સુરત: સુરતના (Surat) પાંડેસરામાં ખાનગી લક્ઝરી બસનો (Private Luxury Bus) ડ્રાઇવર બસ પૂર ઝડપે ચલાવી રહ્યો હતો અને ત્યારે અચાનક ટર્ન (Turn) લેતા બસમાં બેઠેલા વૃદ્ધા ઈમરજન્સી બારીમાંથી (Emergency Window) નીચે પટકાયા હતા. અને ત્યારબાદ બસ 100 મીટર દૂર જતી રહી હતી. વૃદ્ધાને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર અલથાણમાં હરીહર પાર્ક સોસાયટીમાં મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. પરીવારમાં માતા નાબેન( 75 વર્ષ),પત્ની અને પુત્ર-પુત્રી છે. તેઓ એકાઉન્ટીંગનું કામ કરે છે. તેઓ મૂળ મહેસાણા જુલ્લાના વરવાડા ગામના વતની છે.
તેઓને વતન જવાનું હોવાથી 13મી એપ્રિલના રોજ મહેન્દ્રભાઈ માતા અને પત્ની સાથે મંગલમૂર્તિ ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસમાં બેસીને જઈ રહ્યા હતા. મીનાબેન ઈમરજન્સી બારી પાસે બેઠા હતા. બસ પેસેન્જરોને લેતા-લેતા આગળ વધી રહી હતી. બસ પાંડેસરામાં મિલન પોઈન્ટથી આગળ જીયાવ ચોકડી તરફ જતી હતી તે વખતે ડ્રાઇવરે બસ પૂરઝડપે ચલાવી હતી.
ત્યારે જ ડ્રાઇવર દશરથ શિવાજી ઠાકોરે અચાનક ટર્ન લેતા મીનાબેન ઈમરજન્સી બારીમાંથી નીચે બસની નીચે પટકાયા હતા. પેસેન્જરોએ બૂમાબૂમ કરી મૂકતા બસ 100 મીટર દૂર જઈને ઉભી રહી હતી. મીનાબેનને કપાળના ભાગે, માથાના ભાગે, જમણી આંખ પાસે, ડાબા હાથે અને પગે ઇજા થઈ હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના ડાબા હાથે ફેક્ચર થયું હતું. તે સમયે મહેન્દ્રભાઈ ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ કરવા જતા ડ્રાઇવરે સારવારનો ખર્ચો આપવાની વાત કરી હતી. ત્યારબાદ ડ્રાઇવરે ખર્ચો આપવાની ના પાડી હતી. તેથી મહેન્દ્રભાઈએ ડ્રાઇવર દશરથ ઠાકોર વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અંકલેશ્વર હાઈવે પર ટ્રક સાથે અકસ્માતમાં પિકઅપચાલકને ગંભીર ઈજા
અંકલેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ઉભેલી મીક્ષર ટ્રકની પાછળ પિકઅપ વાન ભટકાતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પિકઅપ ગાડીનો ચાલક અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન નિષ્કાળજીથી તેણે પોતાની પીકઅપને રોડ પર ઊભેલી મિક્સર ટ્રક પાછળ અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.