SURAT

પાલની હોટલમાં પત્નીની હત્યા કરી લાશ પાસે પતિ 24 કલાક બેસી રહ્યો, પોલીસને કહ્યું, પ્રેમ લગ્ન કર્યા હતા પણ..

સુરતઃ સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા ધ બુલ ગ્રુપ હોટેલમાં શુક્રવારે સાંજે એક યુવા પરિણીતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મહિલાની હત્યા તેના પતિએ ગઈકાલથી કરી હોવાનું જણાઈ આવ્યું છે. અને ચોવીસ કલાકથી તે પત્નીની લાશ સાથે રૂમમાં જ હોવાની પણ વાત છે. જોકે મોડી રાત સુધી પોલીસે આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નહોતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ પોલીસ સ્ટેશનની હદમાં પાલ વિસ્તારમાં રોયલ ટાઈટેનિયમ કોમ્પલેક્ષની અંદર ધ બુલ ગૃપ હોટલ આવેલી છે. આ હોટેલના રૂમમાં શુક્રવારે સાંજે આશરે 23વર્ષીય નીશુ ઉર્ફે હેતલ ચૌધરી નામની પરિણીતાની લાશ મળી આવી હતી. આ પરિણીતાના બંને હાથના કાંડા ઉપર તથા પેટના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા, તેણીનું પેટ ચીરાયેલું હતું અને કાંડાની નશો કાપી નાંખવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સાંપડે છે.

લાશને જોતા તેની હત્યા ચોવીસ કલાક પહેલા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ યુવતીએ 24 વર્ષીય મનીષ ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ તેમની વચ્ચે છૂટાછેડા બાબતે તકરાર ચાલતી હોવાની વાત છે. દરમિયાન અડાજણ વિસ્તારમાં જ રહેતું યુગલ ગઈકાલથી આ હોટલમાં રોકાયા હતા.

સુત્રોના જણાવ્યા મુજબ યુવકે તેની પત્નીની હત્યા ગુરુવારે સાંજે જ કરી હતી. અને ગુરુવાર રાતથી આજે સાંજ સુધી ચોવીસ કલાક તે રૂમમાં પત્નીની લાશ સાથે હતો. અને પછી તે ભાગી ગયો હતો. મરનાર પરિણીતા એડ્વોકેટ હોવાની વાત છે. પરંતુ ઘટનાની જાણ થતા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે હજી સત્તાવાર નિવેદન આપ્યું નથી.

નવા કાયદા મુજબ ઘટના દાખલ કરતા પોલીસને સવાર પડી
હત્યાની આ ઘટના બાદ પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા આ ઝોનના ડીસીપી, એસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ માટે પણ આ ઘટના નવા કાયદા પ્રમાણે નોંધવામાં ઘણો સમય લાગ્યો હતો. વિડીયો રેકોર્ડીંગ સહિતના પંચકેસ અને નિવેદનો લેતા પોલીસને સવાર પડી હતી.

અડાજણમાં જ રહેતા હોવા છતાં કેમ હોટલમાં રોકાયા?
પાલનપુર ગામ નજીક આવેલા રોયલ ટાઈટેનિયમ કોમ્પલેક્સમાં હોટલ ધી બુલ ગ્રુપમાં મોડી રાત્રે રૂમ નંબર 3માં પોલીસને વકીલાતનો અભ્યાસ કરતી નીશુ ચૌધરી નામની મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી. આ મહિલા અને તેનો પતિ અડાજણ વિસ્તારમાં જ રહે છે. બંને ગુરુવારથી આ હોટેલમાં રહેવા માટે ગયા હતા. બંને પાલનપુર જકાતનાકાની વિદ્યાકુંજ સ્કૂલ પાસે રહેતા હતાં તો ક્યા કારણોસર ત્યાંથી માંડ એક કિમીના અંતરે હોટલમાં ગયા? તે અંગે તપાસ ચાલી રહી છે.

ઝઘડા થતા હોય હત્યા કરી, પતિની કબૂલાત
આ બધાની વચ્ચે પતિએ પત્નીની હત્યા કરી પહેલાં તે ભાગી ગયો હતો. બાદમાં પોલીસ સમક્ષ હાજર થયો હતો. મૃતક મહિલાના પતિએ કબૂલાત કરી હતી કે પોતે જ પત્નીની હત્યા કરી છે. બંનેના પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ ઝઘડા ખૂબ થતા હતા. પ્રેમલગ્ન કરનાર બંન્નેના પરિવાર વચ્ચે મતભેદ હોવાથી તેઓ વચ્ચે છૂટાછેડાને લઈને માથાકૂટ ચાલી રહી હતી.  ગુરુવારથી બંને પાલની હોટલમાં રોકાયા હતાં. જ્યાં પત્નીએ ચપ્પુના એટલા બધા ઘા માર્યા કે પત્નીનું પેટ ફાટી ગયું હતું. પાલ પોલીસે પતિ મનીષની પૂછપરછ હાથ ધરી છે.

Most Popular

To Top