીર નિહાળવાની તક વર્તમાન કાળના યુવાનો માટે ઘણી અગત્યની રહે છે. આઝાદી પહેલાં કુંદનલાલ સાયગલ, પંકજ મલિકની બોલબાલા હતી. તેમની ગાયકી તથા અભિનય ઉપરાંત તે સમયની વેશભૂષા ઉપરાંત તે સમયનાં શહેરોની ઝલક નિહાળવા જેવી છે. તે સમયની ફિલ્મો દ્વારા સંગીત, ગીત કથા તથા ફોટોગ્રાફીની સાથે સાથે નિર્માતા, દિગ્દર્શક, સંગીતકારો, ગાયકો, ગાયિકાઓ દ્વારા તમે જ્યારે વર્ષો બાદ જુઓ તો તમને એક અલગ દુનિયા લઈ જશે. તે સમયના રસ્તાઓ, વાહનો અને તેમાં ખાસ કરીને ઘોડાગાડી, બકડ ગાડી, સાઈકલ તેમજ પુરાણા યુગની મોટર ગાડીઓ, બસો, માલવાહક, ટ્રેનના ડબ્બાઓ જોવા જેવા અને સમજવા જેવા છે.
ગામડાંના કાચા રસ્તાઓ, ગઢેર, પગ પંથ, કાદવ કીચડવાળા રસ્તા પર કોઈ પણ ચપ્પલ, જોડા વગર ઉઘાડા પગે ચોમાસા દરમિયાન ચાલવાની મઝા કદાચ આજના યુવાનો ના માણી શકે. પણ તેની અનુભૂતિ જૂની ફિલ્મો હજી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે તેને સંપૂર્ણપણે નિહાળવી જરૂરી છે. કેટલીક ફિલ્મોનાં ગીતો આજે પણ એટલાં જ બુલંદ રહે છે અને નવી પેઢી પણ ગુનગુનાવે છે અને હવે તો નવાં કલાકારો તેને પુનઃજીવિત કરે છે. તેમાં સાયગલ, કે સી ડે, પંકજ મલિક, પહાડી સન્યલ જેવા યાદગાર ગાયકોનાં ગીતોની સાથે સાથે કોકિલ કંઠે ગવાયેલા નૂરજહાં, સુરૈયા, કાનનદેવી, રાજકુમારી, જોહરાનાઈ, શમશાદ ઉપરાંત લતા, આશા, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર વિગેરે વિગેરેની સાથે સાથે સુરેન્દ્ર, હેમંતકુમાર, મુકેશ, રફી, કિશોર, મન્નાડે, મહેન્દ્ર કપુર, તલત મહેમુદ, ચિતળકરનાં બધાં ગીતો આજે પણ જીવંત રહે છે. તે સમયની કથાઓ, સંવાદો, દૃશ્યો, નિર્માતા દિગ્દર્શક લેખકો, ગીત રચનાની કરામતો અનેરી છે. તે બધી તે સમયના કલાકારોની ઉત્કૃષ્ટ કારીગીરી દર્શાવે છે. હિંદી ફિલ્મોની સાથે બંગાળી, મરાઠી, તામિલ, તેલગુ, ગુજરાતી તેમજ પંજાબી ફિલ્મો જેવી ભારતની અનેક ભાષાનો યુગ પણ એટલો જ પ્રભાવિત રહ્યો છે.
મુંબઈ – શિવદત્ત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
