સુરત શહેરના ડબગર વાડ વિસ્તારમાં દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. અહીં રેણુકા યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી વિશ્વના અલગ-અલગ દેશોના થીમ પર આધારિત ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ઈન્ડોનેશિયા દેશની કલાત્મક શૈલીમાં બાપ્પાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
મંડળના આગેવાન સતીશભાઈ છત્રીવાલાએ જણાવ્યું કે છેલ્લા અઢી દાયકાથી સતત એશિયાના વિવિધ દેશો જેવા કે શ્રીલંકા, બાલી ટાપુ, ચાઈના, બોર્નિયા, સુમાત્રા ટાપુ, મલેશિયા, થાઈલેન્ડ, બેન્કોક અને પટાયા જેવા અનેક દેશોના થીમ પર આધારિત ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ પરંપરા સુરતવાસીઓમાં ભારે લોકપ્રિય બની ગઈ છે અને દર વર્ષે લોકો આતુરતાપૂર્વક રાહ જુએ છે કે આ વખતે કયો દેશ પસંદ થશે.
પ્રતિમા નિર્માણ પાછળ સ્થાનિક કારીગરોની મહેનતનું વિશેષ સ્થાન છે. સુરતના અનુભવી કલાકારો ઝીણામાં ઝીણાં ડિઝાઈનથી માંડીને રંગકામ સુધી અત્યંત ચિત્તપૂર્વક કામ કરે છે. તેમની કળા કારણે પ્રતિમા જીવંત લાગતી હોય છે. એક પ્રતિમાને તૈયાર કરવા માટે સરેરાશ એકથી બે મહિના જેટલો સમય લાગી જાય છે.
યુવક મંડળ દ્વારા ખાસ પંડાલ ડેકોરેશન કે ભવ્ય શણગાર પર ભાર મુકાતો નથી. તેઓ મુખ્યત્વે પ્રતિમાની કળા અને સૌંદર્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ જ કારણ છે કે અહીં આવનારા ભક્તોને પ્રતિમા વિશેષ આકર્ષે છે. ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન ભક્તો મોળી રાત સુધી પંડાલમાં બાપ્પાના દર્શન કરવા ઉમટી પડે છે.
આ અનોખી પરંપરા સુરત શહેરમાં ગણેશોત્સવને એક નવો આયામ આપે છે. સ્થાનિક તેમજ બહારગામના લોકો પણ અહીં ખાસ દર્શન કરવા માટે આવતા હોય છે. ઈન્ડોનેશિયાની સંસ્કૃતિનો અહેસાસ કરાવતા આ વર્ષની ગણેશ સ્થાપના સુરતની ધાર્મિક તથા સાંસ્કૃતિક ઉજવણીમાં અનોખું સ્થાન ધરાવે છે.