Charchapatra

થોડી નાદાની દે મૌલા

ટી.વી. મોબાઇલના પહેલાંનો જમાનો વ્યકિતને વ્યકિતગત, કૌટુંબિક કે સામાજિક વિચારોથી ઘેરાયેલો રાખતો હતો. ફેસબુક અને મેસેજીસ વ્યકિતને પોતાનો, કુટુંબનો, સમાજનો વિચાર કરવાનો વખત જ નથી આપતા. આજનો મોટા ભાગનો યુવાન ટી.વી. અને મોબાઇલથી મગજમાં અઢળક ભાર ભરી દે છે, જે રચનાત્મક રીતે તે ઉપાડી શકતો નથી.

મોબાઇલ, ટી.વી.ને લીધે લોકોની વાચન પ્રવૃત્તિ એકદમ ઘટી ગઇ છે. પહેલાં વાંચીને પછી તેના પર વિચાર કરતો વ્યકિત છાશમાંથી માખણ કાઢતો હતો. આજે છાશ જ નથી તો માખણ કયાંથી આવે. સમાજનાં જૂજ યુવાનો વાર્તાલેખન કે કવિતાલેખન તરફ વળેલાં હોય છે, તેમાં પણ દશ ટકા મોબાઇલના ફેસબુક કે ટી.વી.માં જોયેલી વસ્તુઓની નકલ જેવું લાગે છે.

લેખની પોતાની વિચારશૈલી નજરમાં આવતી નથી. જીવનમાં અતિ વિચારશીલતાને બદલે થોડી બાળકબુધ્ધિ નાદાનીની પણ જરૂર હોય છે. નાદાની મગજ પરનો ઋણભાર ઓછો કરે છે. સામાન્ય રીતે એક વત્તા એક એટલે બે ની ગણતરી થાય છે ત્યારે કોઇ કવિદિલ જ ઉચ્ચારી ઊઠે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, દો ઓર દો કાર ચાર કહાં હોતા હૈ, સોચ સમજવાલો કોં થોડી નાદાની દે મૌલા. આમ પુખ્તતામાં પણ નાદાની માંગે છે.

અતિ વિચારશૈલી મનુષ્યને થોડી શંકા તરફ દોરી જાય છે અને વ્યકિત શંકાના ભાર નીચે ફરી પાછો અતિવિચારમાં સપડાઇ જાય છે. બાળકને કેવું છે! દરેક વસ્તુમાં હાશ! કારણ બાળક વિચારતું જ નથી એટલે મગજથી હલકું ફૂલ રહે છે અને આનંદ મોજ કરે છે.

તેમ આપણે પણ થોડા નાદાની તરફ વળીએ તો અતિવિચારોના બોજામાંથી બહાર આવી શકીએ અને રચનાત્મક હકારાત્મક વિચારો કરી શકીએ. બીજાને આપી શકીએ! ચાલો આપણે પણ થોડી નાદાની માંગીએ!

પોંડેચેરી  – ડો. કે. ટી. સોની           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top