જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેની ભીષણ લડાઈમાં સેનાનો એક જુનિયર કમિશન્ડ ઑફિસર શહીદ થયો હતો. આ લડાઈમાં એક આતંકવાદી પણ માર્યો ગયો હતો.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાદળોએ આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ થાનામંડી પટ્ટીમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુકક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સેનાએ વળતો જવાબ આપતા સર્ચ ઑપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું.જમ્મુના સંરક્ષણ જનસંપર્ક અધિકારી (પીઆરઓ) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાઇફલ્સના એક જુનિયર કમિશન્ડ ઑફિસર (જેસીઓ)ને એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક નજીકની તબીબી સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ઈજાઓનાં કારણે તેમનું મોત થયું હતું.
અધિકારીઓએ એમ પણ કહ્યું કે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે.એસપી રાજૌરી શીમા નબી કસ્બાએ કહ્યું કે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.આ વર્ષે ઑગસ્ટમાં આતંકવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેનું આ બીજું એન્કાઉન્ટર છે.
આ અગાઉ, 6 ઑગસ્ટના રોજ થાનામંડી પટ્ટીમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એલઈટીના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા