Comments

માણસાઈને નકારનારો હિંદુ દેશ અને ધર્મ માટે જોખમી

આપણી નજર સામે પાકિસ્તાન બરબાદ થઈ ગયું હોવા છતાં આપણે પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેતા નથી. ઉલટું પાકિસ્તાનનો માર્ગ અપનાવ્યો છે. આપણી નજર સામે કેટલાક મુસ્લિમ દેશો ખુવાર થઈ થયા છે, પણ આપણે એમાંથી કાંઈ શીખતા નથી. હજુ નજીકના ભૂતકાળમાં જર્મનીએ અને ઇટલીએ જે માર્ગ અપનાવ્યો હતો અને એ પછી એ બે દેશોમાં અને દુનિયામાં જે બન્યું એનો વધારે નહીં તો થોડો ઈતિહાસ તો જાણતા જ હશો. એમ કહેવાય છે કે ઈતિહાસ ધડો લેવા માટે ભણાવાય છે.

શું કરવું અને શું ન કરવું એ વાતનો ધડો ઈતિહાસમાંથી મળે છે. શાસન કેમ કરાય એ અકબર પાસેથી શીખવા જેવું છે અને શાસન કેમ ન કરાય એ ઔરંગઝેબ પાસેથી શીખવા મળે. શાસન કેમ કરાય એ અંગ્રેજો પાસેથી શીખવા મળે અને શાસન કેમ ન કરાય એ પેશ્વાઓ પાસેથી શીખવું જોઈએ. પણ ઇતિહાસના ઘડામાં એકલું અમૃત ક્યાં છે? એમાં ઝેર પણ ભરપૂર માત્રામાં છે અને એ જ વધારે છે. ધડો તો એ લોકો માટે છે જેનામાં નીરક્ષીર વિવેક કરવાની આવડત છે અને એવાં લોકો હંમેશા ઓછાં હોય છે. જો એમ ન હોય તો પોતાની સગી આંખે પાકિસ્તાનની બરબાદી જોયા પછી કોઈ પાકિસ્તાનનો માર્ગ અપનાવે?

આજે આપણો દેશ પાકિસ્તાનના માર્ગે છે. જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં રેલવે સુરક્ષા બલના એક જવાને ત્રણ મુસ્લિમ પેસેન્જર અને એક તેના સિનિયરને મારી નાખ્યા એ આનું પ્રમાણ છે. ભારતમાં રહેવું હશે તો મોદી-યોગીને મત આપવા પડશે એવું બોલતો એ જવાન વાયરલ થયેલા વિડિયોમાં નજરે પડે છે. તે માનસિક તાણમાં હતો વગેરે પ્રકારનો બચાવ કરવામાં આવી રહ્યો છે, પણ પેલો વિડિયો બનાવટી છે એમ કોઈએ કહ્યું નથી. એ માનસિક તણાવમાં હશે પણ એની ના નહીં, પણ તેનું માનસ કોમી ઝેરથી ભરેલું હતું એનો પણ સ્વીકાર કરવો રહ્યો.

ઝેર જ્યારે લોકોનાં માનસનો કબજો લઈ લે અને લોકો કોઈને “દુશ્મન”ઠરાવીને પોતે જ બારોબાર સજા કરવા માંડે ત્યારે સમજી લેવું કે એ માર્ગ પાકિસ્તાનનો માર્ગ છે. મલાલા યુસુફ્ઝાઈ જેવી મુસ્લિમ કન્યાઓને ભણવાનો અધિકાર છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર મુસ્લિમ કન્યા નથી ધરાવતી પાકિસ્તાનમાં મુસ્લિમ પુરુષો ધરાવે છે. આધુનિક શિક્ષણ મેળવવા શાળાએ જનારી મુસ્લિમ કન્યા ઇસ્લામની દુશ્મન છે અને માટે સજાને પાત્ર છે. “દુશ્મન”ની ઓળખ નેતાઓ કરે છે, ધર્મગુરુઓ કરે છે, જે તે સમાજના મુખિયાઓ કરે છે, આજના યુગમાં પક્ષપાતી મિડિયા કરે છે અને રોગ વકરતા વકરતા છેલ્લે લોકો કરવા માંડે છે. આ રીતે ઝેરી વર્તુળ પૂરું થાય છે.

