National

ઉત્તરાખંડમાં 16 કલાક પછી કાટમાળમાંથી એક વ્યક્તિને જીવતો બચાવાયો

૧૮ સપ્ટેમ્બરની રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગરમાં વાદળ ફાટ્યો હતો. ત્યારબાદ 14 લોકો લાપતા થઈ ગયા હતા અને કેટલાય લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાના સોળ કલાક પછી એક વ્યક્તિને કાટમાળમાંથી જીવતો બચાવી લેવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 200 લોકો પ્રભાવિત થયા છે અને 35 થી વધુ ઘરોને નુકસાન થયું છે.

વાદળ ફાટવાથી અને ભારે વરસાદને કારણે દેહરાદૂન-મસૂરીના રસ્તાને નુકસાન થયું છે. મસૂરીમાં લગભગ 2000 પ્રવાસીઓ સુરક્ષિત છે. દરમિયાન ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રિહંદ ડેમ આ વર્ષે પાંચમી વખત છલકાઈ ગયો. કૌશાંબીમાં વીજળી પડવાથી બે મહિલાઓના મોત થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં વીજળી પડવાથી ઉત્તર પ્રદેશમાં સાત લોકોનાં મોત થયાં છે. જૌનપુરમાં ત્રણ, કૌશાંબીમાં બે અને હમીરપુર અને ચંદૌલીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. પ્રતાપગઢના ગોવિંદપુર ગામમાં વીજળી પડવાથી એક ઘરમાં આગ લાગી હતી પરંતુ આગ કાબુમાં આવી ગઈ છે.

શિમલાની જીવાદોરી ગણાતો સર્ક્યુલર રોડ બંધ છે. એડવર્ડ સ્કૂલને આજે અને કાલ માટે બંધ જાહેર કરવામાં આવી છે. કુમારસેનના કરેવતીમાં પણ ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ છે. રાજ્યમાં પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 424 લોકોનાં મોત થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પંજાબના ઘણા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી અમલમાં છે. ભાખરા ડેમનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આજે ડેમનું પાણીનું સ્તર 1677.68 ફૂટ નોંધાયું હતું, જે 1680 ફૂટના ભયના નિશાનથી લગભગ 2.32 ફૂટ નીચે છે. સાવચેતી રૂપે ડેમના ચારેય પૂર દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં પાણીનો પ્રવાહ ૫૬,૩૩૪ ક્યુસેક છે જ્યારે ટર્બાઇન અને ફ્લડ ગેટ દ્વારા ૪૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ ચોમાસાની ઋતુમાં મધ્યપ્રદેશમાં સરેરાશ 1097.28 મીમી વરસાદ પડ્યો છે જે સામાન્ય વરસાદ કરતા 187.96 મીમી વધુ છે. ગુનામાં સૌથી વધુ 1651 મીમી વરસાદ પડ્યો છે જ્યારે ખરગોનમાં સૌથી ઓછો 665.48 મીમી વરસાદ પડ્યો છે.

Most Popular

To Top