વ્યારા: ૯મી ઓગસ્ટ વિશ્વઆદિવાસી દિવસ નિમિત્તે સોનગઢ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વેશભૂષા અને વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં આદિવાસીઓનો ઐતિહાસિક જનસૈલાબ ઊમટી પડ્યો હતો.
- સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસે ઐતિહાસિક જનસૈલાબ ઊમટ્યો
- ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા
સોનગઢ ખાતે આદિવાસી સાંસ્કૃતિક ભવન સ્ટેશન રોડથી નીકળેલી શોભાયાત્રામાં સૌપ્રથમ આદિવાસીઓએ ડુંગરદેવ, નાગદેવ, બળિયાદેવ સહિતના દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ ૧૦ જેટલા મ્યુઝિકલ બેન્ડ અને આદિવાસી વાજિન્દ્રો સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિશ્વ આદિવાસી દિવસને ઐતિહાસિક બનાવી દીધો હતો. સોનગઢ પોલીસ સ્ટેશન સામે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી લોકનૃત્ય સ્પર્ધાની સાથે રમતગમત શિક્ષણ ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે આદિવાસી સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આદિવાસી લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યાં હતાં. સમાજને વ્યસનમુક્ત રહેવાની સાથે વૃક્ષારોપણ કરી પ્રકૃતિનાં રક્ષણનો સંદેશો આપ્યો હતો. ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાઓ પણ એક જ મંચ પર જોવા મળ્યા હતા.