Columns

એક બાગ

એક ઝેન ગુરુ પાસે જાપાનના રાજા બાગકામ [ગાર્ડનિંગ] શીખવા આવતા. સતત ત્રણ વર્ષ સુધી રાજાએ ઝેન ગુરુ પાસે બાગકામની ઝીણી ઝીણી માહિતી મેળવી. દરેક આવડત,જ્ઞાન અને સૂચનાનો અમલ તેઓ પોતાના મહેલના બાગમાં કરાવતા. ઝેન ગુરુએ કહ્યું, ‘મહારાજ, તમે અહીં ત્રણ ત્રણ વર્ષથી બાગકામ શીખો છો. હવે તમારે પરીક્ષા આપવી પડશે. હું  જાતે  કોઈ પણ દિવસે તમારા બાગને જોવા આવીશ.’

રાજાએ પોતાના માણસો અને માળીઓની ફોજને કામે લગાડી અને ઝીણીઝીણી બાબતનું પોતે ધ્યાન રાખ્યું અને બાગને એટલો સુંદર ખીલવ્યો કે ગુરુજી જોઇને ખુશ થઇ જાય. રોજ બાગને સુંદર અને સ્વચ્છ રાખવામાં આવતો; દરેક છોડ-વૃક્ષ-ફૂલ-પાન બધું જ એકદમ વ્યવસ્થિત અને સુંદર હતાં. ક્યાંય કોઈ ખામી ન હતી. ક્યાંય કોઈ ભૂલ ન હતી. એક દિવસ વહેલી સવારે રાજા બાગમાં બધું બરાબર છે કે નહિ તે જોવા નીકળ્યા અને ઝેન ગુરુ આવ્યા.રાજા તેમને જોઇને ખુશ થઇ ગયા. રાજા મનમાં ખુશ હતા કે સારું મેં બધું તપાસી લીધું અને ગુરુજી આવ્યા, બધું જ એકદમ બરાબર છે,કોઈ ભૂલ નથી. ચોક્કસ ગુરુજી મારો બાગ જોઈ બહુ રાજી થશે.

પણ તેમ ન થયું. ઝેન ગુરુ પોતાના કાયમી હસતા ચહેરે બાગમાં પ્રવેશ્યા. પણ જેમ જેમ બાગમાં ફરતા ગયા અને બધું જોતા ગયા અને તેમના મુખ પરનું હાસ્ય ગાયબ થઈ ગયું. તેઓ એકદમ ગંભીર બની ગયા. ગુરુજી આમ તો હંમેશ ખુશમિજાજ અને હસતા રહેતા પણ આજે કેમ ગંભીર થઈ ગયા? રાજાના મનમાં પ્રશ્ન થયો અને સાથે ચિંતા થઇ કે શું મારી કોઈ ભૂલ થઇ? શું હું આ પરીક્ષામાં નાપાસ થઈશ?

ધીમેથી રાજાએ હિંમત કરી પૂછ્યું, ‘ગુરુજી, શું થયું? મેં તમને આટલા ગંભીર ક્યારેય જોયા નથી. મને હતું તમે તમારા શિષ્યની મહેનત જોઈ ખુશ થઇ જશો.’ ગુરુજી બોલ્યા, ‘શિષ્ય, બધું જ બરાબર છે પણ સુકાયેલાં સોનેરી પાંદડાંઓ ખૂટે છે. અહીં મને કોઈ પીળા-સોનેરી સુકાઈ ગયેલા મરેલા પાંદડાંઓ દેખાતાં નથી.સુકાયેલાં પાંદડાં પવનમાં અહીંથી તહીં ઊડે એ બાગની જીવંતતા છે.પીળાં પાંદડાં,લીલાં પાંદડાંઓની શોભા વધારે છે. તેમના વિના બાગ કૃત્રિમ લાગે છે.બસ તે ખૂટે છે.’

રાજાએ બાગ એકદમ સ્વચ્છ રાખવાનો હુકમ આપ્યો હતો અને બધાં પીળાં અને સુકાયેલાં પાંદડાંઓ જમીન અને છોડ પરથી દૂર કરી કચરાપેટીમાં ભરી દેવામાં આવ્યાં હતાં.ગુરુજી જાતે જઈને તે સુકાયેલાં પાંદડાં લઇ આવ્યા અને બાગમાં વેરી દીધા, જે પવન આવતાં અહીંથી તહીં ઊડવા લાગ્યાં.ગુરુજીએ સમજાવ્યું, ‘લીલાં પાન નવજીવન છે અને પીળાં સુકાયેલાં પાન વીતી ગયેલા જીવનનું ગાન તે બાગને જીવન આપે છે.યાદ રાખજે આમ જ જીવનબાગમાં પણ સુખ અને દુઃખ બન્ને જરૂરી છે. જન્મ અને મરણ બન્ને જીવનનો જ ભાગ છે.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top