અંકલેશ્વર: સોમવારે બપોરના સમયે અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીના એક પ્લાન્ટમાં ડિસ્ટિલેશન પ્રોસેસ દરમ્યાન એકાએક પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં કેડિલા ગૃપની ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડના એપીઆઇ યુનિટના સીપી નાઈન પ્લાન્ટમાં સોમવારે બપોરે એકાદ વાગ્યાના ગાળામાં એકાએક પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જોતજોતામાં સમગ્ર કંપનીના પ્લાન્ટ અને આસપાસના વાતાવરણમાં ધુમાડાનુ સામ્રાજ્ય સર્જાય જવા પામ્યું હતું. બનાવની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગ્રેડને કરાતાં ફાયર ફાયટરોનો કાફલો ધસી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સાત જેટલા ફાયર બ્રિગેડની ટીમની મદદથી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવાયો હતો.
આ ઘટનામાં કેટલાક કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હોય તેવી શક્યતાને નકારી શકાય તેવી નથી. કેટલાક કામદારોને ઝેરી ગેસની અસર લાગતા તાત્કાલિક પાંચ જેટલી એમ્બયુલન્સ કંપની ખાતે બોલાવવામાં આવી હતી. જોકે સ્થળ ઉપર દોડી ગયેલા અંકલેશ્વર તાલુકા મામલતદારના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી નહોતી તેમજ પરિસ્થિતિ નિયંત્રણ મેળવી દેવાયો હતો. બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. કંપનીના કામદારોને ગેટ નજીક સલામત સ્થળે એકત્ર કરી દેવાયા હતા.
