વલસાડ : વલસાડના અતુલ અને પારનેરામાં છેલ્લા ઘણા સમયથી દીપડો થોડા થોડા સમયે દર્શન આપી રહ્યો છે. અતુલ વિસ્તારમાં બે થી ત્રણ વખત દીપડો કંપનીના કેમેરામાં રાત્રી દરમિયાન કેદ થયો હતો. જોકે, હવે આ દીપડો ધોળા દિવસે કોલોની વિસ્તારમાં ફરતો દેખાયો હતો. જેનો વીડિયો વાઇરલ થતાં લોકોમાં કુતુહલ સાથે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
- વલસાડની અતુલ કોલોનીમાં દીપડાએ દર્શન દીધાનો વીડિયો વાઇરલ થતાં લોકોમાં કુતુહલ સાથે ડરનો માહોલ
- છેલ્લા કેટલાક સમયથી અતુલ પારનેરામાં વન વિભાગને ખો આપી રહેલો દીપડો
વલસાડ નજીક અતુલ ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દીપડો ફરી રહ્યો છે. આ દીપડો ક્યારેક પારનેરામાં તો ક્યારેક અતુલમાં રાત્રી દરમિયાન લટાર મારતો સીસી ટીવી કેમેરામાં કેદ થયો હતો. જોકે, હવે આ દીપડો કોલોની વિસ્તારમાં ધોળા દિવસે જ ફરતો જોવા મળી રહ્યો છે. અહીંના એક સ્થાનિક યુવકને કોલોની વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો. જેણે મોબાઇલમાં તેનો વીડિયો લઇ લીધો હતો. ત્યારબાદ યુવક આ અંગે કોઇને કહે એ પહેલાં દીપડો ઝાડી જંગલ વિસ્તારમાં અદ્રશ્ય થઇ ગયો હતો.
આ દીપડાને પકડવા વન વિભાગે અનેક વખત પાંજરૂ પણ ગોઠવ્યું હતુ. જોકે, આ દીપડો વન વિભાગને છેલ્લા ઘણા સમયથી ખો આપી રહ્યો છે અને પકડાતો નથી. જેના કારણે વન વિભાગ પણ મૂંઝવણ અનુભવી રહ્યું છે. દીપડાને પકડવા ક્યાં પાંજરૂ મુકવું એની વિચારણા હાલ ચાલી રહી છે. ત્યારે હવે આ દીપડો ક્યારે પાંજરે પુરાશે એના પર સૌની મીટ મંડાઇ છે.