World

કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 ભારતીયોના મોત

નવી દિલ્હી: કુવૈતના (Kuwait) દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આજે બુધવારે ભીષણ આગ (Fierce fire) લાગી હતી. આ આગજનીમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત (Death) થયા હતા. જેમાં 40 ભારતીયો હોવાના અહેવાલ બહાર આવ્યા છે. આ ઉપરાંત 30 ભારતીયો ઘાયલ થયા છે. બિલ્ડીંગમાં આગ લાગતા જ આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યે મંગફ શહેરમાં બની હતી. સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા ટાંકવામાં આવેલા એક વરિષ્ઠ પોલીસ કમાન્ડરે સ્ટેટ ટીવીને જણાવ્યું હતું કે, જ્યાં આગ લાગી હતી તે ઇમારતનો ઉપયોગ કામદારોને રાખવા માટે કરવામાં આવતો હતો અને ત્યાં મોટી સંખ્યામાં કામદારો હતા.

કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે છ માળની ઈમારતના રસોડામાં આગ લાગી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ આગના કારણની તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા, જેઓ એક જ કંપનીના કર્મચારી છે.

કુવૈત રાજ્ય મીડિયાએ બુધવારે જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટનામાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. જેમાં ચાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ બિલ્ડિંગમાં મલયાલમ લોકોની મોટી વસ્તી રહેતી હતી. જેથી મૃતકોમાં બે તમિલનાડુ અને બે ઉત્તર ભારતના હતા. જો કે, સત્તાવાળાઓ તરફથી ઘટનામાં ભારતીયોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, રેસ્ક્યુ કરાયા બાદ તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, જેથી તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો
અહેવાલો અનુસાર બુધવારે સવારે 4.30 વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. ત્યારે કેટલાક લોકો આગ જોઈને એપાર્ટમેન્ટમાંથી બહાર કૂદીને મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય લોકો બળી અને ધુમાડાને કારણે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.

કુવૈતની ભારતીય એમ્બેસીએ ટ્વીટ કર્યું
દુર્ઘટના અંગે માહિતી આપતા, કુવૈતના ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે આજે ભારતીય કામદારો સાથે થયેલા દુ:ખદ અકસ્માતના સંદર્ભમાં, દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ નંબર છે: +965-65505246. અકસ્માતગ્રસ્ત લોકોના તમામ સંબંધિઓને અપડેટ્સ માટે આ હેલ્પલાઈન સાથે જોડાવા વિનંતી છે. એમ્બેસી તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંવેદના વ્યક્ત કરી

સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, ‘કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અહેવાલ છે કે 40 થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂતો કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. જેમણે દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને મારી સંવેદના. હું ઘાયલ થયેલા લોકોના ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ પક્ષકારોને સંપૂર્ણ સહાય પૂરી પાડશે.

Most Popular

To Top