સુરત : શહેરમાં ભણેલા ગણેલા પરિવારો હજુ પણ તેમની જૂની સામાજિક રૂઢિઓમાંથી બહાર નીકળી રહ્યા નથી. 11 મહિના પહેલા એનઆરઆઇ મુરતિયા સાથે લગ્ન કરવાનું યુવતીને ભારે પડી ગયું હતું. વીસ લાખ રૂપિયા આપો તો જ તને અમે સુરતમાં ઘરમાં રહેવા દઇએ અને લગ્નજીવન આગળ ધપાવવા દઇએ તેમ કહીને ચીકૂવાડી ખાતે રહેતા મકાણી પરિવારે તેમની વહૂ પર શારિરીક અને માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં દાખલ થઇ છે.
- 20 લાખ આપવાની ના પાડી તો પતિએ ઓસ્ટ્રેલિયાથી છૂટાછેડાના કાગળ મોકલી આપ્યા
- તું તો ગામડિયણ છે કહી પરીણિતાને પરેશાન કરાતી હતી
આ મામલે દાખલ થયેલી પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે તેના પતિ (1) ધર્મેશ ગોવિંદભાઇ મકાણી રહેવાસી સીટીઓફ સેલબરી, ઓસ્ટ્રેલિયા રહે છે. તેની સાથે તેઓના લગ્ન અગિયાર મહિના પહેલા થયા હતાં. તેમના સાસુ સસરા અને નણંદ ચીકુવાડી , કાપોદ્રા ખાતે રહે છે. તેમાં (2) સાસુ લલીતાબેન ગોવિંદભાઇ મકાણી (3) સસરા ગોવીંદભાઇ ધરમશીભાઇ મકાણી (4) દક્ષાબેન સંદીપભાઇ રીબડિયા (5) સંદીપ કાંતિ રીબડિયા (6) જયશ્રી બેન નિલેશ રૂપાવટી સામે દહેજ પ્રતિબંધક ધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
યુવાન પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે તેઓના લગ્નના અગિયાર દિવસ પછી જ તેમના સાસુ, અને નણંદો તેને હેરાન કરવા લાગી હતી. તું તો ગામડિયણ છે તારા મા બાપ ગામડિયા છે કહીને હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. આ ઉપરાંત પતિ ધર્મેશને પણ ચઢવણી કરીને તેને પણ પોતાની વિરૂદ્ધ કરી દીધો હતો.
ત્યારબાદ પતિ ધર્મેશ જયારે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે તેમની નણંદોએ યુવતીને પોતાના ઘરમાં રહેવા માટે ના પાડી દીધી હતી. આ ઉપરાંત પતિ ધર્મેશ સાથે ઓસ્ટ્રેલિયા જવા માટે પાસપોર્ટ પણ સંતાડી દીધા હતા. આ ઉપરાંત યુવતીના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. ત્યારબાદ કિચનને પણ તાળુ મારી દીધુ હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ગયેલા પતિ ધર્મેશે છુટાછેડાના કાગળિયા મોકલી આપતા અગિયાર મહિના બાદ કંટાળીને યુવતીએ દહેજનો ગુનો દાખલ કર્યો હોવાની વિગત જાણવા મળી છે.