એક નાનકડી હોટલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી.હોટલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી.બહુ નાની હોટલ;યુવતી અને બીજા બે જણ એમ કુલ બસ ત્રણ જણ જ બધું કામ સંભાળતાં….બહુ ભીડ હોવાને લીધે કામનું ભારણ હતું.
એક પંદર વર્ષની છોકરી ત્યાં આવી અને તેણે એક પાઈનેપલ જ્યુસનો ઓર્ડર આપ્યો અને ઉમેર્યું, જરા જલ્દી આપજો, મને મોડું થાય છે.બહુ ભીડ અને કામને લીધે યુવતીએ ઓર્ડર લીધો પણ સાથે સાથે થોડી તોછડાઈથી બોલી , ‘જલ્દી નહિ થઈ શકે સમય લાગશે..ચાલશે… ‘અને આમ બોલતાં બોલતાં તે બીજા કામ તરફ આગળ વધી ગઈ.છોકરી શું કહે છે તે સાંભળવા પણ ન રોકાઈ.
પેલી પંદર વર્ષની છોકરી ખરાબ લગાડી હોટલની બહાર જતી રહેવાને..પેલી યુવતીની પાછળ પાછળ ગઈ….પેલી યુવતી બહુ કામમાં હતી એટલે તેનું ધ્યાન ન હતું.થોડી વાર રહીને તેનું ધ્યાન તે છોકરી પર પડ્યું. તે ફરી બોલી, ‘બહુ ઓર્ડર છે જુયુસ જલ્દી નહિ મળે..’ પેલી છોકરીએ તેને કહ્યું, ‘મને દેખાય છે તમને બહુ કામ છે ..મને જ્યુસ પછી આપશો તો ચાલશે..પણ હું અહીં તમને મદદ કરવા આવી છું. મને કહો, હું શું મદદ કરી શકું?’
આમ બોલી પંદર વર્ષની છોકરી પાણીના ગ્લાસ ભરવા લાગી…પેલી યુવતીને બહુ સારું લાગ્યું કે કોઈકે તેને મદદ કરવાની વાત કરી..તે આનંદથી છોકરીને ભેટી પડી અને થોડી જ વારમાં તેના માટે પાઈનેપલ જ્યુસનો ગ્લાસ લઇ આવી..ત્યાં સુધી પેલી છોકરીએ બનતી મદદ કરી…પછી યુવતીએ તેનો આભાર માન્યો..તેના હાથમાં જ્યુસનો ગ્લાસ આપતાં કહ્યું, ‘ખૂબ ખૂબ આભાર..મને મદદ કરવા માટે પણ તું મારી ગેસ્ટ છે.
હવે હું બધું સંભાળી લઈશ. તું આ જ્યુસનો આનંદ લે…મારા કામની કદર કરવા અને મદદ કરવા બદલ તારો ફરી એક વાર આભાર.’ યુવતી કામે લાગી અને છોકરી એક ટેબલ પર બેસી જ્યુસ પીવા લાગી.
જ્યુસ પીતાં પીતાં છોકરી પોતાની મમ્મીની વાત યાદ કરી રહી હતી કે ‘જયારે કોઈ પોતાના ખભા પર દુનિયાભરનો ભાર છે એમ વિચારીને નાસીપાસ હોય ત્યારે તેની પાસે જઈને તેને મદદ કરવી તેનો થોડો ભાર ઓછો કરવાની કોશિશ કરવી.’આજે તેણે મમ્મીની આ વાત પર અમલ કર્યો હતો.મનોમન તે પોતાની મમ્મીને પણ થેંક્યુ કહી રહી હતી કે જેણે તેને આટલી સરસ જીવનની સમજ આપી હતી.
આપણે પણ યાદ રાખીએ, જયારે કોઈ દુનિયાભરના કામના, તકલીફના કે અન્ય કોઈ દબાણ હેઠળ હોય ત્યારે તેની પાસે જઈ મદદનો એક હાથ અચૂક લંબાવીએ…..તેને બનતો સાથ આપીએ.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.