કોરોનાના અજગરે આખા વિશ્વને ભરડો લીધો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ દર્દીઓને બચાવવા સતત પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. સંવેદનશીલ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ઓક્સિજન માટે વલખાં મારતાં મારતાં મોતની સોડ તાણતાં દર્દીઓને જોઈને આંખના ખૂણા ભીના કરી રહ્યા છે .આવી માનવતા વચ્ચે કેટલાંક ભેજાંબાજો પોતાની આવડતનો ,હોદ્દાનો કે નજીવા રૂપિયાની કમાણી કરી લેવાના બદઈરાદે દવા, ઇન્જેક્શન કે કોરોનાથી બચવા જરૂરી સામગ્રીઓની ભેળસેળ કે કાળાબજાર કરી રહ્યા છે ત્યારે એક શિક્ષક તરીકે મન અને હૃદય ખિન્નતા અનુભવે છે .શિક્ષક તરીકે પુસ્તકિયું જ્ઞાન આપવું કે બાળકને ટોપર બનાવી દેવું જ માત્ર શિક્ષકધર્મ નથી. શિક્ષકનો સાચો ધર્મ તો વિદ્યાર્થીઓને ‘ માનવી ‘ બનાવવાનો છે. જીવનલક્ષી કેળવણી આપવાનો છે.
જો આ ધર્મ બજાવવામાં ચૂક રહી જશે તો સમાજને શિક્ષિત રાક્ષસો કે મનોવિકૃત હિટલરો જ મળવાના છે. દવા – ઇન્જેક્શનના કાળા બજારમાં કે દવાઓ કે જરૂરી મેડીકલ સામગ્રીઓના ભેળસેળમાં પકડાયેલાની ઓળખ (વ્યવસાય )પરથી ખ્યાલ આવી જ ગયો હશે! શિક્ષણ જો બાળકોને સાચો માનવી ન બનાવી શકે તો એ શિક્ષણનું (સાચા અર્થમાં કેળવણીનું) કોઈ જ મૂલ્ય નથી. અક્ષરજ્ઞાન, લેખન કે ગાણિતિક જ્ઞાનથી બાળક સંવેદનશીલ માનવી બને તો જ કેળવણી સફળ કહેવાય. બાકી હાલના માહોલમાં કેટલાંક શિક્ષિત લોકોની માનસિક વિકૃતિએ ન જોવાનાં દ્રશ્યો બતાવી સેવાકાર્ય કરતાં કે લાગણીશીલ જનસમૂહને હચમચાવી દીધા છે! સાચે જ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું!’
સુરત – અરુણ પંડ્યા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.