Madhya Gujarat

સમલૈંગીક યુવકે આધેડનો વિડીયો ઉતારી લૂંટી લીધા

આણંદ: આણંદ શહેરમાં સંબંધીના ઘરે આવેલા આધેડ વ્યક્તિને સમલૈગીક યુવકે કરમસદની હોટલમાં બોલાવી સેક્સની લાલચ આપી વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો થકી તેના સાથીદારો સાથે આધેડ પાસેથી રોકડ અને સોનાની ચેઇન સહિત મુદ્દામાલ લુંટી લીધો હતો. આ મામલો આણંદ શહેર પોલીસ મથકે પહોંચતાં પોલીસે ગુનો નોંધી ટોળકીની ધરપકડ કરી હતી. આણંદ નાયબ પોલીસ અધિક્ષક બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, ખાનગી કંપનીમાં નોકરી કરતાં અને થોડા સમય પહેલા આણંદ સંબંધીના ઘરે આવેલાં 53 વર્ષિય આધેડના મોબાઇલ પર 23મી જુલાઇ,2022ના રોજ સવારના ગ્રાઈન્ડર નામની ફ્રેન્ડશીપ સોશ્યલ એપ પર કોઇ લવ મેચ્યોર નામની વ્યક્તિએ મેસેજ કર્યો હતો.

આ મેસેજનો આધેડે રીપ્લાય આપ્યો હતો, થોડી વાતચીત બાદ આધેડે પોતાનો નંબર પણ આપ્યો હતો. આ નંબર લવ મેચ્યોર એકાઉન્ટ પરની વ્યક્તિએ વિડીયો કોલ કર્યો હતો. જોકે, કોલ દરમિયાન તે શખસ યુવક હતો. બાદમાં આધેડે થોડીઘણી તેમને લગતી વાતચીત કરી હતી. જેમાં યુવક ગે હતો અને સમલીંગી સેક્સની ઓફર કરી હતી. જેથી લાલચમાં આવેલા આધેડે એક હોટલમાં એકાંતમાં મળવાનું નક્કી કર્યું હતું.

આથી, આધેડ રાત્રિના સાડા આઠેક વાગ્યાના સુમારે કાર લઇને કરમસદ રોડ પર આવેલી હોટલમાં ગયાં હતાં. જ્યાં પહેલેથી જ હાજર યુવક તેને હોટલના પાછળના દરવાજાથી ખાસ રૂમમાં લઇ ગયો હતો. આ રૂમમાં ગયા બાદ આધેડ અને યુવકે કપડાં ઉતાર્યાં હતાં. પરંતુ હજુ તેઓ આગળ વધે તે દરમિયાન ડોરબેલ વાગતા બન્ને ચોંકી ગયાં હતાં અને કપડાં પહેરી લીધાં હતાં. આ સમયે આધેડે દરવાજો ખોલતાં જ ચાર શખસો રૂમમાં જબરજસ્તી ઘુસી આવ્યાં હતાં અને રૂમના ટેબલ પર સંતાડીને મુકેલો મોબાઇલ ફોન કાઢી તેમાં ઉતારેલા અશ્લીલ વિડિયો બતાવ્યાં હતાં.

જે જોઇ આધેડ ચોંકી ગયાં હતાં, સાથોસાથ ગભરાઇ ગયાં હતાં. બાદમાં ચારેય શખસે આધેડને પકડીને રૂ.પાંચ લાખની માગણી કરી હતી. જો પાંચ લાંખ નહીં આપે તો તારા અશ્લીલ વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી પણ આપી હતી. આ ઉપરાંત બારીમાંથી બહાર ફેંકી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમયે આધેડ કશું કરી ન શકતાં ચારેય શખસોએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, રોકડા રૂ.4500ની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત બે દિવસમાં રૂ.પાંચ લાખની વ્યવસ્થા કરી દેજે તેમ જણાવી ભાગી ગયાં હતાં. આ બનાવ સંદર્ભે આધેડે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચાર શખસની ધરપકડ કરી હતી.

સમલૈગીક સંબંધોના શોખીનોને આકર્ષતા હતાં
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સુરેન્દ્રનગરના પાંચેય શખસ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયાં હતાં. તેઓ રીઢા ચોરી, લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલા છે. તેઓએ આ નવો કિમિયો અજમાવ્યો હતો. સોશ્યલ મિડિયા પર સમલૈગીંક એપ બનાવી તેના શોખીનો શોધતાં હતાં. બાદમાં યુવક સાથે શારીરિક સુખની લાલચ આપી હોટલમાં બોલાવતાં હતાં અને વિડીયો ઉતારી લૂંટી લેતાં હતાં. આ ગેંગે આવા અનેક વ્યક્તિ સાથે આ મોડસ ઓપરેન્ડીથી નાણાં પડાવ્યાં હોવાની શંખા છે. જે સંદર્ભે પુછપરછ કરવામાં આવશે.

હોટલ સંચાલક પણ શંકાના દાયરામાં આવ્યાં
સુરેન્દ્રનગરની ગેંગે આધેડને હોટલ પર બોલાવ્યાં બાદ પાછલા બારણાથી રૂમમાં લઇ ગયાં હતાં. બાદમાં હોટલની રૂમમાં લઇ જઇ ટેબલ નીચે છુપાવેલા મોબાઇલમાં ક્લીપીંગ ઉતારી લીધી હતી. આમ આ સમગ્ર ઘટનામાં હોટલ સંચાલક પણ શંકાના દાયરામાં આવી ગયાં છે. અજાણી વ્યક્તિને પાછલના બારણે કેવી રીતે જવા દે ? અથવા પહેલેથી જ પ્લાન હતો, માટે આગળના દરવાજા સીસીટીવી કેમેરાના ફુટેજમાં પકડાય તેવો ભય હતો. આથી, આ પ્લાનીંગમાં ક્યાંક હોટલ સંચાલક પણ શંકાના દાયરામાં આવી ગયાં છે.

Most Popular

To Top