SURAT

અઠવાગેટ સરદાર બ્રિજ પાસે રસ્તાની વચ્ચોવચ્ચ મસમોટો ભૂવો પડ્યો, ટ્રાફિક જામ

સુરતઃ વાહનોની સતત અવરજવર ધરાવતા શહેરના અઠવાગેટ વિસ્તારમાં સરદાર બ્રિજ પાસે આજે શનિવારે તા. 19 ઓક્ટોબરની સવારે મસમોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું હતું. ટ્રાફિક બ્રિગેડના જવાનોએ તાત્કાલિક દોડી જઈ ભુવાની આસપાસ આડશો મુકી હતી.

સવારે ઓફિસ જવા માટે નોકરિયાતો ઉતાવળા થતા હોય છે તે જ સમયે સરદાર બ્રિજની પાસે અઠવાગેટ પર મસમોટો ભૂવો પડ્યો હતો. તેના લીધે ટ્રાફિક અવરોધાયો હતો. ભૂવો એટલો મોટો હતો કે ટુવ્હીલર વાહન આખું અંદર ગરક થઈ જાય.

સદ્દનસીબે ભૂવો પડ્યો ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું નહોતું. જોકે, ભૂવાના લીધે ટ્રાફિક અવરોધાયો હતો. સામાન્ય રીતે આ રોડ પર 24 કલાક ભારે ટ્રાફિક રહેતો હોય છે. તેમાંય હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાના લીધે અહીં વધુ ટ્રાફિક રહે છે તેની વચ્ચે ભૂવો પડતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી.

તંત્ર સામે લોકોનો ફીટકાર
ચાલુ વર્ષે સુરતના રસ્તાઓની બદતર હાલતે ખાસ્સી ચર્ચા જગાવી છે. એક તરફ સુરત સ્માર્ટ સિટી બનવાની હોડમાં સામેલ છે. સ્વચ્છ સિટી જેવા ખિતાબો જીતી રહ્યું છે ત્યારે બીજી તરફ સુરતના રસ્તાઓ એટલા ખરાબ છે કે અહીં વાહન સરખું ચલાવી શકાતું નથી.

થોડા સમય પહેલાં જ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે આ મામલે અધિકારીઓનો ઉઘડો લીધો હતો તેમ છતાં શહેરના રસ્તાઓની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી. હજુ પણ પેચવર્ક જ થઈ રહ્યું છે. રસ્તાઓની નક્કર મરામત અને વાહનચાલકોને પડતી તકલીફના નિરાકરણ માટે કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે આજે પડેલાં ભૂવાએ તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે. સુરતીઓને સારા રસ્તા ક્યારે મળશે તે હવે સવાલ લોકો પૂછવા માંડ્યા છે.

Most Popular

To Top