Dakshin Gujarat

ભરૂચમાં 3 વર્ષ પહેલાં પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ દાટી દેનારો પ્રેમી નિર્દોષ છૂટી ગયો

ભરૂચ: ભરૂચના નર્મદા માર્કેટની આવાવરૂં જગ્યા પર જમીનમાં દાટી દીધેલી લાશ મળી આવી હતી. આ લાશ મંજુબહેન ચુનારાના પતિ મફતભાઈ માનસંગ ચુનારાની હતી, અને તેની હત્યા મંજુના પ્રેમી સંજય વસાવા દ્વારા કરવામાં આવી હતી, સાથે પ્રેમી સંજયે અન્ય બે લોકોને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. આ ગુનામાં આરોપી પ્રેમી સામે જમીનમાં લાશ દાટી દઈ પુરાવાના નાશ કરવાના મામલે સાડા ત્રણ વર્ષે પૂરતાં પુરાવાના અભાવે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી મંજુબેન મફતભાઈ ચુનારને પોતાના ઘરે પોતાની પત્ની તરીકે રાખવાનો ઈરાદો ધરાવનાર સોન તલાવડી-ઝુંપડપટ્ટીના રહીશ સંજય મંગળભાઈ ઉર્ફે મંગાભાઈ વસાવાએ મંજુબેનના પતિને પોતાના ઘરે રાત્રિ રોકાણ માટે બોલાવ્યો હતો. તા. 27/07/2020ની મોડી રાતે ઘરેથી બહાર લઈ જઈ મફત માનસંગ ચુનારા-દેવીપૂજકને માથામાં ત્રિકમ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ નર્મદા માર્કેટની પાછળ અવાવરું જગ્યાએ ખાડો ખોદી મફત ચુનારાની લાશને જમીનમાં દાટી ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે એ-ડિવિઝન પોલીસ મથકમાં હત્યા, પુરાવાનો નાશ, જાનથી મારી નાંખવા અંગેનો ગુનો દાખલ કરાયો હતો.

પોલીસે સંજય મંગળભાઈ ઉર્ફે મંગાભાઈ વસાવાની ધરપક્ડ કરી સમગ્ર ગુનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. જે અંગે કેસ શેસન જજ રાજેશ કરમારસિંહ દેસાઈની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે સરકારી વકીલ એન.આર. મોદીએ દલીલ કરી હતી. જયારે આરોપી પક્ષે એન.એમ. શેખનાઓએ કેસમાં સાહેદો, આ કેસમાં મેડિકલ ઓફિસર, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તથા પોલીસ મથકના પી.આઈ. સહીત 17 લોકોને તપસ્યા હતા. અને 21 દસ્તાવેજી પુરાવા ચકાસી અંતે આરોપી પક્ષે વકીલ એન.એમ. શેખે ધારદાર દલીલો કરતા કોર્ટે 3 વર્ષ 6 મહિના અને 14 દિવસ બાદ આરોપી સંજય વસાવાને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો અને કસ્ટડીમાં રહેલા સંજય વસાવા સામે અન્ય કોઈ કેસ ન હોઈ તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top