Columns

ભુલાવા અને ભૂંસાવા માંડેલો એક સદ્‌ગુણ
કરકસર

મધ્યમ વર્ગના માનવીને ઘરનો વ્યવહાર ચલાવતાં દમ નીકળી જાય છે. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. ત્રણ સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત થઇ છે. મહિનાના છેલ્લા દિવસોમાં તો ગૃહિણીની ખરેખર કસોટી થતી હોય છે. ભાવનાબેનની આવી હાલત હતી. પતિનો વેપાર ધમધોકાર ચાલતો હતો તેમાં કોરોના થયો. થોડા સારા થયા, ધંધે લાગ્યા તો GSTએ ભરડો લીધો. મોંઘવારીએ ભરડો લીધો. ચિંતામાં વધુ બીમાર રહેવા લાગ્યા. ભાવનાબેને પતિની બીમારી સાથે ઘરનો કારભાર સંભાળી લીધો. લાંબો મંદવાડ, દીકરાને ઉછેરવાનો, ભણાવવાનો બોજો, કરકસર કરી ઘરનો વ્વયહાર ચાલુ રાખ્યો. જેવો દીકરો રોહન SSC પાસ થયો કે એને દુકાને બેસાડી દીધો. આછીપાતળી આવક ચાલુ થઇ. સમય જતાં રોહન માટે મધ્યમ વર્ગીય મંજુની પસંદગી કરી, જે અછતનો સામનો કરી શકે.

કરકસરથી સંસાર ચલાવી શકે. સાસુજીએ મંજુને બરાબર પલોટી, જીવન જરૂરિયાતની વસ્તુઓ જ વસાવવી, ખોટા ખર્ચા ન કરવા વગેરે શિખામણો આપતા. સાસુજી નિરાંતનો શ્વાસ લઇ મંજુને ઘરનો કારભાર સોંપી સ્વર્ગે સિધાવ્યા મરતી વખતે પણ ભાવનાબેને એમના દાગીનાનો ડબ્બો સોંપતા સમજણ આપેલી કે ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે. સોનું સાચવીને રાખવાનું. અડધી રાતે કામ આવે. દીકરાને ખૂબ ભણાવજે એમાં કસર નહીં કરવાની. ભણતર જ એની સાચી મૂડી છે. આમ સાસુએ વહુને બરાબર કરકસરના પાઠ ભણાવ્યા. વહુએ એનું નમ્રપણે પાલન કર્યું તો જીવન સરળતાથી પસાર થયું.

આજે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, માનવીની જરૂરિયાતો પણ ખૂબ જ વધી છે. તેવે સમયે આવક થોડી ને ખર્ચા ઝાઝા- શિક્ષણ પણ બહુ ખર્ચાળ બન્યું છે. ઘરની વ્યકિત જે પણ કમાઇને લાવે છે તેને માટે ખૂબ દોડધામ કરવી પડે છે અને તે પણ ઘર ખર્ચમાં ઓછા પડે છે. પરિણામે સાઇડ પર બીજા નાનામોટા ધંધા કરવા પડે છે. તેવે સમયે દરેક કુટુંબમાં જરૂર છે કરકસરની. આજનાં બાળકોને પૈસાની કોઇ કિંમત નથી. આપણે ભણતાં ત્યારે એક જ કંપાસ મેટ્રિક સુધી ચાલતો અને આજે જાતજાતના કંપાસ, જાતજાતની વોટરબેગ ને જાતજાતનાં દફતરો વરસમાં એક નહીં ત્રણ- ચાર વાર જોઇએ. રબર, પેન્સિલની તો કંઇ કિંમત જ નથી.

બાળકોમાં પણ કરકસરની ટેવ બાળપણથી પાડવી જોઇએ. એ માટે સૌ પ્રથમ તો સમજણા થયેલ પ્રત્યેક બાળકને વસ્તુનું મૂલ્ય સમજાય એ માટે પ્રયાસ કરવો જોઇએ. બાળક જે માંગે તે ફટ દઇને ધરી ન દો. થોડું સમ-વિષમ વસ્તુથી પણ ચલાવતાં શીખવો. કરકસર કરવા માટે થોડું મન મારવું પડે છે- ભોગ આપવો પડે છે પણ આવા ભોગના બદલામાં જે પ્રાપ્ત થાય છે એનું મૂલ્ય ઘણું હોય છે.

