નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો ત્રિ-દિવસીય મેળો યોજવા માટેની મંજુરી મળી છે. ત્યારે તંત્ર દ્વારા મેળાને લગતી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભક્તોમાં પણ ફાગણી પૂનમની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દર મહિનાની પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જોકે, વર્ષની સૌથી મોટી ગણાતી ફાગણી પૂનમના દિવસે રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શન કરવાનો વિશેષ મહત્વ હોવાથી આ દિવસે મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા વિશેષ હોય છે.
જેને પગલે દરવર્ષે ફાગણી પૂનમે ત્રણ દિવસીય મેળો યોજવામાં આવે છે. ફાગણી પૂનમના મેળા દરમિયાન પાંચેક લાખ જેટલા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. ગત વર્ષે કોરોના મહામારીને પગલે ફાગણી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો હતો. જોકે, આ વર્ષે કોરોનાનો કહેર સાવ નહિવત હોવાથી તંત્ર દ્વારા ફાગણી પૂનમના ત્રિ-દિવસીય મેળા માટે મંજુરી આપવામાં આવી છે. ફાગણી પૂનમને આડે હવે માંડ પંદરેક દિવસ બાકી રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા મેળાની તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. મંદિર, ટ્રસ્ટ, ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. મેળાની તૈયારીઓમાં કોઈ કચાશ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
મુખ્ય માર્ગો પર આડબંધ લગાવવાનું શરૂ
યાત્રાધામ ડાકોરના રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન યોજાનારા ફાગણી પૂનમના ત્રિદિવસીય મેળા દરમિયાન પાંચેક લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવવાનો અંદાજ છે. દરમિયાન ભક્તોના ભારે ઘસારાથી મંદિર પરિસરમાં તેમજ મંદિરની બહાર અવ્યવસ્થા ન સર્જાય તે હેતુસર દરવર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા નગરમાં નગરમાં ઠેર-ઠેર આડબંધ મારી શ્રધ્ધાળુઓનો ઘસારાને સુવ્યવસ્થિત રીતે મંદિર સુધી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હવે, ફાગણી પૂનમના મેળાને માંડ પખવાડિયું બાકી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા નગરના મુખ્ય માર્ગો પર આડબંધ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આમલકી એકાદશી બાદ શ્રધ્ધાળુઓનો ઘસારો શરૂ થશે. બાદમાં નગરમાં શ્રધ્ધાળુઓના સુચારૂ વહન માટે આડબંધનો ઉપયોગ કરવામાં આવશે.
સુચારૂ આયોજન માટે બેઠકોના દોર શરૂ
યાત્રાધામ ડાકોરમાં યોજાનાર ફાગણી પૂનમના ત્રિ-દિવસીય મેળાના સુચારૂ આયોજન માટે મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસતંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ડાકોરમાં દર્શનાર્થે આવનાર પદયાત્રીકો તેમજ શ્રધ્ધાળુઓનો અવર-જવરનો રૂટ, વાહનોના પાર્કિગ તેમજ હંગામી બસસ્ટેન્ડ ઉભા કરવા સહિતના વિવિધ મુદ્દે સઘન ચર્ચા માટે બેઠકો શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પૂનમની વ્યવસ્થા માટેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યાં છે.
એક ટ્રક ભરીને બેરિકેટ લાવવામાં આવ્યાં
યાત્રાધામ ડાકોરના આંતરિક માર્ગો તેમજ નગરને જોડતા મુખ્ય માર્ગો ઉપર વાહન વ્યવહાર રોકવા માટે પોલીસતંત્ર દ્વારા એક ટ્રક ભરીને બેરીકેટ લાવી દેવામાં આવ્યાં છે. નગરમાં શ્રધ્ધાળુઓના ધસારાને અનુરૂપ દરસાલ બેરિકેટ અને આડબંધો મુકી દર્શન માટેનો રૂટ નક્કી કરવામાં આવે છે. એક તરફથી મંદિરમાં પ્રવેશેલ શ્રધ્ધાળુ દર્શન કરી બીજા રસ્તે બહાર જાય અને ત્યાંથી સીધા નગરની બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.
નવા કેમેરા લગાવવાની તેમજ જુના સર્વિસ કરવાની કામગીરી પુરજોશમાં
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળા દરમિયાન દર્શનાર્થે આવનાર લાખો શ્રધ્ધાળુઓ ઉપર સીધી દેખરેખ રાખી શકાય તે માટે મંદિર તેમજ આસપાસના વિસ્તારમાં વધારાના સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાલચાલી રહી છે. તદુપરાંત અગાઉથી લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા યોગ્ય રીતે કામ કરે છે કે નહી તે ચકાસી, તેની સર્વિસ પણ કરવામાં આવી રહી છે.