અમદાવાદ: રાજ્યમાં આગજનીની ઘટનાઓ બંધ થવાનું નામ લઈ રહી નથી. આજે તા. 14 જુનના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી.
દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાંના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનની આસપાસમાં બીજા 7 ગોડાઉન હતા. તે તમામ ગોડાઉનમાં આગ ફેલાઈ હતી. આ આગ ઓલાવવા માટે ફાયર બ્રિગેડની 18 ગાડીઓ દોડી ગઈ હતી. ગોડાઉનમાં સિન્થેટીક કાપડ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. પતરાંના શેડ તૂટીને પડ્યા હતા. ચાર કલાક બાદ પણ આગ કાબુમાં આવી નથી.
આ આગ દાણીલીમડા જુના ઢોર બજાર પાછળ છીપા કુવા ખાતે કોહિનુર ક્રિએશન્સ પ્રાઈવેટ લિમિટેડ ના ગોડાઉનમાં લાગી છે. આગ ખૂબ જ વિકરાળ છે. ફાયરના કર્મચારીઓ અંદર સુધી પહોંચી શક્યા નથી. તેથી આગ ઓલવવા રોબોટની મદદ લેવામાં આવી હતી.
સતત બે કલાક સુધી રોબોટની મદદથી આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જ પતરાંનો શેડ ધરાશાયી થયો હતો. આગ મોટી હોવાથી જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબીની મદદથી માલ સામાન સાઈડમાં ખસેડી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પતરાના કાપડના ગોડાઉનમાં બે ટેમ્પો પણ પડેલા હતા તેમાંથી એક ટેમ્પોને ફાયર બ્રિગેડની ટીમે અડધો બળેલી હાલતમાં બહાર કાઢ્યો હતો.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ કહ્યું કે, આગ સવારે 8 વાગ્યાની આસપાસ લાગી હતી. દાણીલીમડાના જૂના ઢોર બજારની પાછળ કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. ચાર કલાક બાદ 70 ટકા આગ કાબુમાં આવી હતી. ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો હતા કે તે અંગેની તપાસ આગ ઓલવાઈ ત્યાર બાદ કરવામાં આવશે.