દરેક માનવીના જીવનમાં જીભ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં અમૃત છે તેમ વિષ પણ છે. પોતાની જીભ વડે માનવી ઊંચે આવી શકે છે. જેટલી જીભ મધુર અને વિવેકી હોય છે તેટલી તેની પ્રગતિ ઝડપથી થાય છે. જે રાજકારણમાં ઊંચે ચડે પછી તેની વાણીમાં ઘમંડ દાખવે તો તેની કારકિર્દી અકાળે ભૂંસાઇ જવાની. વકતૃત્વ કળા એ જીભની કળા છે. જીભ વકીલોનું મુખ્ય શસ્ત્ર છે. વકીલ દલીલ કરવામાં સફળ થાય તો કોર્ટનો કેસ જીતી લે અને તેની બોલબાલા વધે.જીભમાંથી ક્રોધાગ્નિ વરસાવતા અનેક તપસ્વીઓનાં તપ ધોવાયાં છે.
જે માનવી સુપાચ્ય ખોરાક ખાય તેનું સ્વાસ્થ્ય સારું રહે. જીભના ચટાકાને કાબૂમાં જે ન રાખી શકે અને ભારે ખોરાક જીભ સુધીના સ્વાદ માટે ખાય અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સ્વાદના ગુલામ બનવા કરતાં પ્રમાણસર સાદો આહાર ખાવો હિતાવહ છે. ચડતીના દિવસોમાં માનવી બીજા સાથે ગમે તેમ વાતો કરતો હોય છે. શ્રીમંત માનવી કટુ વાણી બોલે તો કેટલાક સાંભળી લેતા હોય છે. કેટલાક મોટા માનવીને માન આપતા હોય છે પણ અંતે તો કડવી વાણી પડતી લાવે છે. જીભ માનવીને તારે પણ છે અને મારે પણ છે. માટે જીભનો ઉપયોગ સંભાળપૂર્વક કરવો હિતાવહ છે. પ્રભુએ આ સૃષ્ટિ પરની સમગ્ર જીવસૃષ્ટિમાં એકમાત્ર માનવીને જ જીભ આપી છે. પ્રભુએ ખાવા, બોલવા માટે અઢી ઇંચની લાંબી જીભ આપીને કમાલ કરી છે. જે માનવી બોલી ન શકે એવા મૂંગા માનવીની શી હાલત થતી હશે? વાણીને લીધે માનવીની ચડતી પડતી થાય છે.
સુરત – સુવર્ણા શાહ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.