39 ગુનાઓમાં સંડોવાયેલી આઝાદસિંહ ગેંગ ઝડપાઈ, GUJCTOC હેઠળ કડક કાર્યવાહી
સુરત શહેરમાં ગુનાખોરી સામે પોલીસને મોટી સફળતા મળી છે. અમરોલી પોલીસે લાંબા સમયથી આતંક મચાવતી કુખ્યાત આઝાદસિંહ ચીકલગીર ગેંગને પાંજરે પૂરી દીધી છે. આ ગેંગ વિરુદ્ધ હવે કડક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે શહેરમાં કાયદો-વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, આ ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 39 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ઘરફોડ ચોરી, સશસ્ત્ર લૂંટ, હત્યાના પ્રયાસ, પોલીસ પર હુમલા સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ લાંબા સમયથી સુરતના વિવિધ વિસ્તારોમાં સક્રિય હતી અને સંગઠિત રીતે ગુનાઓને અંજામ આપતી હતી. અનેક કેસોમાં ગેંગના સભ્યો પહેલાથી જ વોન્ટેડ હતા અને તેમની ધરપકડ માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પોલીસે ગેંગ વિરુદ્ધ GUJCTOC (Gujarat Control of Terrorism and Organised Crime Act) હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાયદો સામાન્ય ગુનાથી અલગ, સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી માટે લાગુ કરવામાં આવે છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, GUJCTOC હેઠળ કાર્યવાહી થવાથી ગેંગના નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં મદદ મળશે અને ભવિષ્યમાં આવી ગેંગ્સ સામે કડક સંદેશો જશે. સુરત પોલીસની આ કામગીરીને શહેરમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલ પોલીસ ગેંગના અન્ય સભ્યો અને તેમના નેટવર્ક વિશે વધુ તપાસ કરી રહી છે.