પાકિસ્તાની કવયિત્રી ફહમિદા રિયાઝે પાંચેક વરસ પહેલાં ભારતને ઉદ્દેશીને એક કવિતા લખી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી. કવયિત્રી કાંઈક દુઃખ સાથે અને કાંઈક આશ્ચર્ય સાથે આપણને કહે છે કે “તુમ તો બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છૂપે થે ભાઈ.”કવિતા લાંબી છે અને ઈન્ટરનેટ પર મળે છે. શરમાયા વિના વાંચવાનો પ્રયાસ કરજો અને વળી ઝેરનો સંગ્રહ કરવામાં અને ઝેર ઓકવામાં શરમ ન આવતી હોય તો કોઈ આંગળી ચીંધે એમાં શું કામ શરમાવું જોઈએ!

કવિતાની પહેલી જ પંક્તિમાં બે વાત કહેવાઈ છે. એક તો “બિલકુલ”. કોઈ ફરક નહીં. તમે બિલકુલ એ જ કરી રહ્યા છો જે અમારે ત્યાં થઈ રહ્યું છે. વળી અમારા જે હાલ થયા છે એ નજર સામે હોવા છતાં. તો પછી અત્યાર સુધી જે ભારત દેશ નજરે પડતો હતો એ શું હતું? જો આ જ અસલિયત હતી તો અત્યાર સુધી ક્યાં છૂપાયેલા હતા?

આજકાલ ભારતમાં એ વિષે પણ ચર્ચા થઈ રહી છે, જે કદાચ હજુ સુધી તમારા સાંભળવામાં કે વાંચવામાં નહીં આવી હોય. વેદો અને ઉપનિષદોનું ભારત, જૈન અને બૌદ્ધ ધર્મનું એટલે કે શ્રમણ દર્શનનું ભારત, સંતો અને સૂફીઓનું ભારત, રાજા રામમોહન રાય અને તેમના જેવા બીજા સમાજસુધારકો અને નવજાગરણનું વિમર્શકર્તાઓનું ભારત, ગાંધી અને નેહરુનું ભારત, બંધારણમાં કલ્પેલું ભારત સાચું હતું કે પછી અત્યારે જે નજરે પડી રહ્યું છે એ સાચું ભારત છે? કયું ભારત અપવાદરૂપ છે અને કયું કાયમી? ડૉ રામમનોહર લોહિયાએ દાયકાઓ પહેલાં ‘હિંદુ બનામ હિંદુ’નામનું એક નાનકડું પુસ્તક લખીને કયો હિંદુ સાચો એની થોડીક વાત કરી હતી.

એક હિંદુ એ છે જે સર્વસમાવેશક છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીઓને રસોડામાં ગોંધી રાખે છે અને દલિતોને ગામની બહાર રાખે છે. એ હિંદુ એ છે જે આખા જગતને એક કુટુંબ સમજે છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીને ઘરની બહાર જવા દેતો નથી અને દલિતને ગામમાં પ્રવેશવા દેતો નથી.  અને આ બન્ને હિંદુ પાછા એક જ છે. ડૉ લોહિયાના કહેવા મુજબ હિંદુ બનામ હિંદુનું યુદ્ધ એક જ હિંદુની અંદર ચાલી રહ્યું છે.

હિંદુની અંદર માણસાઈને નકારનારો બીજો હિંદુ બેઠો છે તેને આપણે બહુ ગંભીરતાથી લીધો નહોતો. આપણે આશ્વસ્ત હતા કે હિંદુ જ્ઞાતિઓ દ્વારા આંતરિક રીતે વિભાજીત છે એટલે માણસાઈને નકારનારા હિંદુની ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. એ મોટી ભૂલ હતી અને હવે તો સમાજશાસ્ત્રીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયો હિંદુ સાચો? હિન્દુએ અત્યાચારો સહ્યા છે તો કર્યા પણ એટલા જ છે. અલબત્ત નિર્બળની સામે અને એ પણ પોતાનાંઓની સામે. માણસાઈને નકારનારો હિંદુ દેશ માટે અને હિંદુ ધર્મ માટે જોખમી છે, જે રીતે માણસાઈને નકારનારો મુસલમાન ઇસ્લામ માટે અને પાકિસ્તાન માટે જોખમી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top