SURAT

ચાંદીના મોદીઃ સુરતના જ્વેલરે 3 કિલો ચાંદીમાંથી બનાવ્યું PMનું સ્ટેચ્યુ, લોકો જોતાં રહી ગયા

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતીઓ ખૂબ ચાહે છે. જ્યારે જ્યારે વડાપ્રધાન સુરત આવે ત્યારે લોકો તેમને જોવા રસ્તા પર ઉમટી પડે છે. એટલું જ નહીં જ્યારે પણ કોઈ જાહેર પ્રદર્શનો યોજાય ત્યારે સ્મૃતિ રૂપે કોઈને કોઈ ચીજ વસ્તુ બનાવી વડાપ્રધાનને યાદ કરતા હોય છે. આવું જ કંઈક સુરતના એક જ્વેલરી એક્ઝિબિશનમાં જોવા મળ્યું છે.

સુરતમાં આયોજિત એક જ્વેલરી એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાંદીનું સ્ટેચ્યું બનાવ્યું છે. આ ચાંદીનું સ્ટેચ્યુ એવું આબેહુબ બન્યું છે કે લોકો તેને જોતા રહી ગયા છે. જે લોકો સ્ટેચ્યુ પાસે જાય છે તેમના પગ ત્યાં જ અટકી જાય છે. આકર્ષણનું કેન્દ્ર બનેલું આ સ્ટેચ્યુ અઢી ફૂટનું છે. તે બનાવવા માટે 3 કિલો ચાંદીનો ઉપયોગ કરાયો છે. ચાંદીના આજના ભાવ પ્રમાણે આ સ્ટેચ્યુની કિંમત 3 લાખથી વધુ હોવાનો અંદાજ છે.

સુરતના જ્વેલર દિલીપભાઈ વડાપ્રધાન મોદીના ખૂબ મોટા સમર્થક છે. તેમણે એક્ઝિબિશનમાં મોદીની ચાંદીની સ્ટેચ્યુ બનાવી મુકવાનો વિચાર કંપનીમાં મુક્યો હતો, જેને વધાવી લેવાયો હતો. ચાંદીના સ્ટેચ્યુની ડિઝાઈનમાં મોદીના પહેરવેશનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. મોદીની ઓળખ સમાન જેકેટને પણ સ્ટેચ્યુમાં આવરી લેવાયું છે. આઠ કારીગરોએ 3 મહિનાની મહેનતના અંતે આ સ્ટેચ્યુ તૈયાર કર્યું છે.

પ્રતિમાની ખાસિયત અંગે જણાવતા જ્વેલર કંપનીના કરિશ્મા ટીબડેવાલે કહ્યું કે સ્ટેચ્યુમાં ગ્લોસી સિલ્વર ચાંદી સ્પષ્ટ દેખાય છે. આજના ભાવ મુજબ અંદાજે આ સ્ટેચ્યુની કિંમત 3.75 લાખ જેટલી છે. આ સ્ટેચ્યુ દિવાળીના તહેવારમાં વડાપ્રધાન મોદીને ભેટ સ્વરૂપે આપવાનો પ્રયાસ કરાશે.

Most Popular

To Top