આપણી બહેનોમાં પણ કરકસરનું નામ હોતું નથી. ઘરમાં ખાવાનું બનાવે ઘણું બધું, કોઇ માપદંડ નહીં. પછી ફેંકવાનું. થોડું પણ સ્વાદિષ્ટ હોય તો સૌ સંતોષથી ખાય. સાફસફાઇનું નામ નહીં પરિણામે આજે ઘઉં બગડયા, ફેંકો, કાલે મસાલામાં, કઠોળમાં કિલ્લા પડયા, ફેંકો. દરરોજની ખરીદીમાં પણ કરકસર જોઇએ. શાકભાજી, ફળો ખાવામાં કસર ન કરો પણ ભાવતાલ કરી માર્કેટમાંથી લાવો. પરિણામે ઘણો ફાયદો થાય. ઘણી બહેનો ઘરમાં રહી ટી.વી. મોબાઇલ જોવામાં સમય બગાડે છે. બારણામાં લારી પરથી મોંઘાદાટ શાક-ફ્રૂટ લઇ લે છે. આમ ડબલ પૈસા વેડફે છે. અગાઉ પુરુષની સફર ને સ્ત્રીની કસર એમાં જ સંસારની બધી મુશ્કેલી સમાઇ જતી. આજે તો બધાને અ…ધ…ધ…ધ… જોઇએ. કોઇ ધરાતું જ નથી. કોઇને સંતોષ નથી.

આજકાલની જનરેશનને આખો દિવસ પૈસા ઉડાવવામાં રસ- અમારી રીતુની વાત કરું. શનિ, રવિ આવ્યા નથી કે પિકનિક ઉપર ઉપડયા નથી. રવિવારે ઘરમાં કોણ રસોઇ કરે? પિકચર જોવાનું- હોટલમાં જમવાનું રૂપિયા બે હજારની ચટણી. ઘરના વડીલો પૈસા બચાવો- તમને મુશ્કેલીના સમયે કામ લાગશે- એવું કહેવા જાય તો સામેથી સંભળાવી દે- ‘જુવાનીમાં જલસા નહીં કરીએ તો કયારે કરીશું? તમારા જેવી કંજૂસાઈ આ જમાનામાં ન ચાલે. વડીલો કહે અમે કંજૂસાઇ નથી કરી કરકસરથી બચાવ્યું છે.

સારા ઠેકાણે લાખો ખર્ચાય પણ ખોટી રીતે એક કોડી પણ ન ખર્ચાય, કરકસર મજાનો ગુણ છે. ‘કરકસર એ બીજો ભાઇ છે, કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય’ ‘કણ કણ કરતાં મણ થાય.’ કરકસરનો સંબંધ બગાડ અટકાવવા સાથે છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ જોઇએ. મદનમોહન માલવિયાજીએ બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. તેઓ ઠેર ઠેર ફાળો એકત્ર કરવા ફરતા હતા. કોઇ દાતાની વિગત મળે કે તરત તેના ઘરે પહોંચી જાય. આ રીતે કલકત્તાના એક ધનાઢય શેઠના આંગણે પહોંચ્યા. આંગણામાં શેઠનો નાનો બાળક દીવાસળીની પેટી સાથે રમતો હતો. છોકરાએ એક કાંડી સળગાવી ત્યાં જ શેઠ આવી પહોંચ્યા. છોકરાના ગાલ ઉપર થપ્પડ મારતા શેઠ ગર્જયા. ‘કેમ વગર કારણે દીવાસળી સળગાવે છે?’

માલવિયાજીને લાગ્યું આપણે ખોટા ઠેકાણે આવી ગયા છીએ. આવો કંજૂસ માણસ શું દાન આપવાનો હતો? એક દીવાસળી માટે છોકરાને તમાચો મારનાર પાસેથી દાન મેળવવાની આશા વ્યર્થ છે. મદનમોહન પાછા ફરવા લાગ્યા. ત્યાં શેઠની નજર પડી. પધારો, પધારો આંગણે આવીને કેમ પાછા ફરો છો? મદનમોહન પાછા ફર્યા, ઘરમાં ગયા. બેસો, પધારો, આપના આગમનનું પ્રયોજન? બનારસ હિન્દુ વિદ્યાલય માટે ફાળો લેવા આવ્યો છું.  ઓહો! ખૂબ સુંદર કામ કરી રહ્યા છો, બહુ મોટું કામ ઉપાડયું છે, મારા તરફથી પચાસ હજાર સ્વીકારો, ચેક ફાડીને માલવિયાજીના હાથમાં મૂકતા શેઠે કહ્યું. અકલ્પિત દાન મળતાં માલવિયાજી ગદ્‌ગદ્‌ બની ગયા. વિચારવા લાગ્યા કે આ શેઠનું કયું સ્વરૂપ સાચું?

