ગાંધીનગર(Gandhinagar): ગુજરાતમાં (Gujarat) ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટી (GreenfieldMegaPortCity) બનાવવાની હિલચાલ ચાલી રહી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GujaratMaritimeBoard) દ્વારા રાજ્યમાં ગ્રીનફિલ્ડ પોર્ટ સિટીના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી સોંપી દેવાઈ છે. મેગા પોર્ટ સિટી માટે રાજ્યમાં 7 સ્થળોને શોર્ટ લિસ્ટ કરી લેવાયા છે. માસ્ટર પ્લાન બન્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિંગાપોર, દુબઈ અને હોંગકોંગ સમકક્ષ અત્યાધુનિક પોર્ટ સિટી ડેવલપ કરવાની દિશામાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ આગળ વધી રહ્યું છે. ગયા ઓગસ્ટ મહિનામાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રાજયમાં ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટીના ડેવલપમેન્ટ માટે જાણીતી કન્સલ્ટિંગ કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. તે પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા જાણીતી કંપની કુશમન એન્ડ વેકફિલ્ડને ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટીનો માસ્ટર પ્લાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ગ્રીન ફિલ્ડ મેગા પોર્ટ સિટી બનાવવા માટે હાલમાં 7 લોકેશનને શોર્ટ લિસ્ટ કરાયા છે. આ સાથે જ કંપનીએ માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે અને લગભગ આગામી 12 મહિનામાં માસ્ટર પ્લાન કંપની બનાવી લેશે તેવી ધારણા છે. એકવાર લોકેશન અને માસ્ટર પ્લાન ફાઈનલ થઈ જાય ત્યાર બાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડ મેગા પોર્ટના બાંધકામ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરશે.
આ 7 લોકેશનને શોર્ટ લિસ્ટ કરાયા
સિંગાપોર, દુબઈ અને હોંગકોંગ જેવી આંતરરાષ્ટ્રીય સ્થળની ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટી ડેવલપ કરવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 7 લોકેશનને શોર્ટ લિસ્ટ કરાયા છે, જેમાં પીપીવાવ, હજીરા, નારગોલ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને કચ્છના અખાતનો સમાવેશ થાય છે. આ તમામ લોકેશન પર એસેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એસેસ્ટમેન્ટ રિપોર્ટના આધારે કયા લોકેશન પર ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટી ડેવલપ કરવી તે નક્કી કરાશે.
ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટી શું હશે?
ગ્રીન ફિલ્ડ મેગા પોર્ટ સિટીના માસ્ટર પ્લાનમાં બે અલગ અલગ છતાં એકબીજા સાથે જોડાયેલા ઘટકો હશે. એક પોર્ટ એરિયા અને બીજો સિટી એરિયાનો માસ્ટર પ્લાન હશે. આ પ્રોજેક્ટ હેઠળ પોર્ટ અને સિટીનો સમાંતર વિકાસ કરાશે, જેથી ઉદ્યોગનો વિકાસ સાધી શકાશે. આ માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી કુશમન એન્ડ વેકફિલ્ડ કંપની આગામી 12 મહિના દરમિયાન બનાવશે. કંપનીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની સંલગ્ન એજન્સીઓની મંજૂરી તેમજ આવશ્યકતા અનુસાર સંપુર્ણ માસ્ટર પ્લાન વિકસાવવાનો રહેશે.
ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટીનો શું ફાયદો?
દેશના સૌથી લાંબા ગુજરાતમાં આવેલા 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાનો પોર્ટ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્તમ ઉપયોગ કરવા આ ક્વાયત કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય બંદરો પૈકીના એકની નજીકના શહેરી વિસ્તારમાં ગ્રીનફિલ્ડ મેગા ગ્રીન પોર્ટ સિટી ડેવલપ કરવામાં આવનાર છે. આ પોર્ટ પર ઈન્ડસ્ટ્રિયલ કલ્સ્ટર, અત્યાધુનિક ટ્રેડિંગ સેન્ટર, સ્કીલ મેનપાવર માટે રેસિડેન્શિયલ કોમ્પલેક્સ પણ બનાવવામાં આવશે. જેથી પોર્ટ અને ઈન્ડસ્ટ્રીનો સહિયારો વિકાસ કરી શકાય.