Dakshin Gujarat

સમાજ માટે ચિંતનનો વિષય: મોતામાં 8 વર્ષીય બાળકનો આપઘાત, આ કારણ સામે આવ્યું

બારડોલી: બારડોલીના મોતા ગામમાં આવેલી અયોધ્યા રેસિડેન્સીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક શ્રમજીવી પરિવારના માત્ર 8 વર્ષના પુત્રએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આટલી નાની ઉંમરમાં બાળકના આપઘાતના પગલાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.

મૂળ ઉત્તર પ્રદેશના વતની કૃષ્ણકુમાર બિંદ તેમનાં પત્ની સાથે મોતા ગામની અયોધ્યા રેસિડેન્સીમાં રહે છે. તેમને સંતાનમાં એક 11 વર્ષની પુત્રી રોશની અને 8 વર્ષનો પુત્ર સુંદરમ છે. બંને પતિ-પત્ની મિલમાં નોકરીએ ગયાં હતાં. ત્યારે તેમનાં પુત્રી અને પુત્ર સુંદરમ ઘરે એકલાં હતાં. સુંદરમને ચા પીવાની ઈચ્છા થતાં તેણે બહેનને ચા બનાવવા કહ્યું, પરંતુ બહેને ના પાડી હતી. જેથી સુંદરમ પોતે જ ચા બનાવશે તેમ કહીને ઘરમાં જતો રહ્યો હતો. જ્યારે સુંદરમ લાંબા સમય સુધી પાછો ન ફર્યો અને બહેનને અવાજ આપવા છતાં કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે બહેને ચિંતાતુર થઈ તપાસ કરી હતી.

ઘરમાં સુંદરમ ક્યાંય ન દેખાતાં તેણે ઘર પાછળનો દરવાજો ખુલ્લો જોતાં ગેલેરીમાં તપાસ કરી હતી. જ્યાં તેને સુંદરમ લોખંડની ગ્રીલ સાથે ગમછા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. ધો.1માં અભ્યાસ કરતા નાના ભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને ડઘાઈ ગયેલી બહેને તરત જ બૂમાબૂમ કરી પડોશીઓને બોલાવ્યા હતા. સ્થાનિક લોકો ભેગા થઈ જતાં તેને નીચે ઉતારી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર 8 વર્ષના બાળકની આત્મહત્યાથી પોલીસ તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.

એક મહિના પહેલાં જ પરિવારે લોન પર મકાન લીધું હતું
ખાનગી મિલમાં નોકરી કરતાં કૃષ્ણકુમાર બિંદે એક મહિના પહેલાં જ લોન પર મકાન લીધું હતું અને પરિવાર ગામથી મોતા રહેવા આવ્યો હતો. નવા ઘરમાં રહેવાની ખુશી પલવારમાં છીનવાઇ જતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. બિંદે પરિવાર થોડા સમય પહેલાં જ રહેવા આવ્યો હોવાથી બંને બાળકોનાં એડમિશન લીધાં ન હતાં અને બાળકોને ઘરે મૂકી પરિવાર નોકરી અર્થે જતો હતો.

Most Popular

To Top