World

મુસ્લિમ દેશમાં 700 કરોડના ખર્ચે બન્યું હિન્દુ મંદિર, PM મોદી કરશે ઉદ્દઘાટન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીના (Abu Dhabi) પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીની આ મુલાકાત પહેલા ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસર અલ શાલીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટનને યુએઈ (UAE) માટે ખાસ તક ગણાવી છે. તેમણે કહ્યું કે ભારત અને યુએઈ સહિષ્ણુતા અને સ્વીકૃતિના મૂલ્યોને કારણે તેમની મિત્રતાને મજબૂત કરવામાં સક્ષમ છે.

700 કરોડ રૂપિયામાં બન્યું મંદિર
આ મંદિર પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનેલું સૌથી મોટું મંદિર હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મંદિરને બનાવવામાં 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરની રચના ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી છે. તેમાં 7 મિનારા છે જે દેશના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિર 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણ માટે ગુલાબી રેતીના પથ્થરને ઉત્તર રાજસ્થાનથી અબુ ધાબી લઈ જવામાં આવ્યા હતા. યુએઈની આકરી ગરમી આ પથ્થરોને કોઈ નુકસાન પહોંચી શકશે નહીં.

PM મોદીની 8 મહિનામાં ત્રીજી UAE મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટનના સંદર્ભમાં 13 અને 14 ફેબ્રુઆરીએ UAEમાં હશે. છેલ્લાં 8 મહિનામાં પીએમ મોદીની આ ત્રીજી UAE મુલાકાત હશે. પીએમ મોદી 2015 થી અત્યાર સુધી કુલ 6 વખત યુએઈની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ તેમની સાતમી મુલાકાત હશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે. આ દરમિયાન બંને વચ્ચે વ્યૂહાત્મક મિત્રતા મજબુત બનાવવાની સાથે સાથે એકબીજાના હિત સાથે જોડાયેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

PM મોદી તેમની મુલાકાત દરમિયાન UAEના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સાથે મુલાકાત કરશે. તેમના આમંત્રણ પર વડાપ્રધાન મોદી દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. આ સિવાય તેઓ સમિટને પણ સંબોધિત કરશે.

UAEએ ભારતમાં ચૂંટણી અંગે શું કહ્યું?
UAEના રાજદૂતે આગામી લોકસભા ચૂંટણી અને ભારતમાં રાજકીય સ્થિરતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ભારત વૈશ્વિક રાજનીતિમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ગયા મહિને ગુજરાત સમિટમાં UAEના પ્રમુખે પોતે હાજરી આપી હતી, જે દર્શાવે છે કે ભારત UAEનું સાથી કેટલું મહત્વનું છે. UAE ભારતની રાજકીય સ્થિરતાને મહત્ત્વ આપે છે કારણ કે મજબૂત રાજદ્વારી સંબંધો માટે બંને દેશોમાં રાજકીય સ્થિરતા હોવી જરૂરી છે.

Most Popular

To Top