National

રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત

આજે શનિવારે વહેલી સવારે આસામના હોજાઈ જિલ્લામાં એક ભયાનક ઘટના બની. સૈરંગ-નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ ટ્રેન સાથે હાથીઓના ટોળાની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 જંગલી હાથીઓના મોત થયા અને એક ગંભીર રીતે ઘાયલ થયો. વન વિભાગના અધિકારીએ પુષ્ટિ આપી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

ઉત્તરપૂર્વ સરહદી રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી કપિનજલ કિશોર શર્માના જણાવ્યા અનુસાર, આ ઘટના આશરે 2:17 વાગ્યે બની હતી. અકસ્માત સ્થળ ગુવાહાટીથી આશરે 126 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે. પાટા પર હાથીઓના ટોળાને જોયા પછી લોકોમોટિવ પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ હાથીઓની ટ્રેન સાથેની ટક્કરને ટાળી શકાય નહોતી. આ અથડામણને કારણે એન્જિન સહિત છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.

ઘટનાની માહિતી મળતાં, એક અકસ્માત રાહત ટ્રેન અને લુમડિંગ ડિવિઝનલ હેડક્વાર્ટરના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. NF રેલ્વેના જનરલ મેનેજર અને લુમડિંગ ડિવિઝનલ રેલ્વે મેનેજર પણ ઘટનાસ્થળે રવાના થયા. અસરગ્રસ્ત કોચમાંથી મુસાફરોને અસ્થાયી રૂપે અન્ય ટ્રેન કોચમાં ઉપલબ્ધ ખાલી બર્થ પર ખસેડવામાં આવ્યા હતા. રેલ્વે વહીવટીતંત્રે મુસાફરોને મદદ કરવા માટે ગુવાહાટી રેલ્વે સ્ટેશન પર હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે: 0361-2731621/2731622/2731623.

અસરગ્રસ્ત કોચ અલગ કર્યા પછી ટ્રેન સવારે 6:11 વાગ્યે ગુવાહાટી માટે રવાના થઈ. ગુવાહાટી પહોંચ્યા પછી મુસાફરોની સુવિધા માટે વધારાના કોચ જોડવામાં આવશે. ત્યાર બાદ ટ્રેન તેની આગળની મુસાફરી માટે રવાના થશે. એમ એક રેલવે અધિકારીએ જણાવ્યું.

રેલવેના જણાવ્યા અનુસાર, જે સ્થળે અકસ્માત થયો તે સ્થળ નોટિફાઇડ એલિફન્ટ કોરિડોર નથી. હાલમાં, આ વિભાગમાંથી પસાર થતી ટ્રેનોને અપ લાઇન પર વાળવામાં આવી રહી છે. ટ્રેક રિપેર અને રિસ્ટોરેશનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલવે વહીવટીતંત્રે મુસાફરોને કોઈપણ અફવાઓને અવગણવા અને જરૂરી માહિતી માટે ફક્ત સત્તાવાર રેલવે માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે.

Most Popular

To Top