મનુષ્ય હોય કે પ્રાણી, સૌને હાથે-પગે નખ હોય છે. તૃણાહારી પ્રાણીઓના નખને ખરી કહેવાય છે અને માંસાહારીઓને નહોર હોય છે. માનવ અને અલગ અલગ પ્રકારનાં પ્રાણીઓની જરૂરિયાત મુજબ સૌને નખ, ખરી કે નહોર અપાયાં છે. એક કાળે શહેરમાં ફરવા જતાં ત્યારે બ્યુટી પાર્લરનું પાટિયું વાંચી આશ્ચર્ય થતું. આજે ઠેર ઠેર નૈલ આર્ટનાં પાટિયાં જોવા મળે અને આનંદ થાય કે, દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. પૂર્વે અમને તો એમ કે કળા એટલે બહુ બહુ તો ચિત્રકળા કે કેશકળા યા નૃત્ય કળા, સંગીત કળા કે શિલ્પ કળા. તે સમયે એવી કલ્પના પણ કોને હોય કે, નૈલ આર્ટ પણ આવી શકે. તેની જ સાથે નૈલ કલરની રંગીન દુનિયા આવી. પહેલાં નૈલપૉલિશ આવતાં.
હવે નૈલકલર્સ છે અને ભાઈ ભાઈ ભાત ભાતના નખ-રંગો; લીલા-ભૂરા-પીળા એમ અનેક. પૂર્વે લાલ, ગુલાબી, મરૂન એમ 4-5 રંગોની શીશીઓ મળતી અને બેનો અલૂણાંમાં જ નખ રંગી શકતી. આજે તો 365 દિવસ ઇસ્ટમનકલરમાં નખ જોવા મળે. દુનિયામાં સૌથી લાંબા નખ અમેરિકન બહેન ડાયાનાઆર્મસ્ટ્રોંગનાં છે જે 42 ફીટ 10 ઈંચના છે. જેની અટક જ આર્મસ્ટ્રોંગ (મજબૂત બાહુ) હોય તેના નખ પણ લાંબા જ હોય. આટલા લાંબા નખ સાથે આ બહેન રોજિંદા કાર્યો શી રીતે કરતાં હશે એ પણ સંશોધનનો વિષય છે. ભારતમાં પૂણેમાં શ્રીધર ચિલ્લાલને 29 ફીટ લાંબા નખ હતા. હશે, જેવો જેનો શોખ. પ્રાણી-પક્ષીઓ પૈકી હારપીઈગલ, સાઈબીરિયન વાઘ અને ઉત્તર અમેરિકાનાં ગ્રીઝલિબેરને સૌથી લાંબા નહોર હોય છે.
લોકો ભિન્ન ભિન્ન કારણે નખ રાખતાં હોય છે. ઢાંકણ ખોલવા, ગાંઠ ખોલવા, કંઇક ખોતરવા. કોઈને મારવા. અમે નાનાં હતાં ત્યારે કેટલીક છોકરીઓને લડાઈ-ઝઘડા વખતે નખોરિયાં મારવાની આદત હતી. બે-ત્રણ વાર આવું થતાં જ એને માર્જારીનું બિરુદ મળી જતું. બાય ધ વે, માર્જારી એટલે બિલાડી. એક ભાઈ તો કહેતા કે નાકમાંથી ચીપડાં કાઢવા માટે નખ ઘણા ઉપયોગી પુરવાર થાય છે. માણસ હતાશામાં, કંટાળાની પળોમાં, એકલતામાં નખ કાતરે છે. પણ મનોવિજ્ઞાન તો કહે છે કે ભૂખ્યો જન પણ (જઠરાગ્નિ ઠારવા?) નખ કરડે છે. ઇતિ શ્રી નખ પુરાણ સમાપ્ત.
બારડોલી – વિરલ વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.