મહેમાન આવ્યાં હતાં.આખી રાત રાજનર્તકીના નૃત્યનો કાર્યક્રમ હતો.નર્તકીના સુંદર નૃત્યથી બધાં મોહિત હતાં. આખી રાત નર્તકીએ થાક્યા વિના નૃત્ય કર્યું.સૂર્યોદય હવે નજીક જ હતો ત્યાં નર્તકીએ નાચતાં નાચતાં જોયું કે તબલાવાદકને ઝોકાં આવી રહ્યાં હતાં.નર્તકી નાચતાં નાચતાં જોરથી દુહો બોલી, ‘ઘણી ગઈ થોડી રહી , યા મેં પલ પલ જાય; એક પલક કે કારણ યું ના કલંક લગાય.’ આ દુહો સાંભળતાં જ તબલાવાદક સજાગ થઈ ગયો અને બરાબર તબલાં વગાડવા લાગ્યો.ત્યાં તો અચાનક યુવરાજે નર્તકીના ગળામાં હીરાનો હાર પહેરાવી દીધો અને કહ્યું, ‘તારા દુહાએ મારી આંખો ખોલી.’…ત્યાં તો વૃધ્ધ રાજાએ પણ નર્તકી પર સોનામહોરોનો વરસાદ કર્યો અને બોલ્યા, ‘તારા દુહાએ મને સાચી સમજ આપી.
’નર્તકીને કંઈ સમજાયું નહિ કે પોતે તબલાવાદકને જગાડવા જે દુહો કહ્યો તેમાં યુવરાજ અને રાજાની આંખો કઈ રીતે ખૂલી.રાજા બોલ્યા, ‘રાજનર્તકી, તું સુંદર નૃત્યાંગના તો છે, સાથે સાથે બાહોશ અને હોશિયાર છે. તેં મને તારા દુહામાં જીવનની સમજ આપી કે રાજન, તમારા જીવનનો ઘણો સમય વીતી ગયો છે. હવે થોડો જ સમય બાકી રહ્યો છે. હવે થોડું રહ્યું છે.યુવરાજને રાજા બનાવી રાજપાટનો મોહ છોડી ભગવાનને ભજો.તારો આભાર.’યુવરાજ તો નર્તકીના પગમાં પડી રડવા લાગ્યો.
બોલ્યો, ‘તમારા દુહાએ મને પિતૃહત્યાના પાપથી બચાવ્યો.’ કોઈને કંઈ સમજાયું નહિ.પોતાના પિતાનાં ચરણ પકડી માફી માંગતાં યુવરાજ બોલ્યો, ‘પિતા મહારાજ, મને માફ કરજો.લાલચમાં અંધ બનીને હું મારા મિત્રોના ચઢાવવાથી રાજા બનવા, આજે રાત્રે તમારી હત્યા કરવાનો હતો પણ આ દુહામાં મને સમજાયું કે ઘણો સમય તો વીતી ગયો છે. હવે થોડો જ સમય છે પછી તો રાજગાદી મને જ મળવાની છે.તો લાલચમાં પિતાની હત્યાનું કલંક શા માટે લઉં?’ યુવરાજે આટલું કહી પિતાનાં ચરણો પકડી માફી માંગી.રાજાએ ઘોષિત કર્યું કે આવતી કાલે યુવરાજનો રાજ્યાભિષેક થશે.
રાજ્યાભિષેક બાદ રાજાએ પ્રભુભજન કરવા વનમાં જવાનું નક્કી કર્યું.યુવરાજે નર્તકીને પોતાના સલાહકારોમાં સ્થાન આપ્યું. આ વાર્તા રાજા, યુવરાજ અને નર્તકીની નહિ પણ આપણા બધાની છે. આ દુહાને જીવનની સાથે જોડીએ તો જીવન પળ પળ વીતી રહ્યું છે.ઘણું ગયું અને થોડું રહ્યું છે તો જીવનના સમયને સેવા કાર્યો અને પ્રભુ ભજનમાં વિતાવીએ.લોભ ,લાલચ અને સ્વાર્થમાં અંધ બની કે મોહમાયામાં બંધાઈને ખોટાં કામ ન કરીએ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે