રાજકોટઃ રાજકોટ શહેરમાંથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નમકીન માટે જાણીતી કંપની ગોપાલ નમકીનની રાજકોટ ખાતેની ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગી હતી. ગોપાલ નમકીનની ફેક્ટરી રાજકોટ શહેરના મેટોડા GIDCમાં આવેલી છે, તેમાં આજે આગ લાગી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આજે બપોરે 2 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
તમામ કર્મચારીઓને બહાર કઢાયાનો દાવો કરવામાં આવ્યો છે. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે માટે 12થી વધુ ગાડીઓ તૈનાત છે.
આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે હજુ સુધી આગમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. આગ સતત પ્રસરી રહી છે તેમજ ખાદ્ય તેલના જથ્થા સુધી પ્રસરી ચૂકી છે. પેકિંગ પ્લાસ્ટિકના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે.
રાજકોટથી 3 તેમજ ગોંડલ, કાલાવાડથી ફાયર ફાઈટરો રવાના આગ પર કાબૂ મેળવવા માટે રવાના થયા છે. મળતી માહિતી મુજબ ગોપાલ ફેક્ટરીમાં અંદાજે 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. જો કે મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ સરકારી તંત્ર અને પોલીસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.