SURAT

સુરતના એક ગણેશ મંડળે ઝાડની છાલમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરી

સુરત: સુરતમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સુરતમાં ગણેશ આગમનથી લઈ ગણેશ વિસર્જન સુધી તેમજ વિવિધ થિમ પર પંડાળો બનાવી ભક્તો 10 દિવસ ભાવભક્તિથી ગણેશજીનાં વધામણાં કરતા હોય છે. આ વર્ષે પણ સુરત શહેરમાં ગણેશ આગમનમાં ઘણા નવા રૂપરંગ જોવા મળી રહ્યા છે. સાથે સાથે વિવિધ મંડળો દ્વારા પંડાળમાં વિશિષ્ટ થિમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

  • લાલ દરવાજાના એકદંતાય ગ્રુપ દ્વારા આ વર્ષે જંગલ થિમનું આયોજન કરાયું
  • સુરતની જ એક મિલમાંથી ઝાડની છાલનું વેસ્ટેજ એકત્રિત કરવામાં આવ્યું
  • બંગાળના કારીગરે માત્ર 35 દિવસમાં ઝાડની છાલમાંથી મૂર્તિ તૈયાર કરી

લાલ દરવાજાના એકદંતાય ગ્રુપ દ્વારા આ વર્ષે જંગલ થિમનું આયોજન કરાયું છે. જેથી તેઓ દ્વારા ઝાડની છાલની ઉપયોગ કરી ગણેશની પ્રતિમા બનાવડાવી છે અને પર્યાવરણનો સંદેશો આપ્યો છે.

એકદંતાય ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતની જ એક મિલમાંથી ઝાડની છાલનું વેસ્ટેજ એકત્રિત કરવામાં આવ્યું હતું. લગભગ 15થી 17 કિલો જેટલો વેસ્ટ લાવવામાં આવ્યો હતો અને બંગાળના એક કારીગર પાસેથી તેઓ દ્વારા આ ઝાડની છાલમાંથી મૂર્તિ બનાવવા માટેનો ઓર્ડર અપાયો હતો. જેઓ દ્વારા 35 દિવસમાં મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.

સુરતમાં પ્રથમવાર લાકડાંની છાલના લૂકમાં ગણેશજી જોવા મળશે. નાગપુરમાં ગત વર્ષે લાકડાંની છાલમાંથી ગણેશની પ્રતિમા તૈયાર કરાઈ હતી અને ત્યાંથી વિચાર આવ્યો અને આ મંડળ દ્વારા આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન કરાયું છે.

જંગલ થિમની સાથે પર્યાવરણનો સંદેશો અપાશે
પર્યાવરણનું પતન થઈ રહ્યું છે ત્યારે લાલ દરવાજાના એકદંતાય ગ્રુપ દ્વારા તેમના પંડાળમાં પર્યાવરણનો સંદેશો આપવામાં આવશે, જેમાં સેવ ઓક્સિજન, સેવ વોટર અને સેવ ટ્રીના મેસેજ આપવામાં આવશે અને સમગ્ર પંડાળ જંગલ થિમ પર તૈયાર કરાશે. ઝાડની છાલમાંથી 13 ફૂટની લંબાઈના ગણેશજીની પ્રતિમા તૈયાર કરાઈ છે.

Most Popular

To Top