World

મિશિગનમાં યહૂદી સમુદાય માટે ભયાનક દિવસ

સિનેગોગ પર કાર ઘૂસાવી, શંકાસ્પદનો પર્દાફાશ ,કુટુંબના આઘાત પછી ભયાનક હંમલો

મિશિગનના ડેટ્રોઇટ નજીક આવેલા વેસ્ટ બ્લૂમફિલ્ડ ટાઉનશિપમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં એક શખ્સ કાર લઈને ટેમ્પલ ઇઝરાયેલ સિનેગોગમાં ઘૂસી ગયો. હુમલાખોર પાસે રાઇફલ પણ હતી. આ ઘટનાને અમેરિકન એજન્સીઓ “યહૂદી સમુદાયને નિશાન બનાવતો હિંસક હુમલો” માનીને તપાસ કરી રહી છે.


એફબીઆઈના ડેટ્રોઇટ ફીલ્ડ ઓફિસની સ્પેશિયલ એજન્ટ જેનિફર રન્યાને જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 41 વર્ષીય આયમન મોહામદ ગઝાલી તરીકે થઈ છે. સુરક્ષા કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરી અને ગઝાલીને ગોળી મારી ઠાર કર્યો. હુમલા દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડ વાહનની ટક્કરથી ઇજાગ્રસ્ત થયો હતો, જોકે તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

સિનેગોગમાં તે સમયે 140 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર હતા, પરંતુ સદનસીબે કોઈ બાળક અથવા સ્ટાફને ઈજા પહોંચી નહોતી. ટેમ્પલ ઇઝરાયેલે પોતાના ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ, શિક્ષકો અને સુરક્ષા કર્મીઓ સુરક્ષિત છે.

પોલીસ મુજબ બપોરે 12:19 કલાકે 911 પર એક્ટિવ શૂટર જેવી પરિસ્થિતિ અંગે કોલ મળ્યો હતો. આરોપી કાર હોલવેમાં ઘૂસાડી અંદર સુધી ગયો હતો અને પછી વાહનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાના પગલે ધુમાડો ફેલાતા 30 જેટલા અધિકારીઓને સ્મોક ઇન્હેલેશન માટે સારવાર આપવી પડી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે ગઝાલી મૂળ લેબનાનના મશઘારા ગામનો રહેવાસી હતો. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના જણાવ્યા મુજબ તે 10 મે, 2011ના રોજ અમેરિકામાં આવ્યો હતો અને 2016માં અમેરિકી નાગરિક બન્યો હતો. એનબીસી ન્યૂઝ મુજબ, ગયા અઠવાડિયે લેબનાનમાં ઇઝરાયેલી એરસ્ટ્રાઇકમાં તેના બે ભાઈ, એક ભત્રીજી અને એક ભત્રીજાનું મોત થયું હતું. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો કે તેના ભાઈઓ હિઝબોલ્લાહ સાથે જોડાયેલા હતા.

હાલ હુમલાનો સ્પષ્ટ મોટિવ બહાર આવ્યો નથી. અધિકારીઓ માને છે કે ગઝાલીએ એકલાએ જ હુમલો કર્યો હતો. મિશિગનની ગવર્નર ગ્રેચેન વ્હિટમરે આ હુમલાને સ્પષ્ટ એન્ટીસેમિટિઝમ ગણાવ્યો છે. અમેરિકામાં મધ્ય પૂર્વના તણાવની સીધી અસર દેખાઈ રહી હોવાનું પણ અધિકારીઓએ સ્વીકાર્યું છે.

Most Popular

To Top