Vadodara

સયાજીબાગમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી, મશીનથી ઝાડ કાપીને લઈ જવાનો પ્રયાસ

વડોદરા : શહેરના સયાજીબાગ ખાતે ચંદન ચોરોની ટોળકી ત્રાટકી હતી અને સયાજી બાગમાં આવેલા ચંદનના ઝાડને ટાર્ગેટ બનાવી મશીનથી ઝાડ કાપીને લઈ જવાની પેરવી કરતા હતા તે દરમિયાન સયાજીબાગમાં ફરજ બજાવતા સિક્યુરિટીના જવાનોને જાણકારી મળતાં સ્થળ પર પહોંચ્યા હતા તેને જોઈને ચંદનચોર નાસી છૂટ્યા હતા. બનાવ અંગે સૂયાજીગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ ભાઉદાસ મોહલ્લામાં રહેતા રોહિત વિસ્વનાથ ઇથાપે એસ્કોર્ટ સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે ચીલા 5 વર્ષથી સયાજીબાગમાં નોકરી કરે છે. ત્યારે સોમવારના વહેલી સવારે 6 વાગ્યે સયાજીબાગમાં ફરજ બજાવતા સિક્યુરિટીએ ફોન કરી જણાવ્યું હતું કે, સવારના 5 વાગ્યે લાઈટ ગઈ હતી  દરમિયાન લાઈટ ગઈ ત્યારે અંધારમાં હાથી સ્ટેન્ડના ગેટ પાસે અને બતક તલાવડી પાસવ આવેલા ચંદનના ઝાડને કોઈ અજાણ્યા ત્રણ તસ્કરોએ કાપી નાખેલ છે. જેની જાણ થતા બુમાબુમ કરતા તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા.

ઘટના અંગે સિક્યુરિટીએ જણાવ્યા બાદ રોહિત તાત્કાલિક ધોરણે સયાજીબાગ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.  ત્યારે તપાસ કર્યાબાદ રોહિત ઇથાપેએ બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં રૂ, 7000ની મતાના ચંદનના ઝાડની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજીબાગ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને રાજમહેલમાં ચંદનના અસંખ્ય વૃક્ષો આવેલા છે. એટલું જ નહીં સયાજીબાગ અને એમ.એસ.યુનિવર્સિટીમાં કડક સિક્યોરિટી હોવા છતાં રાત્રિના સમયમાં ચંદન ચોર ટોળકી ત્રાટકીને અનેકવાર ચંદનના ઝાડ કાપીને લઈ ગયાના કિસ્સાઓ નોંધાયા છે.

Most Popular

To Top