માલવિયાજીની મૂંઝવણ શેઠ પામી ગયા. એમણે સમજાવ્યું કે ઉદારતા સમય આવે કરવાની હોય છે. સંયમ, કરકસર હંમેશાં શોભા આપતા ગુણો છે. સારા ઠેકાણે લાખો ખર્ચાય, પણ ખોટી જગ્યાએ એક કોડી પણ ન ખર્ચાય. કંજૂસાઇ-કરકસર ને ઉડાઉપણું ત્રણ વૃત્તિઓ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી અને સૂક્ષ્મ છે.

કરકસરમાં સ્વાર્થ ભળે તો કંજૂસાઇ બની જાય અને બેદરકારીનો સ્પર્શ થાય તો ઉડાઉપણું. કરકસર વ્યકિત તેમ જ સમાજ બંનેના હિત માટે આવશ્યક એવી આદત છે. રાષ્ટ્રપિતા ગાંધીજી પણ કરકસરમાં બહુ માનતા. ઇ.સ. 1930માં દાંડીકૂચ સમયે ગાંધીજી લીંબુનો રસ અને મધ મિશ્રિત પાણી પીતા હતા. એક દિવસ તે શરબતવાળો પ્યાલો ફૂટી ગયો. ત્યારે તેના અંતેવાસી પ્યારેલાલે બે પ્યાલા નવા મંગાવ્યા. એ સમયે પ્યાલાની કિંમત છ પૈસા હતી. કરકસરમાં માનતા બાપુને આ વાત ન ગમી. તે જ સમયે કોઇ બાપુ માટે સંતરા અને લીલી દ્રાક્ષ લઇ આવ્યા. ગાંધીબાપુએ તે સમયે લીંબુ સિવાય બધા ફળોનો ત્યાગ કરી દીધો.

પ્રજાધનનો બગાડ થાય જ નહીં તેવું તે દૃઢપણે માનતા હતા. એક દિવસ બહારગામ બાપુ ગયા- મીરાંબહેન મધ લેવાનું ભૂલી ગયાં. તેમણે મધની શીશી બજારમાંથી મંગાવી દીધી. ગાંધીબાપુને આ વાત ન ગમી. પ્રજાના પૈસાનો દુરુપયોગ શા માટે? એક દિવસ મધ વિના શું હું ભૂખ્યો રહી જાત? બાપુ આવા કરકસરીયા હતા. પ્રજાના પત્રોમાં આવેલી ટાંકણી, પેન્સિલના ટુકડા… રૂમાલ વગેરે સાચવીને રાખતાં તેઓ એવું અવશ્ય સમજતા કે ‘હું પ્રજાનો ટ્રસ્ટી છું. ખોવું પોસાય નહીં… કરકસર એ ત્રીજો ભાઇ છે. જયારે આજના નેતાને કરકસર કયાં ખપે છે? બસ પગાર અધધધ- સાહ્યબી અધધધ મોજશોખનાં સાધનો અધધધ… સેવાને નામે મેવા… પ્રજા ભલે ભૂખે મરે…!

તેઓ જો કરકસર સમજે તો રાષ્ટ્રની સંપત્તિ અને સમૃધ્ધિ વધે. તો વાચકમિત્રો… ત્રેવડ ત્રીજો ભાઇ એ કહેવતમાં પણ કેટલું ગહન સત્ય છુપાયેલું છે. જીવનમાં સગવડો સાથે થોડી અગવડો વેઠતાં પણ શીખીએ. કરકસર માત્ર અન્ન-વસ્ત્ર અને પૈસાની જ કરવાની નથી. બોલવામાં વાણી પણ બેફામ ન બને, સમયનો ઉપયોગ પણ કરકસરથી કરીએ- સમય બગાડીએ નહીં. આપણે સૌ કરકસર કરી જીવન જીવી થોડી બચત કરીએ. આ આદેશ વિવેકપૂર્ણ જીવનમાં ઉતારનાર માણસ કદી દુ:ખી થતો નથી- તો મિત્રો! આજથી જ કરકસર કરવાનું શરૂ કરી દો…

સુવર્ણરજ
‘‘આજે રૂપિયો કાલે સવા, પરમે થાશે પાંચ
ઘરનું ઘર તો આજ કરો, ના કાલે આવે આંચ’’
– સંકલિત

Most Popular

To Top