સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા સરકારી પ્લોટ TP 49 FP 359 પર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ગાર્ડન વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ ફેંકવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્થળે ગંદકીના ઢગલા ઊભા થઈ ગયા છે અને આજુબાજુના રહેવાસીઓને અતિશય તકલીફ પડી રહી છે.
- ગંદકીના ઢગલા, ગંદકી, દુર્ગંધ અને અતિક્રમણથી સંકટ
- સરકારી જમીન સંરક્ષણ હેઠળ કાર્યવાહી કરવા સંદર્ભે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાની મનપા કમિશનરને રજૂઆત
- સરકારી કે ખાનગી ખુલ્લી જગ્યા પર ઘન કચરાનો નિકાલ સંપૂર્ણપણે વર્જિત હોવાના નિયમનો ખુદ સુરત મનપાએ છેદ ઉડાડી દીધો : વિજય પાનશેરિયા
આ પ્લોટ ઉપર સુરત મહાનગરપાલિકાથી બનાવવામાં આવેલા બોરવેલોની હાલત અત્યંત ખરાબ છે. બોરવેલો આસપાસ કચરો અને ગંદકીથી ઘેરાયેલા છે, જેના કારણે પીવાના પાણીની શુદ્ધતા પર ગંભીર અસર થવાની શક્યતા છે. વધુમાં, આ સરકારી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે ઝૂંપડાં (ઝુંપડપટ્ટી) બનાવીને વસવાટ શરૂ કર્યો છે, જે જાહેર સંપત્તિનું અતિક્રમણ ગણાય છે.

પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ પાલિકા કમિશનરને આ મામલે ફરિયાદ કરી છે. પાનશેરિયાએ ફરિયાદમાં કહ્યું છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 (કેન્દ્રના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ઘોષિત) મુજબ કોઈ સરકારી જમીન અથવા ખુલ્લી જગ્યા પર કોઈપણ પ્રકારના ઘન કચરાનો નિકાલ સંપૂર્ણપણે વર્જિત છે. આ નિયમના Rules 15(બ) મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 મુજબ, કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિક કચરો ખુલ્લા વિસ્તારમાં ડમ્પ કરવો દંડનીય ગુનો છે અને સંબંધિત મ્યુનિસિપલ સંસ્થાને નિયંત્રણ માટે ફરજ પાડવામાં આવી છે.
જળ શક્તિ મંત્રાલય અને ગુજરાત વોટર સપ્લાય અને સુએઝ બોર્ડ (GWSSB) ની માર્ગદર્શિકાઓ મુજબ જાહેર બોરવેલો અને તેમની આસપાસના વિસ્તારનું સુરક્ષણ તથા સ્વચ્છતા જાળવવી એ સ્થાનિક સંસ્થાની જવાબદારી છે.
અતિ ગંભીર બાબતને ગંભીરતાથી લેવા વિજય પાનશેરિયાએ મનપા કમિશનરને વિનંતી કરી છે. આ સાથે સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ હાથ ધરી ગંદકી દૂર કરવા, કચરાનો યોગ્ય નિકાલ નિયમ મુજબ કરવા, બોરવેલોની હાલત તપાસી તેમની મરામત તથા સ્વચ્છતા જાળવવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ ગેરકાયદેસર વસવાટ કરનારાઓ સામે અતિક્રમણ દૂર કરવા વિનંતી કરી હતી.