ખાનપુર: ખાનપુરની પવિત્ર ભૂમિ કલેશ્વરી ખાતે પ્રાચીન કાળથી મહાશિવરાત્રી અને જન્માષ્ટમીને અનુલક્ષીને લોકહૈયાને હિલોળે ચડાવે તેવો ભવ્ય મેળો ભરાય છે. આ ભુમિ પર 22 વર્ષથી દેશભરના લોક કલાકારો અને વિચરતી -વિમુક્ત જનજાતિના કલાકારો નોંધપાત્ર સંખ્યામાં ઉમટી પડે છે. મહાન ગુજરાતી સર્જક પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવનમાં વર્ણન પામેલી નાયક-નાયિકાનુ મિલન સ્થાન બનતી અને પ્રેમને ઓળખથી એવી અજોડ ઘડીનો ઈતિહાસ આ કલેશ્વરીની નાળને પન્નાલાલ પટેલે વર્ષો પહેલાં પોતાના નવલકથામાં આલેખ્યો છે.
એ ભૂમિ અને અલૈકિક પર્યાવરણીય મહત્વ ધરાવતા આ પ્રદેશમાં વર્ષમાં બે મેળા ભરાય છે. એક મહાશિવરાત્રી અને બીજો જન્માષ્ટમીએ કાઠીયાવાડમાં તરણે તરનો મેળો, કવાંટમા ભરાતો ગેરનો મેળો, દાહોદનો ગોળ ગધેડાનો મેળો, વ્યારાનો ઘોડાપીરનો મેળો, તેવી જ રીતે કલેશ્વરીમા શિવરાત્રીનો મેળો, જનજાતિ કલાકાર કવિ અને લેખકોનો મેળો લોકહૈયાને હિલોળે ચઢાવે છે.
વિચરતા વિમુક્ત તેમજ આદિવાસી સહિત ગ્રામિણ સમુદાયો પોતાની નીજ જીવન પદ્ધતિને આજના રોકેટ ગતિના જમાનામાં પણ ગૌરવ પુર્ણ રીતે જાળવી સમાજ અને સરકાર તરફથી રહેઠાણ , શિક્ષણ, આરોગ્ય અને વિકાસના ફળમાં ભાગીદારીની માંગ સાથે આગામી મહાશિવરાત્રીના મેળામાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત સમગ્ર દેશભરમાંથી વિચરતી -વિમુક્ત જનજાતિના જાણકાર કલાકારો આવનાર છે.
લવણેશ્વરી તરીકે ઓળખાતી પ્રાચીન વસાહત હતી
ખાનપુર તાલુકામાં આવેલા લવાણા ગામ પાસે કલેશ્વરી તરીકે ઓળખાતા આ સ્થળે લવણેશ્વરી તરીકે ઓળખાતી પ્રાચીન વસાહત હતી. જે આજે પણ લવાણા તરીકે ઓળખાય છે. આ સ્થળ એક ઝરણાંની નજીક આવેલું છે. જે હવે ચેકડેમ અપ સટ્રીમ છે. પરંપરાગત રીતે આ સ્થળો મહાભારતના પાત્રો સાથે સંકળાયેલા છે. શિવ મંદિરની સ્થાપના 10મી સદીમાં મુળપ્રાસાદ અને સભામંડપથી કરવામાં આવી હતી. બાદમા મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. 11મી કે 12મી સદીમાં કુંડ (જળાશય)નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વાવનુ નિર્માણ 14મીથી 15મી સદીમાં કરવામાં આવ્યું હતુ. આજ સમય ગાળા દરમિયાન ભીમ ચૌરીનું પણ નિર્માણ થયું. અર્જુન ચોરી અને હિડિમ્બા મંદિરનું નિર્માણ નજીકની પહાડી પર, 15મીથી 16મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ બધા મંદિરો હાલ ખંડેર હાલતમાં છે. એમ પણ કહેવાય છે કે લુણાવાડા રાજ્યના રાજકુમાર માલા રાણાએ 1549માં તેનું પુનઃ સ્થાપન કર્યું હતું. પરંતુ શિલાલેખ જર્જરિત થઇ ગયો છે. પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. જે હવે ઘુમ્મટ વાળા મંદિર તરીકે ઓળખાય છે. શિકાર મઢીનું નિર્માણ 18મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.