Comments

ચીનની ઝોકે ચઢેલી અર્થવ્યવસ્થા માટે જોરદાર બુસ્ટર ડોઝ

રોઇટરના અહેવાલ મુજબ આવનાર કેટલાંક વર્ષોમાં ચીન દેવું કરીને પણ ઘી પીવાની ચાર્વાક ઋષિની નીતિને અનુસરવા જઈ રહ્યું છે. ચીન આવનાર કેટલાંક વર્ષોમાં ૧.૪ ટ્રિલિયન અમેરિકન ડૉલર જેટલું વધારાનું દેવું ઊભું કરવા માટે પ્રતિબદ્ધ છે. ચીનને બ્રહ્મજ્ઞાન લાદ્યું છે કે ગોળ નાખીશું એટલું ગળ્યું થશે અને હવે પછીના સમયમાં પોતાની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે કદ તેમજ ગુણવત્તા અને તરલતાની દૃષ્ટિએ સ્પર્ધાત્મક બની રહે એવું કરવું હશે તો આ વધારાના ૧૪૦૦ અબજ ડૉલર ઊભા કર્યા સિવાય છૂટકો નથી.

ચીન નવું દેવું સ્પેશ્યલ ટ્રેઝરી અને/અથવા લોકલ ગવર્નમેન્ટ્સ બૉન્ડ્ઝ દ્વારા ઊભું કરશે. ખાલી પડેલી જમીન અથવા મિલકતો ખરીદવા માટે ચીન ૪,૦૦૦ અબજ યુઆનની રકમ બોન્ડ્સ દ્વારા ઊભી કરશે. ટ્રમ્પ હવે અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારે એક વધારાની તકેદારી સ્વરૂપે ચીન વધુ મજબૂત નાણાંકીય પેકેજ જાહેર કરશે જેથી ટ્રમ્પ વધારાના ટેરિફ નાખે તો એ બોજાને સબસીડાઇઝ્ડ કરી શકાય. ડોનાલ્ડ ટ્રમ્પની જીતને કારણે ચીનને અમેરિકા સાથે ખતરનાક ટ્રેડવૉરમાં સપડાવું પડે એવી શક્યતા છે.

ધી સ્ટેન્ડિંગ કમિટી ઑફ ધી નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી) ૬ ટ્રિલિયન યુઆન સમેત વધારાનું નાણાંકીય પૅકેજ આપવા માટે સંમત થઈ છે. આ ૬૦૦૦ અબજ યુઆનનું નવું દેવું ૨૦૨૪થી આગળનાં વર્ષોમાં સ્થાનિક સરકારો દ્વારા કરવામાં આવતા ખર્ચને કારણે ઊભા થતા બુકડેટ (ચોપડા પરનું દેવું) સામે સરભર કરવા માટે વપરાશે. સ્પેશ્યલ ટ્રેઝરી અને લોકલ ગવર્નમેન્ટ બૉન્ડ્સ થકી જે દેવું ઊભું કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે વિશ્વની આ બીજા નંબરની અર્થવ્યવસ્થાના કદ કરતાં ૮ ટકા વધારે હશે. આ દેવું ઘરઆંગણે પ્રોટેક્ટેડ પ્રોપર્ટી સેક્ટરની કટોકટી અને સરકારનું રૉકેટ ગતિએ વધતું જતું દેવું સરભર કરવા વપરાશે.

ચીનની સરકાર પોતાની અર્થવ્યવસ્થાને ૧૦,૦૦૦ અબજ યુઆનના બુસ્ટર ડોઝનું પૅકેજ આપવા માગે છે. ઊભાં કરેલાં આ નાણાં ક્યાં વપરાશે તે અંગેના આયોજનમાં સૌ પ્રથમ ઊંચા પ્રોત્સાહન લાભો (સ્ટીમ્યુલસ) થકી અર્થવ્યવસ્થાને ઊંચકવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો કે આજની ઘડીએ ચીન ૨૦૦૮ના જેટલી મુશ્કેલીમાં નથી પણ ચીનમાં રોકાણકારો તરફથી મળતો પ્રવાહ ધીમો પડવા માંડ્યો છે અને એટલે આવનાર વર્ષોમાં ચીન અર્થવ્યવસ્થાને આ બુસ્ટર ડોઝ આપવા માંગે છે.

આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ચીન ઘરઆંગણાની અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા માટે ૨૦૨૪ના વર્ષથી શરૂ કરી આગળનાં વર્ષોમાં ઉત્પાદકોને તગડો બુસ્ટર ડોઝ પ્રોત્સાહન લાભો તરીકે આપશે જેથી ચીનનાં ઉત્પાદનો વિદેશી બજારોમાં અમેરિકા-યુરોપ બ્લોક સાથે જે ગળાકાપ ટ્રેડવૉર થાય તેમાં ટકી રહેવા માટે સક્ષમ બનશે એટલું જ નહીં પણ કદાચ ભારત જેવાં બજારોમાં ઘરઆંગણાના ઉત્પાદન સામે મોટી સ્પર્ધા પણ ઊભી કરશે.

ભારતીય અર્થવ્યવસ્થા સામે ઘરઆંગણાનું બજાર વિદેશી ઉત્પાદનોની આયાત સામે જાળવી રાખવાનો મોટો પ્રશ્ન પણ ઊભો થશે. આમ, ચીનની અર્થવ્યવસ્થાને ધબકતી કરવા માટે જે મસમોટો બુસ્ટરડોઝ ચીન આપવા માટે જઈ રહ્યું છે તે અર્થવ્યવસ્થાને કેટલું ભારે પડશે તે જોવાનું રહેશે. ચીનની સરકારે ૨૦૦૮માં વૈશ્વિક નાણાંકીય કટોકટીના સંદર્ભે ૪,૦૦૦ અબજ યુઆન ફિસ્કલ સીમ્યુલસ તરીકે ખર્ચ્યા હતા, જે નાણાં ચીનના તે વખતના જીડીપીના ૧૩ ટકા જેટલાં હતાં. આના કારણે પ્રોપર્ટી માર્કેટને પણ જોરદાર વેગ મળ્યો હતો.

હજુ તો આટલું પૂરતું ન હોય તેમ ચીન વપરાશી માલસામાનની માંગ વધારવાની સાથે વધારાના ૧,૦૦૦ અબજ યુઆન ઉપભોક્તાઓ દ્વારા વિકાસને વેગ આપવા માટે સ્પેશ્યલ ટ્રેઝરી બૉન્ડ તરીકે ઊભા કરવાનું છે. નિષ્ણાતોના મતે આવડાં મોટાં નાણાંકીય પ્રોત્સાહનો અર્થવ્યવસ્થાની સ્થિરતા તેમજ નવા વિશ્વાસને પણ વેગ આપશે. અમેરિકામાં સત્તાપલટો થાય તો પણ પોતાની અર્થવ્યવસ્થા ધમધમતી રહે અને વૈશ્વિક સ્પર્ધામાં ઊણી ન ઊતરે અથવા ટેરિફ વૉરને કા૨ણે દબાઈ ન જાય તે માટેનું આગોતરું આયોજન ચીને કર્યું છે અને એના અમલીકરણની શરૂઆત પણ થઈ ચૂકી છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top