World

મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપઃ ફેમસ બ્રિજ તૂટ્યો, થાઈલેન્ડનું એરપોર્ટ બંધ, બેંગ્કોકમાં કટોકટી

શુક્રવારે મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. આ ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તે અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગમાં હતું. મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પરનો લોકપ્રિય અવા પુલ ભૂકંપના આંચકાને કારણે તૂટી પડ્યો હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને તાઇવાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના લીધે મ્યાનમારમાં અનેક ઊંચી ઈમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. અત્યાર સુધી 43 લોકોના ગૂમ થયાના અહેવાલ છે.

આ ભૂકંપના આંચકા થાઇલેન્ડ-બેંગ્કોક સુધી અનુભવાયા છે. ભૂકંપના લીધે થાઈલેન્ડ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. તે ઉપરાંત ભૂકંપ બાદ થાઇલેન્ડના વડાપ્રધાને બેંગકોકમાં કટોકટી લાગુ કરી દીધી છે. થાઇલેન્ડ અને મ્યાનમારના ઘણા શહેરોમાં ઇમારતો ધરાશાયી થઈ છે. બેંગકોકમાં ટાવર ધરાશાયી થયો છે જ્યારે ડઝનબંધ લોકો ગુમ છે.


USGS કહે છે કે હજારો લોકોના મોતની આશંકા છે. મેઘાલયના ગારો હિલ્સમાં પણ 4.0 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભૂકંપના આંચકાને કારણે ગગનચુંબી ઇમારતો ધ્રુજતી જોઈ શકાય છે. ઘણી ઇમારતો નમેલી છે.

વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિથી ચિંતિત છે. હું બધાની સલામતી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. અમે વહીવટીતંત્રને આ બાબતે સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે, વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. બધા સુરક્ષિત રહે તેવી શુભેચ્છા.

ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તેઓ એકબીજા સામે ઘસાય છે. જ્યારે તેઓ એકબીજા ઉપર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.

રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એનો અર્થ એ કે તે કેન્દ્રમાંથી નીકળતી ઊર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 નો અર્થ એ છે કે ઓછી તીવ્રતાવાળી ઉર્જા મુક્ત થઈ રહી છે. 9 એટલે મહત્તમ. ખૂબ જ ભયાનક અને વિનાશક મોજું. તેઓ દૂર જતા નબળા પડતા જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય તો 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.

Most Popular

To Top